Friday, November 22, 2024
More
    હોમપેજદેશચાલી રહી હતી લોકસભાની કાર્યવાહી, અચાનક વિઝિટર ગેલેરીમાંથી 2 વ્યક્તિઓ કૂદ્યા અને...

    ચાલી રહી હતી લોકસભાની કાર્યવાહી, અચાનક વિઝિટર ગેલેરીમાંથી 2 વ્યક્તિઓ કૂદ્યા અને ધુમાડો નીકળવા માંડ્યો….: અફરાતફરી વચ્ચે બંને પકડાયા

    વિડીયોમાં બેમાંથી એક વ્યક્તિ સતત આગળ વધતો જતો જોવા મળે છે. જોકે, તે પહોંચે તે પહેલાં જ તેને અને તેના અન્ય સાથીને ગૃહમાં હાજર સાંસદોએ તાત્કાલિક પકડીને સુરક્ષાકર્મીઓને સોંપી દીધા હતા. 

    - Advertisement -

    સંસદ સત્ર દરમિયાન લોકસભામાં અચાનક 2 વ્યક્તિઓ ઘૂસી જવાથી કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. 

    આ ઘટના બુધવારે (13 ડિસેમ્બર, 2023) બની. લોકસભામાં કાર્યવાહી ચાલતી હતી ત્યારે દર્શકો માટે બનાવવામાં આવેલી ગેલેરીમાંથી 2 વ્યક્તિઓ કૂદી આવ્યા હતા અને હોબાળો મચાવી મૂક્યો હતો. ત્યારબાદ ડેપ્યુટી સ્પીકર રાજેન્દ્ર અગ્રવાલે તાત્કાલિક કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવા માટેનો આદેશ આપ્યો હતો. 

    લોકસભામાં પ્રશ્નોત્તરી ચાલી રહી હતી અને પશ્ચિમ બંગાળથી ભાજપ સાંસદ ખગેન મુર્મૂ બોલી રહ્યા હતા ત્યારે અચાનક હોબાળો મચી ગયો હતો. 2 વ્યક્તિઓ દર્શક ગેલેરીમાંથી સીધા ગૃહમાં કૂદી પડ્યા હતા. ત્યારબાદ તેમના હાથમાં રહેલાં સાધનમાંથી ધુમાડો છોડવા માંડ્યો હતો, જેના કારણે પીળો ધુમાડો ગૃહમાં પ્રસરી ગયો હતો. 

    - Advertisement -

    વિડીયોમાં બેમાંથી એક વ્યક્તિ સતત આગળ વધતો જતો જોવા મળે છે. જોકે, તે પહોંચે તે પહેલાં જ તેને અને તેના અન્ય સાથીને ગૃહમાં હાજર સાંસદોએ તાત્કાલિક પકડીને સુરક્ષાકર્મીઓને સોંપી દીધા હતા. 

    ઘટનાને લઈને ડેપ્યુટી સ્પીકર રાજેન્દ્ર અગ્રવાલે કહ્યું, “એક વ્યક્તિ નીચે કૂદ્યો ત્યારે અમને લાગ્યું કે પડી ગયો છે. પરંતુ બીજો વ્યક્તિ પણ રેલિંગ પકડીને કૂદવાના પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અમારા ધ્યાને આવ્યું, પણ ત્યાં સુધીમાં બધા સતર્ક થઈ ગયા હતા.” તેમણે કહ્યું, “તે કુદ્યો અને જૂતા ખોલીને ગેસ છોડવા માંડ્યો. પણ અમારા સુરક્ષાકર્મીઓ સતર્ક થઈ ગયા હતા, તેમણે તત્પરતા સાથે બંનેને કાબૂમાં લઇ લીધા અને હવે તપાસ થશે.”

    આ સિવાય દિલ્હી પોલીસે સંસદ ભવન નજીક આવેલા ટ્રાન્સપોર્ટ ભવન નજીક પણ એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી હતી. તેઓ પણ આ રીતે પીળો ધુમાડો છોડતા નારા લગાવી રહ્યા હતા. પોલીસ તેમને પકડીને સંસદ ભવન પોલીસ મથકે લઇ ગઇ હતી. પોલીસે કહ્યું કે તેઓ પૂછપરછ કરી રહ્યા હતા અને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જેઓ અંદર પકડાયા છે તેમની સાથે આ બંનેનું કોઇ કનેક્શન છે કે નહીં. 

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2001માં આજના દિવસે જ સંસદ ભવન પર આતંકવાદી હુમલો થયો હતો. સંસદનું સત્ર ચાલતું હતું ત્યારે અચાનક 5 આતંકવાદીઓ ઘૂસી આવ્યા હતા અને ગોળીબાર કર્યો હતો. જેમાં 6 પોલીસકર્મીઓ, 2 સંસદના સુરક્ષાકર્મીઓ અને 1 માળીનાં મોત થયાં હતાં. આ જ કેસમાં પછીથી આતંકવાદી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી હતી. 

    સંસદના હુમલાની વર્ષગાંઠ પર જ સંસદમાં આ ઘટના બની. જેને સુરક્ષામાં મોટી ચૂક તરીકે જોવામાં આવી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં