Wednesday, July 24, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગુમનામી અકાઉન્ટ પરથી નહતી થઇ ઝુબૈર વિરુદ્ધ ફરિયાદ, પોલીસ પાસે તમામ વિગતો...

  ગુમનામી અકાઉન્ટ પરથી નહતી થઇ ઝુબૈર વિરુદ્ધ ફરિયાદ, પોલીસ પાસે તમામ વિગતો ઉપલબ્ધ: કોર્ટમાં ઝુબૈરના વકીલના દાવાની પોલ ખોલતી દિલ્હી પોલીસ 

  ઝુબૈરની ધરપકડ જે ટ્વિટર અકાઉન્ટની ફરિયાદ પર થઇ હતી, તેને લઈને તેના વકીલે કોર્ટમાં સવાલો ઉઠાવ્યા હતા, જે મામલે હવે પોલીસે જવાબ આપ્યો છે.

  - Advertisement -

  ગત જૂન-જુલાઈ મહિનામાં ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક અને કથિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈરની દિલ્હી પોલીસે કરેલી ધરપકડ ચર્ચામાં હતી. મોહમ્મદ ઝુબૈરને હિંદુઓની ધાર્મિક લાગણી દુભાય તેવાં ટ્વિટ કરવા બદલ પકડવામાં આવ્યો હતો. જે બાદ યુપીમાં પણ કેટલાક કેસ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. ઝુબૈર મુક્ત થાય તે માટે તેને જામીન અપાવવા ત્રણેક અઠવાડિયા મથામણ કરવામાં આવી હતી. 

  ઝુબૈરનો પક્ષ રાખતાં વકીલ વૃંદા ગ્રોવરે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે, જે અકાઉન્ટથી ઝુબૈર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી તે બેનામી છે અને ઝુબૈરને ફસાવવા માટે જ ઉપયોગમાં લાવવામાં આવ્યું હતું. જોકે, આ મામલે દિલ્હી પોલીસે કોર્ટને અલગ નિવેદન આપ્યું છે, જેનાથી ઝુબૈરના વકીલની દલીલોનો છેદ ઉડી જાય છે. 

  દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું છે કે ઝુબૈર વિરુદ્ધ ફરિયાદ કરનાર કોઈ અજાણ્યો વ્યક્તિ ન હતો અને તેની તમામ જાણકારી પોલીસ પાસે છે. આ જાણકારી ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મારફતે આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, પોલીસે જણાવ્યું કે વૃંદા ગ્રોવરે જે ‘હનુમાન ભક્ત’ નામના આઈડી @balakijijainને બેનામ કહ્યું હતું તે દિલ્હીના એક 36 વર્ષીય બિઝનેસમેનનું અકાઉન્ટ હતું. દિલ્હી પોલીસે આ જ અકાઉન્ટ દ્વારા થયેલી ફરિયાદનું સંજ્ઞાન લઈને ઝુબૈર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. 

  - Advertisement -

  27 જૂને ઝુબૈરની ધરપકડ થયા બાદ આ આઈડી 29 જૂનના રોજ બંધ કરી દેવામાં આવ્યું હતું અને 30 જૂને ફરી ચાલુ કરવામાં આવ્યું હતું. જોકે, હાલ આ અકાઉન્ટ ટ્વિટરે સસ્પેન્ડ કરી દીધું છે.

  પોલીસે જણાવ્યું કે આ ટ્વિટર અકાઉન્ટની જાણકારી મેળવવા માટે તેમણે ટ્વિટર ઇન્ડિયાને નોટીસ મોકલી હતી. પોલીસ અનુસાર, નોટીસમાં તેમણે ફરિયાદીની તમામ પ્રકારની જાણકારી આપવા માટે જણાવ્યું હતું. ટ્વિટરે જેવી આઈડી સાથે જોડાયેલી રજીસ્ટર્ડ જાણકારી આપી અને આઈપી એડ્રેસની માહિતી આપી તેવી દિલ્હી પોલીસે બિઝનેસમેનને નોટીસ મોકલીને ઝુબૈર વિરુદ્ધ ફરિયાદ કરનારને દ્વારકાના IFSO કાર્યાલયમાં આવીને નિવેદન નોંધાવવા માટે કહ્યું હતું. 

  નોટીસ મળ્યા બાદ ફરિયાદી કાર્યાલય પહોંચ્યા હતા અને જ્યાં તેમણે પહેલાં પોતાની વિગતો આપીને ત્યારબાદ નિવેદન નોંધાવ્યું હતું કે ઝુબૈરનાં ટ્વિટથી તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હતી. પોલીસે પૂછપરછમાં એ પણ નોંધ્યું હતું કે ફરિયાદી કોઈ પાર્ટીવિશેષમાંથી આવતો નથી. તે અજમેરના છે અને દિલ્હીમાં રહીને વ્યવસાય કરે છે. 

  પોલીસ તરફથી હાજર વકીલે કોર્ટને જણાવ્યું કે, તેઓ માત્ર એક જાણકારી આપનાર વ્યક્તિ હતા. તેઓ કોઈ ગુમનામ ફરિયાદી નથી. તેમની તમામ જાણકારી ઉપલબ્ધ છે. કોઈને પણ માહિતી આપ્યા વગર ટ્વિટર અકાઉન્ટ મળી જતું નથી. પોલીસે જણાવ્યું કે, આ ટ્વિટર યુઝર થોડા વર્ષો પહેલાં દ્વારકા આવ્યા હતા અને હાલ ત્યાં જ પોતાના પરિવાર સાથે રહે છે. 

  એ પણ નોંધવું જોઈએ કે, આ અકાઉન્ટ અજાણ્યું હોવાના કારણે ઝુબૈરનાં વકીલ વૃંદા ગ્રોવરે કોર્ટમાં જામીન પર સુનાવણી વખતે દલીલ કરી હતી કે આ અકાઉન્ટ શંકાસ્પદ રીતે તેમના અસીલને ટાર્ગેટ કરવા માટે જ બનાવવામાં આવ્યું છે. તેમણે પોલીસને ટ્વિટર યુઝરની તપાસ કરવા માટે પણ માંગ કરી હતી. જોકે, હવે પોલીસે તમામ બાબતો સ્પષ્ટ કરી છે. 

  ઉલ્લેખનીય છે કે 27 જૂનના રોજ ધરપકડ થયા બાદ 20 જુલાઈએ ઝુબૈરને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. યુપી સરકારે તેની તપાસ કરવા માટે એક એસઆઈટી પણ બનાવી હતી, પરંતુ કોર્ટે તેને રદબાતલ કરી નાંખી હતી. ઉપરાંત કોર્ટે તેની સામે થયેલી તમામ એફઆઈઆર દિલ્હી ટ્રાન્સફર કરી દીધી હતી, જેની હાલ દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં