ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક 17 વર્ષીય હિંદુ સગીરા પર નિકાહ માટે દબાણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવા બદલ એક મોહમ્મદ ફૈઝ નામના ઈસમની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, ફૈઝની ધરપકડ કરવા ગયેલી પોલીસ પર તેના પરિજનોએ હુમલો કરી દીધો હતો, જેમાં મહિલાઓ પણ સામેલ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, પીડિતા 2 વર્ષથી સતત બીમાર રહેતી હતી, જેના કારણે કોઈકે તેમને અજમેર શરીફ દરગાહ જવા માટે સલાહ આપી હતી. ત્યારબાદ ઓગસ્ટ 2021માં તેની માતા તેને લઈને અજમેર શરીફ દરગાહ ગઈ હતી. ત્યાં મોહમ્મદ ફૈઝ તેમના સંપર્કમાં આવ્યો હતો અને પછી સોશિયલ મીડિયા પર પણ સંપર્ક કર્યો હતો.
આ મામલાની FIR કૉપી ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જે અનુસાર, પરિવારે ફૈઝ પર તેમની પુત્રીને પ્રતાડિત કરવાનો તેમજ ઇસ્લામ કબૂલવા અને નિકાહ કરવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદ અનુસાર, ફૈઝે નિકાહ ન કરવા પર પીડિતાને ટુકડા-ટુકડા કરવાની ધમકી આપી હતી અને ઘરેથી ઉઠાવી લેવા માટે પણ કહ્યું હતું. એટલું જ નહીં, તેના આખા પરિવારને ગોળી મારવાની પણ ધમકી આપી હતી.
આ ધમકીઓ બાદ ઓક્ટોબર મહિનામાં પીડિત પરિવારે પહેલી વખત ફૈઝ સામે ફરિયાદ કરી હતી. ત્યારબાદ તે ફરાર થઇ ગયો હતો. પરંતુ તેમ છતાં એક દિવસ પીડિતાના ઘરે પહોંચી ગયો હતો. જેનો પીડિતાના ભાઈએ વિરોધ કરતાં તેને માર માર્યો હતો. જેના કારણે આખો પરિવાર ડરી ગયો હતો અને ત્યારબાદ ગત 25 નવેમ્બરના રોજ પરિવારે ફરી ફરિયાદ નોંધાવી હતી.
પરિવારની ફરિયાદ બાદ પોલીસે તેનું લોકેશન શોધીને તેના ઘરની આસપાસ ઘેરાબંદી કરી હતી. જોકે, મોહમ્મદ ફૈઝના પરિવારે તેને બચાવવા માટે પોલીસ સાથ ધમાલ શોધી કાઢી હતી અને પોલીસ સાથે કોઈ મહિલા ન જોતાં આસપાસની મહિલાઓને એકઠી કરી દીધી હતી અને પોલીસ ટીમ પર હુમલો કરી દીધો હતો.
ત્યારબાદ પોલીસે જાણ કરીને વધારાની ફોર્સ મંગાવી લીધી હતી અને લોકોને કાબૂમાં લઇ લીધા હતા. ત્યારબાદ મોહમ્મદ ફૈઝની ધરપકડ કરી લીધી હતી. આ સમગ્ર મામલાનો રિપોર્ટ DGP ઓફિસ મોકલવામાં આવ્યો છે, બીજી તરફ પોલીસ હવે આખા પરિવારનો ગુનાહિત ઇતિહાસ તપાસી રહી છે.