નરેન્દ્ર મોદી છેલ્લાં નવ વર્ષથી દેશના વડાપ્રધાન છે પરંતુ હજુ પણ તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી. હજુ પણ લોકો તેમને જ દેશના આગામી વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. એક સરવે અનુસાર, 52 ટકા લોકો માને છે કે મોદી જ દેશના આગામી પીએમ હોવા જોઈએ. જ્યારે 67 ટકા લોકોએ મોદી સરકારના કામકાજને પસંદ કર્યું છે.
આ બાબતો ઇન્ડિયા ટૂડેના એક સરવેમાં સામે આવી છે. ઇન્ડિયા ટૂડેએ સી વોટર સાથે મળીને ‘મૂડ ઑફ ધ નેશન’ નામથી સરવે કર્યો હતો. જેમાં કુલ 1 લાખ 40 હજાર 917 લોકોએ ભાગ લીધો હોવાનું કહેવાય છે. સરવેમાં વર્તમાન સરકારના કામકાજ વિશે, પાર્ટીઓ વિશે, દેશના અન્ય મુદ્દાઓ વિશે અને નેતાઓના કામ વિશે લોકોને પૂછવામાં આવ્યું હતું.
સરવેમાં લોકોને દેશના આગામી વડાપ્રધાન વિશે પૂછવામાં આવતાં 52 ટકા લોકોએ પીએમ મોદીના નામ પર મહોર મારી હતી. જ્યારે માત્ર 14 ટકા લોકોએ રાહુલ ગાંધી પર અને 5 ટકા લોકોએ અરવિંદ કેજરીવાલ પર પસંદગી ઉતારી હતી.
आज चुनाव हुए तो किसकी सरकार बनेगी?#BlackAndWhiteOnAajTak #MoodOfTheNation | @sudhirchaudhary pic.twitter.com/wch4yTJcjs
— AajTak (@aajtak) January 26, 2023
NDA સરકારના કામકાજ અંગે પૂછવામાં આવતાં 67 ટકા લોકોએ સરકારના કામને ઘણું સારું ગણાવ્યું તો 11 ટકા લોકોએ કામ સારું હોવાનું કહ્યું. 18 ટકા લોકોએ સરકારનું કામ ખરાબ હોવાનું જણાવ્યું હતું.
સરવે અનુસાર, મોદી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ તરીકે લોકો કોરોના મહામારી દરમિયાન દેશના સંચાલનને જોઈ રહ્યા છે. બીજા ક્રમે 14 ટકા લોકોએ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાને અને 11 ટકા લોકોએ રામમંદિર અને કાશી વિશ્વનાથ કોરિડોરના નિર્માણને સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવી હતી.
બીજી તરફ, સરવે અનુસાર જો આજે ચૂંટણી યોજાય તો NDAને 298 બેઠકો મળે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. બીજી તરફ, યુપીએની 153 બેઠકો અને અન્યના ફાળે 92 બેઠકો જાય તેવું સરવે જણાવે છે.
39 ટકા લોકોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને શ્રેષ્ઠ CM ગણાવ્યા હતા. 16 ટકા લોકોએ અરવિંદ કેજરીવાલ જ્યારે 7 ટકા લોકોએ મમતા બેનર્જીને શ્રેષ્ઠ મુખ્યમંત્રી ગણાવ્યા હતા.
સરવેમાં કોંગ્રેસ પાર્ટીને લઈને પણ પૂછવામાં આવ્યું હતું. કોંગ્રેસમાં સુધારો કોણ લાવી શકે તે સવાલના જવાબમાં 26 ટકા લોકોએ રાહુલ ગાંધીનું, 16 ટકા લોકોએ સચિન પાયલટનું, 12 ટકાએ ડૉ. મનમોહનસિંહનું અને 8 ટકા લોકોએ પ્રિયંકા ગાંધીનું નામ સૂચવ્યું છે.
ભારત જોડો યાત્રાને લઈને 37 ટકા લોકોએ કહ્યું કે તે પાર્ટીને મજબૂત કરવા માટે યોજવામાં આવી છે. જ્યારે 29 ટકા લોકોએ જનતા સાથે જોડાવા માટે થઇ રહી હોવાનું અને 13 ટકાએ રાહુલ ગાંધીની છબી સુધારવા માટે થઇ રહી હોવાનું જણાવ્યું હતું. 9 ટકાએ કહ્યું કે, આ યાત્રાથી પાર્ટીમાં કોઈ ફેર નહીં પડે.