Tuesday, November 12, 2024
More
    હોમપેજદેશકોઈએ કહ્યું ‘નેશનલ શેમ’, કોઈએ બેઝમેન્ટને જ આપી દીધો દોષ: દિલ્હીની ઘટના...

    કોઈએ કહ્યું ‘નેશનલ શેમ’, કોઈએ બેઝમેન્ટને જ આપી દીધો દોષ: દિલ્હીની ઘટના બાદ અન્ય તમામને જવાબદાર ઠેરવી રહી છે લિબરલ ટોળકી, સિવાય AAP અને કેજરીવાલ!

    બહુ સિફતપૂર્વક ઘટનાને વળાંક આપીને રાજ્ય સરકારને ચર્ચામાંથી દૂર કરી દેવામાં આવી અને તેને આખા દેશ માટે શરમજનક ગણાવાઈ. જ્યારે હકીકતે આ ઘટના આમ આદમી પાર્ટી માટે શરમની વાત છે. 

    - Advertisement -

    શનિવારે (27 જુલાઈ) દિલ્હીમાં એક ઘટના ઘટી ગઈ. સાંજના અરસામાં ટૂંકાગાળામાં ભારે વરસાદ વરસી ગયો, જેના કારણે અમુક વિસ્તારોમાં પાણી ભરાવા માંડ્યું. રાજેન્દ્રનગર વિસ્તારમાં આવી જ સ્થિતિ હતી. ડ્રેનેજની પૂરતી સાફસફાઈ ન થઈ હોવાના કારણે પાણી ભરાવા માંડ્યું અને આ જ વિસ્તારના Rau’s કોચિંગ સેન્ટરમાં જવા માંડ્યું. અહીં એક બેઝમેન્ટ આવેલું છે, પાણી ત્યાં ઘૂસી ગયું. આ સમયે અમુક UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરતા હતા, તેઓ અંદર ફસાઈ ગયા અને તેમાંથી ત્રણનાં મોત થયાં. 

    સાવ યુવાન વયના ત્રણ વિદ્યાર્થીઓનાં અપમૃત્યુ નાની વાત ન કહેવાય. પરંતુ આપણે ત્યાંના લિબરલો ઘટનાની ગંભીરતા તે ક્યાં બને છે તેની ઉપરથી નક્કી કરે છે. તેમનો ‘ગોલ્ડન રુલ’ એ છે કે જો ઘટના કોઇ ભાજપશાસિત રાજ્યમાં બની તો જે-તે રાજ્ય સરકાર દોષી ઠેરવવામાં આવશે. પરંતુ જો આવી ઘટના કોઇ બિનભાજપ શાસિત રાજ્યમાં બની તો તેઓ દોષ આપવા માટે માથાં શોધતા થઈ જાય છે. આવી સ્થિતિમાં કાં તો તેઓ મૌન રહેશે, અથવા ઘટના વિશે બોલે તો તદ્દન સાદી ભાષામાં ટિપ્પણી કરીને મૂકી દેશે. આવું ઉદાહરણ આ ઘટના વખતે પણ જોવા મળ્યું છે. 

    આ ઘટના પર અમુક તો મૌન જ રહ્યા છે, જેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે તેમણે એ વાતનું ધ્યાન રાખ્યું છે કે ક્યાંક આમ આદમી પાર્ટી સરકાર કે કેજરીવાલનો ઉલ્લેખ ન થઈ જાય. અમુકે તો કેજરીવાલ અને AAP સરકાર સિવાય બાકીના તમામને જવાબદાર ઠેરવવાના નિષ્ફળ પ્રયાસ કર્યા છે. જ્યારે હકીકત એ છે કે આ ઘટના પર આમ આદમી પાર્ટી પર અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે. કારણ કે એવી વાતો સામે આવી છે કે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કર્યા છતાં ડ્રેનેજની સફાઈ થઈ ન હતી કે પછી બિલ્ડીંગને ફાયર NOC અપાયું હતું, પણ પરવાનગી સ્ટોરેજની હતી અને ત્યાં લાઇબ્રેરી ચાલતી હતી. 

