મહારાષ્ટ્રના પાલઘરમાં એક યુવકની તેની લિવ-ઈન પાર્ટનરની હત્યા બદલ ધરપકડ કરવામાં આવી છે. તે યુવતીને મારી નાંખીને લાશ બેડમાં છુપાવીને ભાગવા જતો હતો પરંતુ રેલવે સ્ટેશન પરથી પકડાઈ ગયો હતો. બંને એક ભાડાના ફ્લેટમાં રહેતાં હતાં અને એકબીજાને પતિ-પત્ની ગણાવતાં હતાં.
ઘટના પાલઘરમાં આવેલ નાલાસોપારાની છે. અહીં હાર્દિક શાહ (30) નામનો યુવાન અને મેઘા તોરવી નામની યુવતી (40) છેલ્લા 20 દિવસથી એક ભાડાના મકાનમાં રહેતાં હતાં. બંને લિવ-ઈનમાં રહેતાં હતાં પરંતુ ફ્લેટ પતિ-પત્ની હોવાનું કહીને ભાડે લીધો હતો. આ જ ફ્લેટમાં યુવકે તેની લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી નાંખી હતી.
વધુ વિગતો એવી છે કે, કર્ણાટકમાં રહેતી મેઘાની એક સબંધી મહિલાએ મુંબઈના રિયલ એસ્ટેટ એજન્ટને ફોન કરીને જણાવ્યું હતું કે હાર્દિકે તેમને ફોન કરીને પોતે મેઘાની હત્યા કરી નાંખી હોવાનું કહીને તે પણ આપઘાત કરવા જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ એજન્ટ ફ્લેટ પર પહોંચ્યા તો ત્યાં તાળું જોવા મળ્યું હતું. બીજી તરફ, હાર્દિકનો ફોન બંધ આવતો હતો.
તેમણે પોલીસને જાણ કરતાં પોલીસે આવીને લોક ખોલ્યું હતું. ફ્લેટમાં જઈને જોતાં ફર્નિચર ગાયબ જોવા મળ્યું હતું અને બેડરૂમમાંથી વાસ આવી રહી હતી. બેડરૂમમાં જઈને બેડ ખોલીને જોતાં અંદરથી યુવતીની લાશ મળી આવી હતી. તેના ગળાના ભાગે નિશાન જોવા મળ્યાં હતાં.
ત્યારબાદ પોલીસે હાર્દિકને ટ્રેસ કરતાં તે પશ્ચિમ એક્સપ્રેસમાં ભાગી રહ્યો હોવાની જાણકારી મળી હતી. પછીથી રેલવે વિભાગને જાણ કરીને તેને રેલવે સ્ટેશન પરથી જ હિરાસતમાં લઇ લેવામાં આવ્યો હતો.
હત્યા કરવા પાછળનું કારણ બંને વચ્ચે નાણાકીય બાબતોને લઈને થતા ઝઘડા હોવાનું જણાવવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, બંને વચ્ચે 6 મહિનાથી પ્રેમ સબંધ હતા. જાણવા મળ્યું છે કે હાર્દિકે છેલ્લા 3 મહિનામાં મેઘા પાછળ 40 લાખ રૂપિયા ખર્ચી નાંખ્યા હતા. જે બાબતની જાણ પિતાને થતાં તેમણે તેને કાઢી મૂક્યો હતો. ત્યારબાદ તે બંને એક ફ્લેટમાં રહેતાં હતાં.
જ્યાંના પાડોશીઓએ પણ પોલીસને જણાવ્યું હતું કે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. હત્યા પહેલાં પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો જે આખરે હત્યામાં પરિણમ્યો.
ધરપકડ બાદ પોલીસની પૂછપરછમાં હાર્દિકે ખુલાસો કર્યો હતો કે મેઘાની હત્યા કરી નાંખ્યા બાદ તે જાતે જ પોલીસ મથકે પણ આવ્યો હતો અને આત્મસમર્પણ કરવા માંગતો હતો. આ માટે તે લગભગ બે કલાક સુધી પોલીસ સ્ટેશનની આસપાસ ભટકતો રહ્યો હતો પરંતુ તેની હિંમત ચાલી ન હતી. ત્યારબાદ તે ભાગી છૂટ્યો હતો.
પોલીસે ધપરકડ બાદ તેને વસઈની સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી 21 ફેબ્રુઆરી સુધી તેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.