અમેરિકામાં બેસીને વારંવાર ભારત વિરુદ્ધ ઝેર ઓકતા ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંઘ પન્નુ સામે સરકારે ફરી લાલ આંખ દેખાડી છે. તે અવારનવાર કેનેડા સ્થિત હિંદુઓને વિડીયો મારફતે ધમકી આપી કેનેડા છોડીને ભારત પરત ફરવાની વાત કરતો હતો. આખરે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (NIAએ) પન્નુની પંજાબ સ્થિત સંપતિ જપ્ત કરી લીધી છે.
આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાને લઈને કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યા બાદ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. NIAએ ગેરકાયદેસર પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ (UAPA), 1967ની કલમ 33(5) હેઠળ પન્નુની સ્થાવર મિલકત જપ્ત કરવા માટે વિશેષ કોર્ટનો સંપર્ક કર્યો હતો. NIAએ પંજાબમાં પન્નુની બે સંપતિઓને જપ્ત કરી છે. આ સંપત્તિઓ અમૃતસર અને ચંડીગઢમાં આવેલી હતી. આ પહેલાં 2020માં તેની સંપતિ જપ્ત કરવામાં આવી હતી.
ચંડીગઢ અને અમૃતસરની સંપતિઓ થઈ જપ્ત
NIAએ પન્નુની જે સંપતિ પંજાબમાં જપ્ત કરી છે તેમાં અમૃતસર જિલ્લાની બહારના વિસ્તારમાં સ્થિત પૈતૃક ગામ ખાનકોટમાં 46 કનાલ કૃષિ સંપતિ અને ચંડીગઢના સેક્ટર-15 સી સ્થિત તેનું મકાન સામેલ છે. સરકારે સંપતિ જપ્ત કર્યાનો અર્થ એ છે કે હવે એ સંપત્તિ પર પન્નુનો અધિકાર સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે અને તે મિલકત હવે સરકારની છે. 2020માં તેની સંપતિ કુર્ક કરવામાં આવી હતી. જેનો અર્થ એ હતો કે તે ક્યારેય પણ તેની ભારત સ્થિત મિલકતને વેચી શકશે નહીં, પરંતુ તાજેતરના પગલાં બાદ પન્નુએ મિલકતનો માલિકી હક્ક ગુમાવી દીધો છે. પન્નુની આ તમામ મિલકતો મોહાલી કોર્ટના આદેશ પર જપ્ત કરવામાં આવી છે.
NIAએ કોઠીની બહાર બોર્ડ લગાવીને સ્પષ્ટ કર્યું છે કે પન્નુનો હવે આ સંપતિ પર કોઈ અધિકાર નથી અને તે હવે સરકારી મિલકત બની ગઈ છે. પન્નુને 2020માં મોહાલીમાં નોંધાયેલા એક કેસમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો.
પન્નુએ કેનેડામાં રહેતા હિંદુઓને આપી હતી ધમકી
નોંધનીય છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. તેવી સ્થિતિમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુએ કેનેડામાં રહેતા હિંદુઓને ધમકી આપી હતી. જેમાં તેણે કહ્યું હતું કે “હિંદુઓ દેશ (કેનેડા) છોડીને પરત જતાં રહો.” આ મામલે કેનેડાના હિંદુ સંગઠને પણ વિરોધ નોંધાવ્યો હતો અને સરકારને એક પત્ર લખ્યો હતો જેમાં કહેવાયું હતું કે ખાલિસ્તાની આતંકી પન્નુની સ્પીચને હેટ ક્રાઈમ તરીકે નોંધવામાં આવે.
કોણ છે ગુરપતવંત સિંઘ પન્નુ?
ગુરપતવંત સિંઘ પન્નુ ‘શીખ ફોર જસ્ટિસ’ નામના ખાલિસ્તાની સંગઠનનો પ્રમુખ છે. જે વિદેશમાં બેસીને ભારત વિરોધી ગતિવિધિઓ કરે છે. સરકારે પન્નુને આતંકવાદી જાહેર કર્યો છે. એ સિવાય તેના સંગઠન શીખ ફોર જસ્ટિસ પર પણ ભારતમાં પ્રતિબંધ છે. પન્નુ અવારનવાર વિડીયો બનાવીને ભારત વિરુદ્ધ ઝેર ઓકતો નજરે પડે છે.