પોતાની સરકારના મંત્રીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અંગેની વિવાદિત ટિપ્પણી બાદ મમતા બેનર્જીએ માફી માંગી છે. મમતાએ કહ્યું કે તેમના મંત્રીએ ખોટું કર્યું છે અને તેમના વતી તેઓ પોતે માફી માંગે છે. આજે એક પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીએ આ વાત કહી હતી.
મમતા બેનર્જીએ કહ્યું કે, મારા ધારાસભ્યના નિવેદનને હું વખોડી કાઢું છું. હું વ્યક્તિગતપણે પણ રાષ્ટ્રપતિનો આદર કરું છું. અમે તેમને સૂચના આપી છે. હું મારી પાર્ટી વતી ક્ષમા માંગુ છું. મારી પાર્ટીએ પહેલેથી જ માફી માંગી લીધી છે. મને રાષ્ટ્રપતિ માટે ખૂબ આદર છે.” તેમણે આગળ કહ્યું કે, “તેમણે ભૂલ કરી છે અને અમે તેમનો વિરોધ કરીએ છીએ, અમે તેમનું સમર્થન કરી રહ્યા નથી.”
ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીના મંત્રી દ્વારા રાષ્ટ્રપતિ વિશે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવ્યા બાદ વિપક્ષ તરફથી સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને આ અંગે મમતા બેનર્જી કેમ મૌન છે તેમ પણ પૂછવામાં આવી રહ્યું હતું. આખરે મમતા બેનર્જીએ આ અંગે મૌન તોડ્યું છે અને તેમણે માફી માંગવી પડી છે.
શું કહ્યું હતું મમતા બેનર્જીના મંત્રીએ?
મમતા બેનર્જી સરકારમાં મંત્રી અખિલ ગિરીએ થોડા દિવસો અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર ટિપ્પણી કરીને તેમના રંગરૂપની મજાક ઉડાવી હતી. તેમણે કહ્યું હતું કે, “આપણે કોઈને પણ તેમના દેખાવથી આંકતા નથી, રાષ્ટ્રપતિના પદનું પણ સન્માન કરીએ છીએ. પરંતુ આપણાં રાષ્ટ્રપતિ કેવાં દેખાય છે?” આ સાંભળ્યા બાદ આસપાસ ઉભેલા લોકો જોરજોરથી હસવા અને તાળીઓ પાડવા માંડે છે.
આ વિડીયો વાયરલ થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ ટીએમસી પર નિશાન સાધ્યું હતું અને વિવાદિત ટિપ્પણી કરનાર નેતાની ધરપકડની માંગ કરી હતી. ભાજપે દાવો કરતાં એમ પણ કહ્યું હતું કે, અખિલ ગિરી રાષ્ટ્રપતિ વિશે આ પ્રકારની ટિપ્પણી કરી રહ્યા હતા ત્યારે મમતા બેનર્જી સરકારની મહિલા કલ્યાણ વિભાગનાં મંત્રી શશિ પંકા પણ ત્યાં હાજર હતાં.
જોકે, ભારે વિરોધ થયા બાદ અખિલ ગિરીએ પણ માફી માંગવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું કે, તેમના કથનથી જો રાષ્ટ્રપતિને અપમાનજનક લાગ્યું હોય તો તેઓ તેમની માફી માંગે છે.