વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહેતા જોવા મળે છે કે, જો કોઈ તેમના કાર્યકર્તાનો કોલર પણ પકડશે તો તેઓ ઘરમાં ઘૂસીને ગોળી મારી દેશે. મધુ શ્રીવાસ્તવ તેમના સમર્થકોને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારનો આ વિડીયો છે.
મધુ શ્રીવાસ્તવને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ન મળ્યા બાદ આજે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ સમર્થકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે તેઓ કોઈનાથી ડરે નહીં કારણ કે ‘બાહુબલી’ (પોતે) હજુ જીવે છે.
મધુ શ્રીવાસ્તવ કહે છે કે, “તમે કોઈનાથી ડરતા નહીં. આ બાહુબલી હજુ જીવે છે. તમારો કોલર પણ પકડે તો તેના ઘરે જઈને ગોળીઓ ન મારું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. જેને લડવું હોય એ મેદાનમાં આવી જાય. હિંદુસ્તાન આઝાદ છે. કોઈ ધમકી આપતું હોય કે આ કરીશ, તે કરીશ, તો તમારે ડરવાની કોઈ જરૂર નથી.
Waghodia seat independent candidate Madhu Srivastav ahead of filing nomination, calls himself a bahubali and adds that he will enter into the house and fire a gun shot if collar of any supporter is held pic.twitter.com/ZFiIgMHRoC
— DeshGujarat (@DeshGujarat) November 17, 2022
આ ઉપરાંત, તેમણે એવું પણ વચન આપ્યું હતું કે વાઘોડિયા તાલુકા અને વાઘોડિયામાં જેટલાં ગેરકાયદેસર મકાનો છે તેને તેઓ કાયદેસર કરશે. મધુ શ્રીવાસ્તવનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા અને મીડિયામાં ફરી રહ્યો છે.
અગાઉ પણ ઘણી વખત વિવાદોમાં ઘેરાઈ ચૂકેલા મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા બેઠક પરથી અત્યાર સુધી 6 ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. 1995માં તેમણે પહેલી વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. ત્યારબાદ ભાજપમાં જોડાયા બાદ પણ તેમને પાર્ટીમાંથી દર ચૂંટણીમાં રિપીટ કરવામાં આવતા હતા, પરંતુ આ ચૂંટણીમાં તેમના સ્થાને ભાજપે અશ્વિન પટેલને ટિકિટ આપી છે.
પત્તુ કપાતાં નારાજ મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેઓ આજે સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. જોકે, ભાજપે તેમને મનાવવા માટે પ્રયત્નો કરી જોયા, પરંતુ તેઓ માનવા તૈયાર ન હોય તેમ લાગી રહ્યું છે. ઉપરાંત, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ તેમની સાથે મુલાકાત કરી હતી, પરંતુ કોઈ નિષ્કર્ષ નીકળ્યો ન હતો.
વાઘોડિયા બેઠક પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન હાથ ધરવામાં આવશે. અહીં ભાજપ તરફથી અશ્વિન પટેલ, કોંગ્રેસમાંથી સત્યજિત ગાયકવાડ અને હવે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ફોર્મ ભરતાં ત્રિપાંખિયો જંગ ખેલાશે.