છેલ્લા કેટલાક સમયથી ગૃહ વિભાગ કુખ્યાત ગુનેગારો વિરુદ્ધ લાલ આંખ કરી કડક કાર્યવાહી કરી રહ્યું છે. તેવામાં હવે મોરબીમાં ગુજસીટોક ઉપરાંત અલગ-અલગ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી આરીફ મીર અને ઇમરાન ચાનિયાની મિલકતો સીલ કરવામાં આવી છે. ચર્ચાઓ ચાલી રહી છે કે આ મિલકતો આરોપીઓ દ્વારા ગેરકાયદેસર આવકમાંથી બનાવવામાં આવી છે. હાલ આ પોલીસ કાર્યવાહી આખા પંથકમાં ચર્ચાનો વિષય બની છે.
મળતી માહિતી અનુસાર, હાલ મોરબીમાં પોલીસે ગુજસીટોક સહિત અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા આરિફ મીર અને ઇમરાન ચાનિયા વિરુદ્ધ આ સંપત્તિ સીલ કરવાની કાર્યવાહી કરી છે. જોકે બંને આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર અને ફરાર છે. બીજી તરફ ગૃહ વિભાગના આદેશ અનુસાર DYSPના માર્ગદર્શન હેઠળ બંને આરોપીઓની મિલકતો જપ્ત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરિફ અને ઇમરાન સહિત કૂલ 15 આરોપીઓની મિલકતો પર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવનાર છે.
કુખ્યાત ગુનેગારોની હવે ખૈર નહીં
— News18Gujarati (@News18Guj) March 29, 2024
મોરબીમાં હિસ્ટ્રીશિટરની મિલકતો સીલ કરાઈ
કુખ્યાત આરીફ મીર, ઈમરાન ચાનિયાની મિલકત સીલ
બંને કુખ્યાત આરોપીઓ પર નોંધાયેલા છે ઘણા ગુના#News18Gujarati #MORBI #news
હાલ DYSPના દિશાનિર્દેશ મુજબ મોરબી A ડિવિઝન પોલીસે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારથી કાર્યવાહીની શરૂઆત કરી છે. કાર્યવાહીના પ્રથમ દિવસમાં આરીફ અને ઇમરાનની 12 જેટલી મિલકતોમાં સીલ મારવામાં આવ્યાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે દરમિયાન પોલીસે આરોપીઓના વાહન પણ જપ્ત કર્યાં છે. સાથે જ આરોપીઓએ પરવાના વગર ભાડે ચઢાવેલી મિલકતો વિરુદ્ધ પણ કાર્યવાહી કરીને તેને સીલ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા 15 જેટલા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ આરોપીઓની કુલ 25થી પણ વધુ મિલકતો ટાંચમાં લેવામાં આવશે. શુક્રવારે (29 માર્ચ) કાર્યવાહીનો પ્રથમ દિવસ હતો. આ કાર્યવાહી આગામી 3થી 4 દિવસ ચાલે તેવી શક્યતાઓ છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોલીસ દ્વારા સીલ કરવામાં આવેલી મિલકતોની માહિતી જાહેર કરવામાં આવશે.