Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુરાદાબાદ: હિંદુ યુવક સાથે જતી મુસ્લિમ યુવતીને હેરાન કરાઈ, પીછો કરીને વિડીયો...

    મુરાદાબાદ: હિંદુ યુવક સાથે જતી મુસ્લિમ યુવતીને હેરાન કરાઈ, પીછો કરીને વિડીયો બનાવ્યો; ફરિયાદ દાખલ

    યુવતીએ પોતાના અબ્બા સાથે વાત કરાવવાનું કહેવા છતાં કટ્ટરપંથી યુવકોએ યુવતી અને તેના હિંદુ મિત્ર સાથે અભદ્ર વ્યવહાર ચાલુ રાખ્યો હતો.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી દેશના ઘણાં શહેરોમાંથી હિંદુ યુવક સાથે હોવા બદલ મુસ્લિમ યુવતીઓ કટ્ટરપંથીઓનો ભોગ બની રહી હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. યુવતીઓને જાહેરમાં રોકી તેમની સાથે દુર્વ્યવહાર કરવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે તો કેટલાક કિસ્સાઓમાં વાત મારપીટ સુધી પહોંચી ગઈ હતી. તેવામાં હવે યુપીના મુરાદાબાદમાં હિંદુ યુવક સાથે જઈ રહેલી મુસ્લિમ યુવતી સાથે એક શમશેર અલી નામના ઈસમે ગેરવર્તન કર્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલે યુવતીએ ફરિયાદ પણ નોંધાવી છે.

    મળતી માહિતી અનુસાર મુરાદાબાદમાં હિંદુ મિત્ર સાથે બાઈક પર બેસીને જઈ રહેલી મુસ્લિમ યુવતીનો પીછો કરીને એક મુસ્લિમ યુવકે આંતરી હતી. જે બાદ જાહેરમાં યુવતી સાથે અપમાનિત ભાષામાં વાત કરીને અભદ્ર વર્તન કર્યું હતું, યુવતીએ પોતાના અબ્બા સાથે વાત કરાવવાનું કહેવા છતાં યુવકે યુવતી અને તેના હિંદુ મિત્ર સાથે અભદ્ર વ્યવહાર ચાલુ રાખ્યો હતો. આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

    વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે શહેરના ડબલ ફાટક તરફથી એક મુસ્લિમ યુવતી બુરખો પહેરીને તેના હિંદુ મિત્ર સાથે બાઈક પર જઈ રહી હતી. તે સમયે જ શમશેર અલી તેમનો પીછો કરીને વિડીયો બનાવવા લાગ્યો હતો. દરમ્યાન યુવતીએ તેમનો વિરોધ પણ કર્યો. આ દરમિયાન એક ચોક પાસે શમશેર અને તેની સાથેના વ્યક્તિએ યુવતી અને તેના મિત્રને આંતરીને ઉભા રાખ્યા. તેમના ઉભા રહેતાંની સાથે જ અન્ય કેટલાક યુવકો પણ તેમને ઘેરી વળ્યા.

    - Advertisement -

    ત્યારબાદ જોવા મળે છે કે આ યુવકો હિંદુ યુવક સાથે પણ અભદ્ર વર્તન કરે છે. આ ઘટના બાદ યુવતીએ કટ્ટરપંથી યુવકો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, “હું મુરાદાબાદની રહેવાસી છું અને હું મારા એક મિત્ર સાથે બાઈક પર બેસીને ઓફિસથી ઘર તરફ જઈ રહી હતી. તેવામાં એસ કુમાર ચોક પાસે આરોપી શમશેર અલી બાઈક પર અમારો વિડીયો બનાવી રહ્યો હતો અને આગળ આવીને અમને આંતર્યા હતા.” પીડિતાએ આગળ જણાવ્યું કે, શમશેરે વિડીયો બનાવતા તેને પૂછ્યું કે આ છોકરો કોણ છે, જેના પર તેણે જવાબ આપ્યો કે યુવક તેનો મિત્ર છે. જેના પર શમશેરે પીડિતાને કહ્યું કે, “આ હિંદુ છે, અને તને આજકાલ શું ચાલી રહ્યું છે તે ખબર નથી?”

    પીડિતાએ પોતાના ફોન પર શમશેરને પિતા સાથે વાત પણ કરાવી અને પીડિતાના પિતા સાથે વાત કર્યા બાદ પણ શમશેરે તેને જાહેરમાં અપમાનિત કરવાનું ચાલુ રાખ્યું. યુવતી શમશેરને વારંવાર ‘ભાઈ’ કહીને સંબોધી રહી હતી જેના પર શમશેરે તેને અપમાનિત કરતા હિંદુ યુવક તરફ ઈશારો કરતાં કહ્યું કે, “અમને ભૈયા અને આને સૈયા?” જે બાદ શમશેર દ્વારા પીડીતાનો આ વિડીયો વાયરલ કરી દેવામાં આવ્યો.

    પીડિતાના જણાવ્યા અનુસાર આ ઘટનાથી તે ખૂબ વ્યથિત થઈ ગઈ છે અને સમાજમાં તેની છબી ખરડાઈ ચૂકી છે. જેના કારણે તેણે ફરિયાદ દાખલ કરાવીને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 354 ઘ, 354, અને IT એક્ટ 66 ઈ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે આ પહેલાં પણ આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં