છેલ્લા ત્રણ દિવસથી જમ્મુ કાશ્મીરના અનંતનાગ સેક્ટરમાં ભારતીય સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પહેલાં આ ઓપરેશનમાં સેનાની 19 રાષ્ટ્રીય રાઈફલના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, કંપની કમાન્ડર આશિષ ધૌંચક અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ બલિદાન થયા હતા. આ દરમિયાન સેનાના એક જવાન ઘાયલ અવસ્થામાં ગાયબ થઇ ગયા હતા. શુક્રવારે (15 સપ્ટેમ્બર, 2023) તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, જમ્મુ કાશ્મીરમાં ગત બુધવારથી આતંકવાદીઓ અને ભારતીય સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટર દરમિયાન વીરગત જવાન ઘાયલ થઇ ગયા હતા. ઘાયલ થયા બાદ સેનાને જવાનની કોઈ ભાળ નહોતી મળી, તેવામાં સેના દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલી અથડામણ દરમિયાન એક સર્ચ ઓપરેશન ચલાવવાની ફરજ પડી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન સેનાને ગાયબ થયેલા ઘાયલ જવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
J&K | One more soldier has lost his life in the Anantnag operations. He had been reported missing since yesterday. During joint security operations against terrorists in Anantnag area, forces dropped grenades on suspected terrorist hideout locations using drones. Grenade…
— ANI (@ANI) September 15, 2023
અન્ય કેટલાક મીડિયા અહેવાલો અનુસાર સેનાના અધિકારીઓએ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ઓપરેશન દરમિયાન ગાયબ જવાન વીરગતિ પામ્યા હોવાની હોવાની પુષ્ટિ કરી છે. આ ઓપરેશનમાં ભારતીય સુરક્ષા દળો તેમજ જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઓપરેશનમાં સેના દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને સંદિગ્ધ આતંકવાદીઓના ઠેકાણા પર ગ્રેનેડ પણ ચલાવવામાં આવ્યા છે. સુરક્ષા દળો દ્વારા ગ્રેનેડ લોન્ચર ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ જંગલ અને ખીણ વાળા વિસ્તારમાં સંતાયેલા આતંકવાદીઓ દ્વારા પણ સેના પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ આતંકવાદીઓ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
બુધવારથી ચાલી રહ્યું છે ઓપરેશન
નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરના અનંતનાગ સેક્ટરમાં ગત બુધવાર (13 સપ્ટેમ્બર 2023)થી જ ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર દરમિયાન રાષ્ટ્રીય રાયફલ્સ યુનિટને કમાન્ડ કરતા કર્નલ, મેજર અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપીને ગોળી વાગી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ વીરગતિ પામ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કર્નલ મનપ્રીતસિંઘ તેમની ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા અને સર્ચ ઓપરેશન દરમિયાન સૌથી આગળ હતા. દરમ્યાન, તેમની હાજરી જોઈને આતંકવાદીઓએ ગોળીબાર કરી દીધો હતો, જેમાં તેમને ગોળી વાગી ગઈ. ત્યારબાદ મેજર રેન્કના અધિકારી આશિષ ધૌનક અને ડીએસપી ભટને પણ ગોળી વાગી ગઈ હતી. તેવામાં જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ઓપરેશન દરમિયાન ગાયબ જવાન વીરગતિ પામતા બલિદાનીઓની સંખ્યા 4એ પહોંચી છે.