કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના સમર્થકોએ એક વ્યક્તિને માર મારીને સીએમના પોસ્ટર પાસે માફી મંગાવી હોવાનો વિડીયો વાયરલ થયો છે. તેની ઉપર સીએમને ગાળો દેવાનો અને ‘સિદ્ધારમુલ્લા ખાન’ કહેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. વિડીયોમાં કેટલાક ઈસમો તેને માર મારીને સીએમના પોસ્ટર પાસે માફી મંગાવતા જોવા મળે છે.
વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પોસ્ટરની સામે ઘૂંટણિયે બેઠેલો જોવા મળે છે. જ્યારે તેની આસપાસ ઉભેલા અમુક લોકો મોટેમોટેથી તેને કશુંક કહેતા અને તેમાંથી એક વ્યક્તિ તેને માથામાં મારતો જોવા મળે છે. કેટલાક વિડીયો બનાવતા જોવા મળે છે. પેલો વ્યક્તિ નીચે બેસીને પોસ્ટર પર હાથ મૂકતો જોવા મળે છે. આ વ્યક્તિ કોણ છે તે જાણી શકાયું નથી જ્યારે આસપાસ ઉભેલા લોકો સીએમ સિદ્ધારમૈયાના સમર્થકો હોવાનું કહેવાય છે.
A man was forced to apologise to the poster of CM of #Karnataka after he allegedly abused the CM and called him Siddaramullah Khan. Supporters of CM made him to apologise to the poster of CM. @siddaramaiah @DKShivakumar pic.twitter.com/mBsjG72ZcP
— Azmath Jaffery (@JafferyAzmath) June 5, 2023
જાણવા મળ્યા અનુસાર, તેણે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા માટે અપશબ્દો વાપર્યા હતા અને તેમને ‘સિદ્ધારમુલ્લા ખાન’ કહ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, વીડિયોમાં પણ માર મારતા વ્યક્તિ તેને કહેતા સંભળાય છે કે, “તારી હિંમત કઈ રીતે થઇ સિદ્ધારમૈયાને અપશબ્દો કહેવાની? શું સિદ્ધારમૈયા સિદ્ધારમુલ્લા ખાન છે?” તેમ કહીને તેની પાસે સીએમના પોસ્ટર સામે માફી મંગાવવામાં આવે છે.
આ બધાની વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બન્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ પોતાના કાર્યકર્તાઓની હેરાનગતિનો આરોપ લગાવ્યો છે અને જેને લઈને એક હેલ્પલાઈન નંબર લૉન્ચ કરવાનો નિર્ણય લીધો છે. ભાજપ સાંસદ અને યુવા મોરચા પ્રમુખ તેજસ્વી સૂર્યાએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં કહ્યું હતું કે, પાર્ટી જલ્દીથી જ રાજ્યના ભાજપ કાર્યકર્તાઓ માટે એક હેલ્પલાઇન નંબર લૉન્ચ કરશે.
ભાજપ નેતાએ કહ્યું હતું કે, “અમારા ધ્યાનમાં આવ્યું છે કે રાજ્યમાં ભાજપ કાર્યકર્તાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તેમને ધમકાવવામાં આવી રહ્યા છે અને તેમની સામે ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે. આ બધાથી કાર્યકર્તાઓને રક્ષણ આપવા માટે વકીલોની એક ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. બીજી તરફ, કર્ણાટકના ભાજપના કાર્યકર્તાઓ માટે એક 24*7 હેલ્પલાઇન નંબર લૉન્ચ કરવામાં આવશે.
કર્ણાટકમાં તાજેતરમાં જ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસે 135 બેઠકો સાથે જીત મેળવી હતી. જીત બાદ સિદ્ધારમૈયાને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. રચના બાદ કર્ણાટકની કોંગ્રેસ સરકાર સતત ચર્ચામાં રહેતી જોવા મળી રહી છે.