દિલ્હીના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી નેતા મનિષ સિસોદિયા હાલ ભ્રષ્ટાચારના આરોપસર જેલમાં બંધ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિસોદિયાએ કબૂલાત કરી છે કે ગૃહ મંત્રાલયે CBIને દિલ્હી એક્સાઇઝ કૌભાંડમાં તપાસના આદેશ આપ્યા ત્યારબાદ તેમણે 2 મોબાઈલ ફોન તોડી નાંખ્યા હતા.
22 જુલાઈ, 2022ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CBIને આ કેસમાં તપાસના આદેશ આપ્યા હતા. રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને જણાવાવમાં આવ્યું છે કે, ત્યારબાદ મનિષ સિસોદિયાએ નવા મોબાઈલ ફોન વાપરવાના શરૂ કરી દીધા હતા. તપાસ કરતાં CBIને જાણવા મળ્યું હતું કે, 1 જાન્યુઆરી 2020થી 19 ઓગસ્ટ 2022 સુધી AAP નેતાએ ત્રણ જુદા-જુદા મોબાઈલ ફોન વાપર્યા હતા. ઉલ્લેખનીય છે કે, 19 ઓગસ્ટ, 2022ના રોજ એજન્સીએ સર્ચ ઓપરેશન હાથ ધરીને એક મોબાઈલ કબજે કરી લીધો હતો.
સૂત્રોને ટાંકીને રિપોર્ટ આગળ જણાવે છે કે, મનિષ સિસોદિયા પાસેથી કબ્જે કરવામાં આવેલો આ ફોન 22 જુલાઈ, 2022 બાદ ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. આ એ જ તારીખ હતી, જે દિવસે ગૃહ મંત્રાલય તરફથી તપાસના આદેશ છૂટ્યા હતા.
રિપોર્ટમાં સિસોદિયાને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, તેમણે બે મોબાઈલ ફોન નષ્ટ કર્યા હોવાની કબૂલાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તે પહેલાં તેઓ બે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા, જે તેમણે નષ્ટ કરી દીધા હતા. 2 મોબાઈલ ફોનને લઈને CrPCની કલમ 91 હેઠળ મનિષ સિસોદિયાને નોટિસ પણ પાઠવવામાં આવી હતી, જેમાં પણ તેમણે આ જ બાબત જણાવી હતી.
ઉલ્લેખનીય છે કે મનિષ સિસોદિયા હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. તેમની ઉપર દિલ્હીની નવી એક્સાઇઝ પોલિસીમાં ગોટાળો કરવાનો આરોપ છે. તેમની પાસે એક્સાઇઝ વિભાગ પણ હતો અને તેમના નેતૃત્વ હેઠળ જ આ સમગ્ર પોલિસી બનાવવામાં આવી હતી. મામલાની તપાસ CBI કરી રહી છે. જુલાઈમાં એજન્સીએ તપાસ હાથ પર લીધા બાદ ઓગસ્ટમાં સિસોદિયાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ ગત ફેબ્રુઆરીમાં તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા.
27 ફેબ્રુઆરીના રોજ તેઓ CBI સમક્ષ હાજર થયા બાદ આઠેક કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારથી તેઓ હિરાસતમાં છે. તેમણે કોર્ટમાં જામીન અરજી પણ કરી હતી, પરંતુ કેસમાં તેમની સંડોવણીને જોતાં હજુ સુધી કોઈ રાહત મળી નથી.