વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકારે તાજેતરમાં જ કેન્દ્રમાં નવ વર્ષ પૂર્ણ કર્યાં. આ નવ વર્ષમાં કુલ 1.25 કરોડ નવા રોજગાર સર્જાયા હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવે ગુરૂવારે (22 જૂન, 2023) આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, મોદી સરકારના આ કાર્યકાળમાં રોજગાર ક્ષેત્રે પણ નોંધપાત્ર કામ થયું છે અને રોજગારીની તકો પણ વધી રહી છે.
કેન્દ્રીય મંત્રી ગુરૂવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, જેમાં તેમણે છેલ્લાં નવ વર્ષમાં શ્રમ અને રોજગાર મંત્રાલયના કામ વિશે જાણકારી આપી હતી. તેમણે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના ડેટાના આધારે આંકડાકીય માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, 1995ની પેન્શન યોજના હેઠળના પેન્શનરોમાં વધારો જોવા મળ્યો છે. 2014-15માં તેમની સંખ્યા 51 લાખ હતી, જે હવે વધીને 72 લાખ થઇ ગઈ છે.
શ્રમ મંત્રીએ કહ્યું કે, 2014-15માં EPFOના રજિસ્ટર્ડ સબસ્ક્રાઇબર્સની સંખ્યા 15.84 કરોડ જેટલી હતી, જે 2021-22માં વધીને 27.73 કરોડ જેટલી થઇ ગઈ છે. તેમણે આ અઠવાડિયામાં જાહેર કરવામાં આવેલા EPFOના નવીનતમ પેરોલ ડેટાનો પણ ઉલ્લેખ કર્યો, જેનાથી જાણવા મળે છે કે આ વર્ષે એપ્રિલમાં 17.29 લાખ નવા સભ્યો જોડાયા છે.
ડેટા અનુસાર 2019-20માં લગભગ 78.58 લાખ અને 2018-19માં 61.12 લાખ સભ્યો જોડાયા હતા. વર્ષ 2022-23માં EPFOમાં નવા જોડાયેલા સભ્યોની સંખ્યા 1.38 કરોડ હતું, જે 2021-22ના આંકડા (1.22) કરોડ કરતાં વધુ હતી. જ્યારે 2020-21માં 78.58 લાખ સભ્યો જોડાયા હતા.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર સેવા, સુશાસન અને કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિકાસકાર્યોમાં લાગી છે. તેમણે ઉમેર્યું કે, જ્યારે અમે સેવા અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની વાત કરીએ ત્યારે તેનો અર્થ એ થાય કે અમે સંગઠિત અને અસંગઠિત બંને પ્રકારના કામદારોનો ખ્યાલ રાખીએ છીએ.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમત સાથે સત્તામાં આવી હતી અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર રચાઈ હતી. 2019માં પાર્ટી ફરીથી બહુમતી સાથે જીતી હતી. તાજેતરમાં જ ભાજપે સત્તામાં 9 વર્ષ પૂરાં કર્યાની ઉજવણી કરી હતી. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાશે.