રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી જ રહ્યું છે ત્યાં ચીન અને તાઇવાન વચ્ચે પણ તાજેતરમાં તણાવ વધી ગયો હતો. જેના કારણે વિશ્વના અન્ય દેશોને પણ વધતા-ઓછા પ્રમાણમાં અસર પહોંચી છે. દરમ્યાન, મેક્સિકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ કોપિઝ ઔબ્રેડોરે યુએન સમક્ષ વિશ્વ શાંતિ માટે એક સમિતિ બનાવવા કહ્યું છે, જેમાં તેમણે પીએમ નરેન્દ્ર મોદી, પૉપ ફ્રાન્સિસ અને યુએનના મહાસચિવને સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
મેક્સિકન રાષ્ટ્રપતિ એબ્રેડોરે અપીલ કરતાં આંતરરાષ્ટ્રીય સમુદાયને એક મંચ પર આવીને પાંચ વર્ષ માટે યુદ્ધવિરામ કરવા માટે કહ્યું છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી એક ત્રણ સભ્યોની સમિતિ બનાવવા સૂચન કર્યું છે. જેમાં અને ભારતના પીએમ નરેન્દ્ર મોદી, પૉપ ફ્રાન્સિસ અને યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સામેલ કરવામાં આવે.
તેમણે આ પાછળનું કારણ જણાવતાં કહ્યું છે કે, આ ત્રણેય વિશ્વ સ્તરે સૌથી વધુ સન્માન પામેલાં વ્યક્તિત્વો છે અને તેઓ જ યુદ્ધને રોકવા માટે વિવિધ રાષ્ટ્રોના વડા સાથે વાટાઘાટો કરી શકે તેમ છે. પીએમ મોદીને લઈને તેમણે કહ્યું કે, તેમના રશિયા, ચીન અને અમેરિકા, ત્રણેય દેશો સાથે સારા સબંધો છે. જેના કારણે તેઓ આ યુદ્ધ સમાપ્ત કરવા માટે મોટો ભાગ ભજવી શકે છે.
મેક્સિકન રાષ્ટ્રપતિ લોપેઝ ઔબ્રેડોરે જણાવ્યું કે, તેઓ આ મામલે સંયુક્ત રાષ્ટ્રને લેખિત પ્રસ્તાવ મોકલશે. આ સાથે તેમણે અન્ય રાષ્ટ્રોને પણ તેમના પ્રસ્તાવનું સમર્થન કરવાની અપીલ કરી હતી. સાથે મીડિયાને પણ અપીલ કરતાં કહ્યું કે, તેઓ પણ આ સંદેશ ફેલાવવામાં મદદરૂપ થાય તેવી તેમને આશા છે.
સમિતિનો પ્રસ્તાવ મૂકતાં તેમણે કહ્યું કે, આ ત્રણેય નેતાઓ મળીને યુદ્ધ સમાપ્ત કરવા માટેનો પ્રસ્તાવ મૂકવાની રણનીતિ ઘડશે અને પાંચ વર્ષ યુદ્ધવિરામ માટે વાતચીત કરશે. તેમણે કહ્યું કે, વિવિધ દેશો વચ્ચેના તણાવના કારણે આખા વિશ્વને નુકસાન થઇ રહ્યું છે અને આ દેશોએ યુદ્ધવિરામ કરવાની જરૂર છે. તેમણે સૂચન કરતાં કહ્યું કે, આ દેશો પાંચ વર્ષ માટે યુદ્ધવિરામ જાહેર કરી શકે, જેથી દેશો લોકોને લગતી સમસ્યાઓ પર ધ્યાન આપી તેનો ઉપાય શોધી શકે.
મેક્સિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશો વચ્ચે સંઘર્ષનો કોઈ ફાયદો નથી અને જેનાથી દુનિયાએ આર્થક સંકટનો સામનો કરવો પડશે. જેનાથી ભોજનની અછત, ગરીબી અને અન્ય આર્થિક સમસ્યાઓ વધુ સર્જાશે. તેમણે દુનિયાના બાકીના દેશોને પણ તેમના પ્રસ્તાવનું સમર્થન કરવાનો આગ્રહ કર્યો હતો.
તેમણે કહ્યું કે, રશિયા, ચીન અને અમેરિકાએ પાછલા એક વર્ષમાં વિનાશ વેર્યો છે અને હવે તેની ઉપર લગામ લગાવવાની જરૂર છે. તેમણે આશા વ્યક્ત કરતાં કહ્યું કે, આ ત્રણેય દેશો પણ તેમના પ્રસ્તાવને સમર્થન કરશે અને રાષ્ટ્રાધ્યક્ષો વિશ્વશાંતિ માટે આગળ આવશે.