પાડોશી દેશ ચીન વારંવાર કુદરતી આફતોનો સામનો કરી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે ચીનના ઉત્તર-પૂર્વ ભાગમાં ભયંકર ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 માપવામાં આવી છે. 6.2ની તીવ્રતાના આ ભૂકંપે ચીનમાં ભારે જાનહાનિ સર્જી છે. જાણવા મળી રહ્યું છે કે લગભગ 111 લોકોના કાટમાળ નીચે દબાવાથી મોત થયા છે. ચીન ઉપરાંત પાકિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, પાકિસ્તાનમાં ભૂકંપની અસરને લીધે કોઈપણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી.
પ્રાકૃતિક આફતોનો સામનો કરતાં પાડોશી દેશ ચીન પર હવે ફરી એકવાર કુદરત કોપાયમાન બની છે. ચીનના ગાંસુ વિસ્તારમાં સોમવારે (18 ડિસેમ્બર) રાત્રે 11:59 કલાકે ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. ચીનમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 6.2ની હોવાનું સામે આવ્યું છે. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (CNC) અનુસાર ઉત્તર-પશ્ચિમી ચીનના ગાંસુ વિસ્તારમાં ભયંકર ભૂકપ આવ્યો હતો. સાથે પાકિસ્તાનમાં પણ કેટલાક ભાગોમાં તેની અસર જોવા મળી હતી. ભૂકંપના લીધે 111 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. એ ઉપરાંત લગભગ 230થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ભૂકંપના લીધે ઘણી ઈમારતો ધરાશાયી
ગાંસુના પ્રાંતિય ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગ અનુસાર, ભૂકંપની તીવ્રતા એટલી ભયાનક હતી કે પળવારમાં ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ભૂકંપથી સૌથી વધુ નુકશાન કાઉન્ટી, ડિયાઓજી અને કિંધઈ વિસ્તારમાં થયું હતું. આ વિસ્તારમાં ઘણી ઈમારતો ધરાશાયી થવાથી અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જેને કાઢવા માટે રેસ્ક્યૂ ટીમ ઓપરેશન કરી રહી છે. ભૂકંપની તીવ્રતા અને તેનાથી થયેલા નુકશાનને જોતાં કહી શકાય છે કે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
The 6.2-magnitude earthquake that jolted an ethnic county in northwest China's Gansu Province midnight Monday has killed 111 people in Gansu and neighboring Qinghai Province, according to local earthquake relief headquarters. pic.twitter.com/ndSyJV6dpC
— China News 中国新闻网 (@Echinanews) December 19, 2023
ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરના ઊંડાણમાં 35.7 ડિગ્રી અક્ષાંશ અને 102.79 ડિગ્રી પૂર્વી દેશાંતરમાં નોંધાયું છે. ઈમરજન્સી સેવાઓ લોકોની સહાયતા માટે શરૂ આવી છે. આ ઉપરાંત ઘણા રેસ્ક્યૂ ઓપરેશનો ચલાવીને પીડિતો સુધી મદદ પહોંચાડવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
વારંવાર પ્રાકૃતિક હોનારતોનો સામનો કરી રહ્યું છે ચીન
ચીને છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણી બધી પ્રાકૃતિક હોનારતોનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે આ વર્ષના જ ઓગસ્ટ મહિનામાં ચીનમાં ચક્રવાતના લીધે પૂર આવ્યું હતું. તેમાં પણ અનેક લોકોના મોત થયા હતા. ઘણા શહેરોમાં પૂરનું પાણી ફરી વળ્યું હતું. પૂરના પ્રકોપના લીધે ચીનની સૌથી વધુ ઉપજાઉ જમીનો પણ તબાહ થઈ ગઈ હતી. અનેક ખેતરોમાં પૂરનું પાણી ફરી વળ્યું હતું. રાજધાની બીજિંગ અને તેનાથી જોડાયેલા વિસ્તારમાં પણ પૂરનો પ્રકોપ જોવા મળ્યો હતો.