અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ચોથી અને અંતિમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી છે. આ સાથે ભારતે સિરીઝ 2-1થી જીતી લીધી છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની (World Test Championship – WTC) ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. મોટેરા સ્ટેડીયમની પીચ બેટિંગ પીચ હોવાથી છેલ્લાં દિવસે પરિણામ શક્ય ન દેખાતાં કેપ્ટન રોહિત શર્માએ ચેતેશ્વર પુજારાને બોલિંગ આપી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં આ સામાન્ય ઘટના છે જ્યારે ટેસ્ટ ડ્રો જ થશે એવું એક વખત નક્કી થઇ જાય એટલે બોલર્સ જેમણે પાંચ દિવસ સખત મહેનત કરી હોય એમને આરામ આપવા કેપ્ટન પોતાનાં બેટર્સને બોલિંગ આપતાં હોય છે. આ જ પરંપરાને વળગી રહેતાં રોહિત શર્માએ ચેતેશ્વર પુજારાને બોલિંગ આપી એટલું જ નહીં પરંતુ આ ટેસ્ટનાં સ્ટાર શુભમન ગીલને પણ બોલિંગ આપી હતી જેથી ટીમ ઇન્ડિયાના બોલર્સને આરામ મળી શકે.
ચેતેશ્વર પુજારા જ્યારે બોલિંગ કરી રહ્યો હતો તે સમયનો એક ટીવી સ્ક્રિનશોટ દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટ્વીટ કર્યો હતો અને જાણીતાં મિમનો આધાર લઈને પુજારાને સવાલ કર્યો હતો કે “તો મૈ ક્યા કરું? જોબ છોડ દુ?” અશ્વિન ખુદ એક વર્લ્ડ ક્લાસ ઓફ સ્પિનર છે અને તે કાયમ કેપ્ટન પાસેથી બોલિંગ મળે એવી ઈચ્છા ધરાવતો હોય છે. આથી સ્વાભાવિક છે કે આવા લડાયક સ્પિનરને ગમે તે સ્થિતિમાં પોતે વિકેટ લઇ શકશે એવો આત્મવિશ્વાસ હોય જ અને તેથી ભલે મસ્તી કરીને પણ ચેતેશ્વર પુજારાને બોલિંગ મળી તેનાંથી તેની એક ઓવર ઓછી થઇ ગઈ એવી લાગણી તેણે પ્રદર્શિત કરી હતી.
Main kya karu? Job chod du? 😂 pic.twitter.com/R0mJqnALJ6
— Ashwin 🇮🇳 (@ashwinravi99) March 13, 2023
તો રવિચંદ્રન અશ્વિનને જવાબ આપવામાં ચેતેશ્વર પુજારા પણ પાછો નહોતો પડ્યો. તેણે અશ્વિનની જ ટ્વીટ ટેગ કરીને જવાબ આપ્યો હતો કે, “ના, આ તો નાગપુરમાં વન ડાઉન આવવા બદલ હું (તારો) આભાર માની રહ્યો છું.” આપણને ખ્યાલ જ છે કે નાગપુર ટેસ્ટમાં જ્યાં વિકેટ દરેક પળે રંગ બદલતી હતી ત્યારે અશ્વિન કે એલ રાહુલની પહેલી વિકેટ પડ્યાં બાદ નાઈટ વોચમેન તરીકે આવ્યો હતો અને બીજા દિવસે પણ લાંબી બેટિંગ કરીને પુજારાનો માર્ગ સરળ બનાવ્યો હતો.
Nahi. This was just to say thank you for going 1 down in Nagpur 😂 https://t.co/VbE92u6SXz
— Cheteshwar Pujara (@cheteshwar1) March 13, 2023
ચેતેશ્વર પુજારાને બોલિંગ મળી એનો અર્થ પુજારાએ એ રીતે લીધો કે અશ્વિને મુશ્કેલીમાં તેનો સાથ આપ્યો એટલે આવી થકવી નાખતી પરિસ્થિતિમાં અશ્વિનને એકાદી ઓવર માટે આરામ આપીને તેણે તેનું વળતર વાળ્યું છે. જો કે અશ્વિને પણ ફરીથી મજાક કરતાં લખ્યું કે, “તમારી વળતર આપવાની ભાવનાનું હું સન્માન કરું છું પરંતુ આવું તે કેવું વળતર તમે આપ્યું?” એનો મતલબ એવો કરી શકાય કે અશ્વિનની નાગપુરની લાંબા સમયની બેટિંગનું વળતર પુજારાએ ફક્ત એક ઓવર કરીને કેવી રીતે આપી દીધો?
Your intent is appreciated but wonder how this is a payback😂😂 https://t.co/xkFxLHryLv
— Ashwin 🇮🇳 (@ashwinravi99) March 13, 2023
આ સમગ્ર ચર્ચા ભારતીય ક્રિકેટ ટીમમાં એકતા કેટલી મજબૂત છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમવાનું અસહ્ય દબાણ હોવા છતાં બે દિગ્ગજો કેવી રીતે એકબીજાની ફીરકી લઈને તણાવ દૂર કરે છે તે દર્શાવે છે.