વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીઓ વિશે સવાલ ઉઠાવતાં ગુજરાત યુનિવર્સીટી પર કરેલી ટિપ્પણીઓ મામલેના માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેક સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, પરંતુ અહીંથી પણ તેમને નિરાશા સાંપડી છે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ પર રોક લગાવવાની ના પાડી દીધી છે અને નિર્ણય હાઇકોર્ટ પર છોડી દીધો છે.
અરવિંદ કેજરીવાલની અરજી પર શુક્રવારે (25 ઓગસ્ટ, 2023) સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે નોંધ્યું કે, ટ્રાયલ પર રોક લગાવવા માટે કેજરીવાલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરી છે અને જેની ઉપર આગામી 29 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. બેન્ચે કહ્યું, “અમે સ્પેશિયલ લિવ લીટીશ્યન મામલે કોઈ નોટિસ ઇસ્યુ નહીં કરીએ કારણ કે મામલો હાઇકોર્ટમાં છે. અમને વિશ્વાસ છે કે હાઇકોર્ટ જે-તે દિવસે અરજી પર નિર્ણય કરશે.”
આ પહેલાં કેજરીવાલે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરીને મામલામાં વચગાળાની રાહત આપવા માંગ કરી હતી, પરંતુ હાઇકોર્ટે અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી. સુપ્રીમ કોર્ટમાં તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરતાં કહ્યું કે, “આ કેસમાં સમન્સ ઓર્ડર ખોટી રીતે ઇસ્યુ કરવામાં આવ્યો હતો, જેની સામે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટે નોટિસ તો પાઠવી હતી પરંતુ ટ્રાયલ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી, પરંતુ કોર્ટે 29 ઓગસ્ટ સુધી સુનાવણી ટાળીને વચગાળાની રાહત આપવાની ના પાડી દીધી હતી.”
આ મામલે યુનિવર્સીટી તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે, કેજરીવાલે પરોક્ષ રીતે અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી અને કેસનાં તથ્યો દબાવવામાં આવ્યાં હતાં. આગળ કહ્યું કે, ટ્રાયલ કોર્ટે તેમને વ્યક્તિગત રીતે હાજરી આપવામાંથી મુક્તિ આપી દીધી છે પરંતુ આ બાબત તેમણે હાઇકોર્ટ સમક્ષ અરજી કરતી વખતે જણાવી ન હતી. તેમણે કોર્ટને વિનંતી કરી કે આ બાબત હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવવી જોઈએ. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે મામલો હાઇકોર્ટને મોકલી આપવા માટે કહ્યું હતું અને કેજરીવાલને કોઈ રાહત આપવાની ના પાડી દીધી હતી.
શું છે કેસ?
આ મામલો વડાપ્રધાન મોદીની ડિગ્રીઓ માંગવાથી શરૂ થયો હતો. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન સમક્ષ અરજી કરીને પીએમ મોદીની ડિગ્રી અંગે વિગતો માંગી હતી. ત્યારબાદ કમિશને મોદીએ જ્યાં અભ્યાસ કર્યો હતો એ ગુજરાત યુનિવર્સીટી અને દિલ્હી યુનિવર્સીટી તેમજ PMOને આ વિગતો આપવા જણાવ્યું હતું. આ આદેશને ગુજરાત યુનિવર્સીટીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ગત 31 માર્ચ, 2023ના રોજ ગુજરાત હાઇકોર્ટે ઇન્ફોર્મેશન કમિશનના આદેશને રદ કરીને કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
હાઇકોર્ટના ચુકાદા બાદ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંઘે નિવેદનો આપતાં ગુજરાત યુનિવર્સીટી પર પીએમ મોદીની ડિગ્રી છુપાવવાના આરોપો લગાવ્યા હતા. જેને લઈને યુનિવર્સીટીએ અમદાવાદ મેટ્રો કોર્ટમાં બંને નેતાઓ સામે માનહાનિ થયાનો દાવો માંડ્યો હતો. જે હવે છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.