    - Advertisement -

    ‘ધ વાયર’નાં ‘પત્રકાર’ રોહિણી સિંઘે સવારે એક પોસ્ટ કરી. તેઓ લખે છે, ‘લાઇબ્રેરીમાં જો વિદ્યાર્થીઓ આ રીતે મરતા હોય તો દેશ માટે કેવું કહેવાય? આ બાળકો ન તો પાર્ટી કરી રહ્યાં હતાં કે ન ગાડી બેફામ હંકારીને અકસ્માત સર્જ્યો હતો, તેઓ શાંતિથી બેસીને પરીક્ષાની તૈયારી કરતા હતા. કોણ જવાબદાર ઠેરવાશે? આ એક રાષ્ટ્રીય દુર્ઘટના છે અને ભારત માટે શરમની વાત છે.’ 

    અહીં ‘આમ આદમી પાર્ટી’ કે ‘અરવિંદ કેજરીવાલ’નો ઉલ્લેખ શોધી કાઢનારને ઈનામની જાહેરાત કરીએ તોપણ એક રૂપિયાનું નુકસાન નથી, કારણ કે ઉલ્લેખ છે જ નહીં. બહુ સિફતપૂર્વક ઘટનાને વળાંક આપીને રાજ્ય સરકારને ચર્ચામાંથી દૂર કરી દેવામાં આવી અને તેને આખા દેશ માટે શરમજનક ગણાવાઈ. જ્યારે હકીકતે આ ઘટના આમ આદમી પાર્ટી માટે શરમની વાત છે. 

    બીજો ક્રમ રાજદીપ સરદેસાઈનો છે. રાજદીપ કોઈ બિનભાજપ શાસિત રાજ્યમાં કશુંક નાનકડું પણ બને તો સરકારથી માંડીને મોદી સુધીનાને પ્રશ્નો કરી નાખે છે. પણ આ ઘટનામાં તેમની પોસ્ટ નાનકડી વાત કહીને પૂરી થઈ જાય છે. તેમાં પણ બે લીટી તો તથ્યો જ રજૂ કર્યાં છે. કોઇ વધારાની ટિપ્પણી કરવામાં આવી નથી. ન AAP સરકારને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. સાથે એમ પણ કહ્યું કે, બેઝમેન્ટ જોખમી હોય છે. લોકો કહે છે કે તો બેઝમેન્ટની ધરપકડ કરી લેવી જોઈએ! 

    અન્ય એક ‘પત્રકાર’ છે રવીશ કુમાર. તાલિબાને જ્યારે રોયટર્સના એક ‘પત્રકાર’ દાનિશ સિદ્દિકીની હત્યા કરી હતી ત્યારે રવીશે આતંકવાદીઓને ભાંડવાને બદલે ગોળીને લાનત મોકલી હતી. આ ઘટનામાં પણ રવીશે વ્યવસ્થા અને સિસ્ટમની વાત કહીને વાતને રાષ્ટ્રીય સ્તરે લઇ જઈને મૂકી દીધી છે. સાથે જવાબ મળવામાં મુખ્યમંત્રી વિરુદ્ધ LG થતું રહેશે તેમ કહીને LGને પણ વચ્ચે લાવ્યા. પરંતુ ક્યાંય કેજરીવાલ સરકારનું કે આમ આદમી પાર્ટીનું નામનિશાન જોવા મળતું નથી. 

    પોતાને ‘પત્રકાર’ ગણાવનારાઓની આવી હાલત હોય તો પછી રાજકારણીઓ તો સ્વાભાવિક એજન્ડામાં ફિટ બેસે એવું જ લખશે. શિવસેના (ઉદ્ધવ) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી આમ મહારાષ્ટ્ર અને અન્ય ભાજપશાસિત રાજ્યોમાં કશુંક બને ત્યારે જ્ઞાન આપતાં હોય છે. આ ઘટના પર તેઓ લખે છે કે, જે કોઇ પણ આ બેદરકારી માટે જવાબદાર હોય તેમની સામે કાર્યવાહી કરીને સજા અપાવી જોઈએ. 

    આમ આ ટોળકી ન્યાયાધીશની ખુરશી પર બેસીને આદેશો પસાર કરી દેતી હોય છે અને વડાપ્રધાનથી માંડીને ગૃહમંત્રીને પણ જવાબદાર ઠેરવી દે છે, પણ આ ઘટનામાં કલાકો પછી પણ માત્ર ‘જવાબદાર વ્યક્તિઓને સજા થવી જોઈએ’ લખીને છટકબારી શોધી નાખવામાં આવે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં