લઘુમતી વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેને લઈને કેન્દ્રીય મંત્રાલયે આ મામલાની તપાસ CBIને સોંપી છે. આ કૌભાંડમાં સરકાર પાસેથી નકલી સંસ્થાઓના નામે કરોડો રૂપિયા લેવામાં આવ્યાનું સામે આવ્યું છે. તેમજ જાણવા મળ્યું કે સરકાર પાસેથી શિષ્યવૃતિ મેળવતી લઘુમતી સંસ્થાઓમાંથી લગભગ 53% એટલે કે અડધાથી વધુ સંસ્થાઓ નકલી છે.
લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા કરવામાં આવેલી આંતરિક તપાસ અનુસાર 830 જેટલી સંસ્થાઓનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે. આ નકલી સંસ્થાઓ દ્વારા છેલ્લા 5 વર્ષમાં ₹144.83 કરોડનો ગોટાળો સામે આવ્યો છે. સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આગળની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(CBI)ને સોંપી છે.
લઘુમતી બાબતોના મંત્રાલયે 10 જુલાઈ, 2023ના રોજ આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન 34 રાજ્યોના 100 જિલ્લાઓમાં પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં 1572 સંસ્થાઓમાંથી 830 જેટલી સંસ્થાઓએ છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જે 34માંથી 21 રાજ્યોની સંસ્થાઓની તપાસ દ્વારા પ્રકાશમાં આવ્યું હતું, જ્યારે બાકીનાં રાજ્યોની સંસ્થાઓ હજુ તપાસ હેઠળ છે.
હાલમાં અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચારમાં સંકળાયેલી 830 જેટલી સંસ્થાઓના બેંક ખાતાને બ્લોક કરી દેવાયાં છે. મંત્રાલયનું કહેવું છે કે, આ કૌભાંડ વર્ષ 2007-08થી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કૌભાંડના લગભગ ₹22,000 કરોડ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 4 વર્ષથી વાર્ષિક ₹2,239 કરોડની શિષ્યવૃતિ આપવામાં આવી છે.
CBI આ બોગસ સંસ્થાઓના જિલ્લા નોડલ અધિકારીઓની પણ તપાસ કરશે, જેમણે આ બોગસ સંસ્થાઓની ચકાસણી કરીને તેમને મંજૂરી આપી હતી. ઇન્ડિયા ટુડે તેનાં સૂત્રોને આધારે અહેવાલમાં જણાવે છે કે, મંત્રાલયે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે બેંકોએ નકલી આધારકાર્ડ અને KYC દસ્તાવેજો સાથે લાભાર્થીઓ માટે નકલી ખાતા ખોલાવવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી હતી.
એટલું જ નહીં, જે સંસ્થાઓનું અસ્તિત્વ ન હતું અથવા કાર્યરત ન હતી. તેવી બોગસ સંસ્થાઓની ચકાસણી બાદ નેશનલ સ્કોલરશીપ પોર્ટલ અને યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (UDISE) આ બંને પર નોંધણી કરાવવામાં પણ સફળ રહી હતી. આ બાબતે સંકળાયેલા જવાબદાર અધિકારીઓની પણ તપાસ હાથ ધરવામાં આવશે.
રાજ્ય પ્રમાણેની વિગતો
આ તપાસમાં અલગ-અલગ રાજ્યોમાંથી બોગસ સંસ્થાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં છત્તીસગઢ રાજ્યમાંથી તમામ 62 જેટલી સંસ્થાઓ સંપૂર્ણપણે નકલી અથવા કાર્યરત ન હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનમાં કરવામાં આવેલી તપાસ અનુસાર 128 સંસ્થાઓમાંથી 99 સંસ્થાઓ બોગસ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે 77% સંસ્થાઓ નકલી છે. આસામમાંથી 68% સંસ્થાઓ નકલી મળી આવી છે. કર્ણાટકની 64% સંસ્થાઓ નકલી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જયારે ઉત્તરપ્રદેશની 44% અને પશ્ચિમ બંગાળની 39% સંસ્થાઓ નકલી હોવાનું જાણવા મળ્યું છે.
તપાસ દરમિયાન અનેક ખામીઓ જોવા મળી
કેરળના મલપ્પુરમમાં એક બેંક શાખાએ નોંધાયેલ શિષ્યવૃત્તિથી વધારે એટલે કે 66,000 શિષ્યવૃતિઓનું વિતરણ કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના અનંતનામાં 5,000 વિદ્યાર્થીઓ નોંધાયેલી એક કૉલેજમાં 7,000 શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. એક વાલીનો મોબાઈલ નંબર 22 વિદ્યાર્થીઓ સાથે લિંક કરાયેલો હતો. આ તમામ વિદ્યાર્થીઓ નવમા ધોરણમાં ભણતા હતા. અન્ય એક સંસ્થા પાસે હોસ્ટેલની સુવિધા ન હતી. પરંતુ ત્યાંના દરેક વિદ્યાર્થીઓએ હોસ્ટેલની શિષ્યવૃતિ મેળવી હતી. પંજાબના લઘુમતી વિદ્યાર્થીઓ શાળામાં દાખલ ન હતાં તેમ છતાં તેઓએ શિષ્યવૃતિ મેળવી હતી. આસામની એક બેંક શાખામાં 66,000 લાભાર્થીઓની યાદી હોવાનું ધ્યાને આવ્યું છે. પરંતુ જ્યારે તેઓ આ લાભાર્થીઓની ચકાસણી માટે મદરેસા પહોંચ્યા ત્યારે તેમને ધમકી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મંત્રાલયના શિષ્યવૃતિ કાર્યક્રમ સાથે લગભગ 1,80,000 સંસ્થાઓ સંકળાયેલી છે. તેમાંથી 1.75 લાખ મદરેસાઓ છે, જેમાંથી માત્ર 27,000 મદરેસાઓ કાયદાકીય રીતે નોંધાયેલી છે અને શિષ્યવૃતિ મળવાપાત્ર છે. જેમાં ધોરણ 1થી ઉચ્ચ શિક્ષણ સુધીના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેની શરૂઆત શૈક્ષણિક વર્ષ 2007-2008માં કરવામાં આવી હતી.
લઘુમતી શિષ્યવૃત્તિની ફાળવણી ભલે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી હોય પરંતુ આ અંગેની સંપૂર્ણ ચકાસણી અને અન્ય પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. જ્યારે સંસ્થાઓની નોંધણી જિલ્લા સ્તરે લઘુમતી વિભાગ અંતર્ગત થતી હોય છે. શિષ્યવૃત્તિ ખાતાઓ સ્થાનિક બેંકોમાં ખોલવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી અને સંસ્થા અંગેની ચકાસણી પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે.