કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ફરી એક વખત જનતાને રાહત આપવાનું વિચારી રહી છે. અહેવાલો અનુસાર, ફુગાવાને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર ઇંધણ અને મકાઈ જેવી ચીજવસ્તુઓ ઉપરના ટેક્સમાં ઘટાડો કરી શકે છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સના એક રિપોર્ટમાં કેન્દ્ર સરકારના સૂત્રોને ટાંકીને આ બાબત વિશે જાણકારી આપવામાં આવી છે. જે અનુસાર, રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની ભલામણના આધારે સરકાર ઇંધણ અને મકાઈ પરના ટેક્સમાં ઘટાડો કરી શકે છે. જોકે, સરકાર તરફથી હજુ સુધી આ બાબતની પુષ્ટિ થઇ નથી.
રિપોર્ટ જણાવે છે કે, ફેબ્રુઆરીના ઈન્ફ્લેશન ડેટા જાહેર થયા બાદ આ બાબતનો નિર્ણય લેવામાં આવશે. ભારતનો વાર્ષિક ફુગાવાનો દર ડિસેમ્બરમાં 5.72 ટકા જેટલો હતો, જે વધીને જાન્યુઆરીમાં 6.52 ટકા પર પહોંચ્યો છે.
અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું કે, ખોરાક પર ફુગાવો ઊંચો રહેવાની સંભાવના છે અને દૂધ, મકાઈ અને સોયા તેલની કિંમતો નજીકના ભવિષ્યમાં ફુગાવો વધવા તરફ ઈશારો કરી રહી છે. જેથી સરકાર મકાઈ જેવાં ઉત્પાદનો ઉપરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાનું વિચારી રહી છે જ્યારે ઇંધણ પરનો ટેક્સ પણ ઘટી શકે છે.
છેલ્લા થોડા સમયથી ગ્લોબલ ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતા આવી છે પરંતુ ભૂતકાળમાં થયેલી ખોટની ભરપાઈ કરવા માટે ઇંધણ કંપનીઓએ ઓછા આયાત ખર્ચનો ભાર ગ્રાહકો કે કંપનીઓ ઉપર નાંખ્યો નથી. ભારત પોતાની તેલની જરૂરિયાતનો ⅔ હિસ્સો આયાત કરે છે. આ સંજોગોમાં સરકાર ટેક્સ પર ઘટાડો કરે તો પમ્પ સંચાલકો છૂટક ગ્રાહકોને લાભ આપી શકશે અને ફુગાવો પણ ઘટશે.
રિપોર્ટમાં સૂત્રોના હવાલે એમ પણ જણાવવામાં આવ્યું કે સેન્ટ્રલ બેન્ક તરફથી ભલામણો આવવી એ સામાન્ય પ્રક્રિયા છે. એક સ્થિર અને વ્યાપક આર્થિક વાતાવરણ જાળવી રાખવા માટે સરકાર અને બેન્કની કામ કરવાની આ એક રીત છે. પરંતુ આ અંગે નિર્ણય લેવા પહેલાં વધુ એક પ્રિન્ટની રાહ જોવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે ઇંધણ પરના ભાવો વધતાં નરેન્દ્ર મોદી સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ધરખમ ઘટાડો કરીને જનતાને રાહત આપી હતી. આ ઉપરાંત, સરકારે સ્ટીલ અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીના કાચા માલ પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો હતો.
કેન્દ્ર સરકારે ઇંધણ પરના કરમાં ઘટાડો કર્યો બાદ રાજ્યોએ પણ પોતાની રીતે VAT ઘટાડ્યો હતો, જેના કારણે ઇંધણના ભાવો વધુ ઘટ્યા હતા. જોકે, અમુક વિપક્ષી સરકારોએ ઇંધણ પરના VATમાં ઘટાડો ન કરતાં પ્રશ્નો સર્જાયા હતા.