દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. તેમાં પણ મુંબઈમાં ગણેશ ચતુર્થીના દસ દિવસ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. થોડા-થોડા અંતરે ભગવાન ગણેશજીની સ્થાપના કરીને તેમની આરાધના કરવામાં આવે છે. જોકે, આ વખતે મંડપની ભવ્યતામાં પુણે બાજી મારી જાશે તેમ લાગી રાહ્યું છે. ત્યાંનો શ્રીમંત દગડુશેઠ હલવાઈ સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટનો ‘અયોધ્યાના રામમંદિર’વાળો મંડપ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ‘અયોધ્યાના રામમંદિર’માં ભગવાન ગણેશજી બિરાજમાન થશે.
#WATCH | Maharashtra: A Ganesh pandal themed on Ayodhya's Ram Temple is being constructed in Pune ahead of Ganesh Chaturthi.
— ANI (@ANI) September 16, 2023
The pandal is being set up by Shreemant Dagdusheth Halwai Sarvajanik Ganpati Trust. (15.09) pic.twitter.com/iFfwlG0y9K
પુણેમાં આ વર્ષે ‘ગણેશ ઉત્સવ’ શરૂ થયો તેનું 131મુ વર્ષ ધામધૂમથી ઉજવવામાં આવશે. જ્યાં એક તરફ અયોધ્યાના રામમંદિરમાં જાન્યુઆરી 2024માં થનાર પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ પુરજોશમાં છે, ત્યાં બીજી તરફ પુણે ખાતે ભવ્ય મંદિરની રેપ્લિકામાં વિઘ્નહર્તા-મંગળકર્તા ગણપતિ બાપ્પા બિરાજમાન થશે.
દ્વાર પર બજરંગબલી કરશે ગણપતિબાપ્પાનું સ્વાગત
અયોધ્યાના રામમંદિરની આ પ્રતિકૃતિ ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે. જેની લંબાઈ 125 ફૂટ, પહોળાઈ 50 ફૂટ અને ઉંચાઈ 100 ફૂટ છે. તેને બનાવવામાં લાકડું, પ્લાયવુડ અને અન્ય અનેક પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરની રેપ્લિકામાં કુલ 24 સ્તંભ અને કમાન લાગેલા છે. મદિરનો ભવ્ય મુખ્ય ગુંબજ 100 ફૂથી વધુ ઉંચો છે. આ આખા મંદિરની કુલ ઉંચાઈ 108 ફૂટ છે.
ટ્રસ્ટના અધ્યક્ષ માણિક ચવ્હાણે મીડિયાને જણાવ્યું હતું કે, આ મંડપના શણગાર માટેની ટીમમાં 100 કુશળ કારીગરો છે. તેને બનાવવાનું કામ આર્ટ ડાયરેક્ટર અમન વિધાતે પાસે છે, જ્યારે લાઇટિંગનું કામ વાઈકર બંધુને આપવામાં આવ્યું છે. મંડપ વ્યવસ્થા કાલે માંડવવાલે કરી રહ્યા છે.
મંડપના પ્રવેશદ્વાર પર ભગવાન શ્રીરામ અને હનુમાનજીની પ્રતિકૃતિઓ ઉપરાંત વાનરસેનાની પ્રતિકૃતિઓ પણ આકર્ષક હશે. આમાં બજરંગબલીના હાથમાં ‘શ્રીરામ’ લખેલો એક પથ્થર મૂકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ તહેવાર છત્રપતિ શિવાજી મહારાજના બાળપણમાં તેમના માતા જીજાબાઈના ગ્રામદેવતા પુણેના કસ્બા ગણપતિથી શરૂ થયો હતો. લોકમાન્ય બાલ ગંગાધર તિલકે તેને 1893માં સ્વતંત્રતા ચળવળ સાથે જોડે દીધો. તેમણે લોકોમાં એકતા, દેશભક્તિ અને આઝાદીની લડાઈની ભાવના જાગૃત કરવા મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરી હતી, જે પરંપરા આજપર્યંત ચાલુ રહી છે.