મોરબીમાં મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટી પડ્યા બાદ તાત્કાલિક રાહત-બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા કાંતિલાલ અમૃતિયા પણ જાતે લોકોના જીવ બચાવવા માટે નદીમાં કૂદ્યા હતા. જેના વિડીયો અને તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
વિડીયોમાં કાંતિલાલ અમૃતિયા જાતે નદીમાં ઉતરી પુલ તૂટી પડ્યો તે તરફ જતા જોવા મળે છે. તેમણે પોતે પણ અનેક લોકોને બચાવીને હેમખેમ બહાર કાઢ્યા હતા અને NDRF-SDRF અને અન્ય બચાવકાર્ય માટેની ટીમો પહોંચે તે પહેલાં સ્થાનિકો સાથે અનેક લોકોને બચાવવામાં મદદ કરી હતી.
આજે મોરબી માં કેબલ બ્રિજ તૂટી જતા ઘણા લોકો નદી માં પડી ગયા છે દ્રશ્યો ખૂબ જ દુઃખદ છે તેઓ નો બચાવ કરવા પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા પોતે પાણી માં કુદી પડ્યા હતા
— Jayveer Nayak (@jayveernayak) October 30, 2022
Praying for the safety of all people there ! 🙏🏻@Kanti_amrutiya pic.twitter.com/P9kdUFu2OT
કાંતિલાલ અમૃતિયા મોરબીના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેઓ પાંચ વખત મોરબીના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના મતવિસ્તારમાં તેઓ ‘કાનાભાઇ’ના નામે જાણીતા છે. વર્ષ 1995માં તેઓ પ્રથમ વખત મોરબીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, ત્યારથી સતત 2013 સુધી તેઓ એમ.એલ.એ પદે ચૂંટાતા રહ્યા છે.
1962માં મોરબીના જેતપુરના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા કાંતિલાલ અમૃતિયા એક યુવાન તરીકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પણ સક્રિય રહ્યા હતા. ત્યારબાદ તેઓ ભ્રષ્ટાચારવિરોધી ‘નવનિર્માણ’ ચળવળમાં પણ સામેલ થયા હતા. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓ મોરબી નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં સભ્ય પણ રહ્યા હતા. ત્યારબાદ ધારાસભ્ય પણ બન્યા હતા.
મોરબી વિધાનસભા બેઠક પર સતત પાંચ વાર જીત મેળવ્યા બાદ વર્ષ 2017માં પહેલીવાર અપસેટ સર્જાયો હતો અને કોંગ્રેસની ટિકિટ પર વર્તમાન ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જીત મેળવી હતી. જોકે, વર્ષ 2020માં બ્રિજેશ મેરજા કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થઇ ગયા હતા. હાલ બ્રિજેશ મેરજા ભુપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી છે.
વધુમાં, મોરબી દુર્ઘટના મામલે પોલીસે નવ લોકોની ધરપકડ કરી લીધી છે. જેમાં ઓરેવા કંપનીના બે મેનેજરો, બે ટિકિટ ક્લાર્ક, બે કોન્ટ્રાક્ટર અને ત્રણ સિક્યુરિટી ગાર્ડનો સમાવેશ થાય છે. આ મામલે આજે મોરબી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી કરી છે.
ઘટનાને લઈને રાજકોટ રેન્જ આઇજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં 134 લોકોનાં મોત થયાં છે, જ્યારે 100થી વધુ લોકોને નાની-મોટી ઇજા પહોંચી છે. 9 લોકોની ધરપકડ કરીને આઇપીસીની જુદી-જુદી કલમો હેઠળ તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.