Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુખડી બાબતે હર્ષ સંઘવીને કશું કહ્યું હોવાનો વિશ્વ હિંદુ પરિષદનો રદિયો; મહુડી...

    સુખડી બાબતે હર્ષ સંઘવીને કશું કહ્યું હોવાનો વિશ્વ હિંદુ પરિષદનો રદિયો; મહુડી ટ્રસ્ટને પત્ર લખી કરી સ્પષ્ટતા

    વિશ્વ હિંદુ પરિષદના મંત્રી અશોક રાવલે મીડિયા પર વૈમનસ્ય ફેલાવાનો આરોપ લગાવ્યો.

    - Advertisement -

    ગઈકાલે વહેતા થયેલાં સમાચાર અનુસાર વિશ્વ હિંદુ પરિષદે અંબાજી પ્રસાદ મામલે રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને સુખડીનો ટોણો માર્યો હતો. પરંતુ આજે વિશ્વ હિંદુ પરિષદનાં ક્ષેત્ર મંત્રી અશોક રાવળ જેમનાં નામે આ સમાચાર વહેતા થયાં હતાં તેમણે ખુદ એક પત્ર લખીને આ ઘટના ઘટી ન હોવાની સ્પષ્ટતા કરી છે.

    અશોક રાવળે આ પત્ર મહુડી (મધુપુરી) ખાતે આવેલા જૈન મૂતિપૂજક ટ્રસ્ટનાં પ્રમુખ તેમજ તમામ ટ્રસ્ટીઓને ઉદ્દેશીને લખ્યો છે. આ પત્રમાં અશોક રાવળે સ્પષ્ટતા કરી છે કે ગઈકાલે પ્રકાશિત સમાચારમાં જે ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ઘટના ઘટી નથી અને તેમણે આ પ્રકારનું કોઇપણ વક્તવ્ય પ્રેસમાં પણ આપ્યું નથી.

    વધુમાં અશોક રાવળે જણાવ્યું હતું કે વિહિપ તમામ સનાતન ધર્મ ભક્તોને સરખું સન્માન આપે છે જેથી આ પ્રકારે વૈમનસ્ય ઉભું કરતાં સમાચારને રદિયો આપે છે.

    - Advertisement -
    હર્ષ સંઘવી મામલે વિશ્વ હિંદુ પરિષદનો રદિયો

    ઑપઇન્ડિયાએ પણ વિશ્વ હિંદુ પરિષદનો સીધો સંપર્ક કરીને ઉપરોક્ત રદિયો આપતો આ પત્ર અશોક રાવળ દ્વારા જ લખાયેલો હોવાની પુષ્ટિ કરી છે.

    ગઈકાલે વહેતી થયેલી માહિતી અનુસાર અંબાજી પ્રસાદ વિવાદમાં વિશ્વ હિંદુ પરિષદે વિવિધ મંદિરોમાં મોહનથાળનો પ્રસાદ કરીને લોકો વચ્ચે વહેચ્યો હતો. ઉપરાંત જ્યાં સુધી સરકાર આ નિર્ણય પાછો નહીં લે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી હતી. આ જ બાબતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિશ્વ હિંદુ પરિષદના નેતાઓને આ આંદોલન ન કરવા કહ્યું હતું, ત્યારે વિહિપનાં આગેવાનોએ તેમને વળતો અને આકરો જવાબ આપ્યો હતો. 

    છેલ્લાં ઘણા સમયથી અંબાજી મંદિર જે ભારતની શક્તિપીઠોમાં અનેરું મહત્વ ધરાવે છે ત્યાં વર્ષોથી ચાલતાં મોહનથાળ પ્રસાદ અને ચિક્કીનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ શરુ થયાં બાદ ગુજરાત સરકાર પણ તેમાં વચ્ચે પડી હતી અને મોહનથાળના પ્રસાદને બંધ કરવાનાં નિર્ણયને યોગ્ય ગણાવીને ચિક્કીનો પ્રસાદ ચાલુ રાખવાની તરફેણ કરી હતી. ત્યારબાદ સામાન્ય પ્રજાનો વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો અને અને આ વિરોધમાં અનેક હિંદુ સંસ્થાઓ સામેલ થઇ હતી જેમાં એક વિશ્વ હિંદુ પરિષદ પણ છે. 

    મળતી માહિતી અનુસાર, રવિવારે (12-03-23ના રોજ) વીએચપીના આગેવાનો અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના હોદ્દેદારો સાથે કાર્યક્રમમાં મુલાકાત થઈ હતી. જેમાં હર્ષ સંઘવીએ આ આંદોલન રોકવા માટે જણાવ્યું હતું. જેની વિશ્વ હિંદુ પરિષદના લોકો પર વિપરીત અસર થઇ હતી. વિશ્વ હિંદુ પરિષદના પ્રદેશ મંત્રી અશોકભાઈ રાવલે વળતો સવાલ કરતા કહ્યું હતું કે “હર્ષભાઈ તમે જૈન છો તો તો પહેલાં મહુડીનો પારંપરિક સુખડીનો પ્રસાદ બદલો” ઉપરાંત તેમણે સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે સરકારના મંત્રીઓમાં કોઈ પર અમને ભરોસો નથી. સરકાર પોતે જ આ મામલે સ્પષ્ટ નથી. વિશ્વ હિંદુ પરિષદે આ આંદોલન ચાલુ જ રહેશે તેવું સ્પષ્ટ કહ્યું હતું. જો કે આ મામલે હજુ હર્ષ સંઘવીએ કોઈ જવાબ આપ્યો નથી.

    પ્રવીણ તોગડિયા સમર્થિત આંતરાષ્ટ્રીય હિંદુ પરિષદ પણ આ મામલે મેદાનમાં આવ્યું છે. તેઓએ પણ સરકારના વિરોધમાં ઘંટનાદ કાર્યક્રમ યોજ્યો છે. તેઓ ઘંટ વગાડીને સરકારને જગાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આજ રીતે નાના મોટા તમામ હિંદુ સંગઠનો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. 

    દરમ્યાન ગઈકાલે બનાસકાંઠા જીલ્લા કલેકટરે એક જાહેરનામું બહાર પાડીને આગામી પંદર દિવસ સુધી અંબાજીમાં કોઇપણ પ્રકારનાં વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આમ આ મામલે હજી કોઈ ઉકેલ આવે તેવી સંભાવના દૂર દૂર સુધી દેખાઈ રહી નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં