સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં પ્રસાદ વિવાદનો આખરે સરકારની મધ્યસ્થી બાદ અંત આવ્યો છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું વિતરણ ચાલુ રાખવામાં આવ્યુ છે. આજે ગાંધીનગરમાં અંબાજી મંદિર ટ્રસ્ટના સભ્યોની ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સાથે બેઠક મળી હતી. જે પછી આ વિવાદનો અંત આવ્યો છે અને મોહનથાળના પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાત્કાલિક ધોરણે પ્રસાદ શરૂ કરવાનું સૂચન કરવામાં આવ્યુ છે.
આનંદો!!! અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચીકી બંને પ્રસાદ ચાલુ રહેશે..#Ambaji #ambajitemple #Ambajimandir #mohanthal #Gujarat pic.twitter.com/SNtgiqr75S
— Zee 24 Kalak (@Zee24Kalak) March 14, 2023
ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરમાં છેલ્લા 12 દિવસથી મોહનથાળના પ્રસાદનું વિતરણ બંધ કરવામાં આવ્યુ હતુ. જેની પાછળ કારણ એવું આપવામાં આવ્યું હતું કે મોહનથાળનો પ્રસાદ જલ્દી બગડી જાય છે અને સ્વાસ્થ્ય માટે જોખમરૂપ બની શકે છે. સાથે જ એ પણ કારણ અપાયું હતું કે મોહનથાળની જગ્યાએ ચીક્કી ઉપવાસમાં ખાઈ શકાય છે.
પરંતુ અહીં આવતા દરેક ભક્તો અને સમગ્ર હિંદુ સમાજની લાગણી હતી કે અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવામાં આવે. ત્યારે આ મામલામાં અંતે સરકારે મધ્યસ્થી કરી છે. મંગળવારે ગાંધીનગરમાં બપોરે અંબાજી મંદિરના સંચાલકોની ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક મળી હતી. જેમાં મંદિરમાં મોહનથાળ અને ચીકી બંને પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.
સરકાર અને મંદિર ટ્રસ્ટ શું કહ્યું?
અંબાજીમાં મોહનથાળના પ્રસાદ વિવાદ મામલે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની હાજરીમાં ગાંધીનગરમાં બેઠક મળી હતી. જેમાં અંબાજી મંદિરના વહીવટદાર અને ભટ્ટજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે મોહનથાળના પ્રસાદને યથાવત રાખવાની જાહેરાત કરી હતી.
અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રહેશે; હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલ સાથેની બેઠકમાં નિર્ણય#AmbajiTemple #Banaskantha #Gujarat #TV9News pic.twitter.com/V302aYNbjQ
— Tv9 Gujarati (@tv9gujarati) March 14, 2023
ઋષિકેષ પટેલે કહ્યું કે, “કેટલાક ભક્તોની ફરિયાદ હતી કે મોહનથાળમાં ફૂગ આવતી હતી, તે લાંબો સમય રહેતો નથી. પરંતુ ભક્તોના વિરોધ બાદ હવે મોહનથાળનો પારંપરિક પ્રસાદ ચાલુ જ રહેશે. મોહનથાળની ક્વોલિટીમાં સુધારો કરવામા આવશે. તેની સાથે જ વધારામાં ચીક્કીનો પ્રસાદ પણ ઉમેરાશે.”
મંદિરના મુખ્ય ભટ્ટજીએ કહ્યું કે, “અંબાજી મંદિરમાં મોહનથાળનો પારંપરિક પ્રસાદ ચાલુ રહેશે. માવા અને સિંગની સુખડી પણ ચાલુ રહેશે. પ્રસાદ તાત્કાલિક શરૂ કરવામાં આવશે. મોહનથાળ પ્રસાદ બંધ કરવાના નિર્ણય અંગે અમને ધ્યાન નથી.” તો મંત્રી ઋષિકેષ પટેલે કહ્યું કે, “આસ્થા એ વિશ્વાસ સાથે જોડાયેલો વિષય છે. મોહનથાળ 35 -37 વર્ષની મંદિરની પ્રસાદ વ્યવસ્થાનો ભાગ હતો. મોહનથાળની ગુણવત્તા અંગે જે સૂચનો અને ફરિયાદ મળી એ બાદ ફેરફાર કરાયો હતો. હવે ગુણવત્તા મામલે જે સૂચનો મળ્યા છે એ મુજબ યોગ્ય ગુણવત્તા જળવાય એ મુજબ કરીશું.”
શું હતો અંબાજી પ્રસાદ વિવાદ?
માર્ચ મહિનાની શરૂઆતમાં ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ અંબાજી માતાના મંદિરે આપવામાં આવતા પ્રસાદ મામલે વિવાદ સર્જાયો હતો. જેનો ભક્તો, હિંદુ સંગઠનો અને સ્થાનિકો ભારે વિરોધ કરી રહ્યા હતા. તાજેતરમાં મંદિરમાં મોહનથાળની જગ્યાએ ચીકી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને વખોડવામાં આવી રહ્યો હતો.
આ નિર્ણય બાદ સતત 12 દિવસો સુધી નિવેદન, આવેદન, વિરોધ પ્રદર્શન અને અલ્ટીમેટમનું ચક્ર ચાલતું રહ્યું હતું. તમામ હિંદુ સંગઠનો એકસ્વરમાં આ નિર્ણય પાછો લેવા માટે માંગ કરી રહ્યા હતા. વિશ્વ હિંદુ પરિષદે આ વિષમ એક આખું જન આંદોલન ઉભું કર્યું હતું. જેના ભાગ રૂપે ગત રવિવારે (12 માર્ચ) સમગ્ર ગુજરાતના તમામ માતાના મંદિરોમાં મોહનથાળનો પ્રસાદ ચડાવવામાં આવ્યો હતો.
વિવાદ વકરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ VHPને પોતાનું આંદોલન સમેટી લેવા માટે સૂચન કર્યું હતું. જેના જવાબ સ્વરૂપ VHPએ તેમને જ પ્રસિદ્ધ જૈન મંદિર મહુડીમાં સુખડીનો પ્રસાદ બંધ કરાવવાની ચેલેન્જ કરી દીધી હતી. જે બાદ આખરે આજે આ વિવાદનો અંત આવ્યો છે.