યુદ્ધગ્રસ્ત સુડાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા માટે કેન્દ્ર સરકારે ‘ઑપરેશન કાવેરી’ શરૂ કર્યું છે અને વાયુસેનાનાં વિમાન અને જહાજો મારફતે તેમને ભારત લાવવામાં આવી રહ્યા છે. આવી જ એક ફ્લાઇટમાં સુડાનથી ભારત પરત આવેલા મુસાફરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારનો આભાર માન્યો હતો. જેમાંથી એક વૃદ્ધ મહિલાએ પીએમને આશીર્વાદ આપતાં કહ્યું કે, તેઓ હજારો વર્ષ જીવે.
સુડાનથી પરત આવેલ એક વૃદ્ધ મહિલાએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરી હતી. તેમને અનુભવ પૂછવામાં આવતાં ભાવુક થઇ ગયાં હતાં અને યુદ્ધ વચ્ચેથી પણ સુરક્ષિત પરત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનીને તેમને આશીર્વાદ આપ્યા હતા.
#WATCH | #Mumbai: "Our country is great. May #PMModi live for 1,000 years," says an elderly woman who has returned from #Sudan pic.twitter.com/AKnXWpXZQL
— The Times Of India (@timesofindia) April 27, 2023
વૃદ્ધ મહિલાએ કહ્યું કે, “આપણો ભારત દેશ મહાન છે….આપણા નરેન્દ્ર મોદી સો વર્ષ જીવે, તેઓ હજારો વર્ષ જીવે.” તેમને પૂછવામાં આવ્યું કે સુડાનથી અહીં પરત ફરીને તેમને કેવું લાગી રહ્યું છે ત્યારે કહ્યું કે, હવે મને ખૂબ રાહત થઇ છે.
એક વ્યક્તિએ કહ્યું કે, “અમે સરકારનો આભાર માનીએ છીએ. અમને બધાને આરામથી લઇ આવ્યા. ખાવાપીવાથી માંડીને તમામ સગવડોની વ્યવસ્થા કરવામાં આવી હતી. હું સૌનો આભાર વ્યક્ત કરું છું. બધી જ વ્યવસ્થા શ્રેષ્ઠ હતી… જવાનો પણ બહુ સારી વર્તણૂંક કરી રહ્યા હતા. અમે બહુ ખુશ છીએ.”
‘નજીકમાં જ બ્લાસ્ટ થઇ રહ્યા હતા પણ અમને બચાવી લેવાયા, સરકારનો આભાર’
સુડાનથી પરત ફરેલા અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, “અમારી એકદમ નજીક જ બ્લાસ્ટ થતા હતા. દૂતાવાસે બહુ મુશ્કેલીથી અમને બહાર કાઢ્યા છે….હવે ઘરે આવીને બહુ સારું લાગે છે.” તેમણે જણાવ્યું કે, અન્ય દેશોના પણ ઘણા નાગરિકો સુડાનમાં ફસાયેલા છે અને કેટલાક ભારતીયો પણ છે પરંતુ તેમને ઝડપથી રેસ્ક્યુ કરીને પરત લાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, રેસ્ક્યુ બહુ ઝડપથી થઇ રહ્યું છે અને સરકારની કામગીરીથી અમે બહુ સંતુષ્ટ છીએ.
#WATCH | Mumbai: "We are feeling happy as we've returned to our home. The rescue operation is going on at a fast pace. We are satisfied (with the govt)" says Avatar Singh, an Indian national who returned from Sudan pic.twitter.com/ACZzUpBlqH
— ANI (@ANI) April 27, 2023
ઉલ્લેખનીય છે કે સુડાન પર હાલ ગૃહયુદ્ધનું સંકટ તોળાઈ રહ્યું છે. જેની વચ્ચે ભારતે પોતાના નાગરિકોને પરત લાવવા માટે ઑપરેશન કાવેરી શરૂ કર્યું છે. આ ઑપરેશન હેઠળ આજે ભારતીય નાગરિકોને લઈને બીજી ફ્લાઇટ આવી પહોંચી હતી. જેમાં કુલ 246 લોકો પરત ફર્યા છે. હજુ અન્ય લોકોને લાવવા માટેની કામગીરી ચાલી રહી છે.
ભારતીય દૂતાવાસની વેબસાઈટ અનુસાર, સુડાનમાં કુલ 2,800 ભારતીય નાગરિકો વસવાટ કરે છે. જેમાંથી 1200 લોકોનો એક સમુદાય ત્યાં કાયમી વસવાટ કરે છે અને જેમના પરિવારો સુડાનમાં છેલ્લાં 150 વર્ષથી વસવાટ કરી રહ્યા છે. જોકે, અમુક રિપોર્ટ્સમાં સુડાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સંખ્યા 4 હજાર સુધીની પણ જણાવવામાં આવી છે.