કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના (Wayanad Landslide) કારણે સ્થિતિ વિકટ બની છે અને અત્યાર સુધીમાં લગભગ 250થી વધુ લોકોનાં મોત થયાં હોવાના સમાચાર સામે આવી ચૂક્યા છે. આ બધા વચ્ચે ગુરુવારે (1 ઑગસ્ટ) મોડી સાંજે કેરળની પિનારાઈ વિજયન સરકારે લાગુ કરેલો એક આદેશ વિવાદનું કારણ બન્યો હતો. આદેશમાં સરકારે વૈજ્ઞાનિકોને (Scientists) ભૂસ્ખલન પ્રભાવિત જગ્યાની મુલાકાત લેવા પર અને સંશોધન અને અભ્યાસ કરીને અભિપ્રાયો મીડિયામાં આપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે, ભારે ટીકા બાદ સરકારે યુ-ટર્ન લઇ લીધો છે.
1 ઑગસ્ટના રોજ કેરળ સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને સ્ટેટ રિલીફ કમિશનર ટીંકું બિસ્વાલે એક આદેશ પસાર કર્યો હતો, જેની નકલ સોશિયલ મીડિયામાં ફરી રહી છે. જેમાં તમામ વૈજ્ઞાનિક સંસ્થાઓ અને વૈજ્ઞાનિકોને નિર્દેશ કરવામાં આવ્યા હતા કે તેઓ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારની સ્થળ મુલાકાત લઇ શકશે નહીં.
આ સાથે કહેવામાં આવ્યું કે, વૈજ્ઞાનિક સમુદાયને નિર્દેશ આપવામાં આવે છે કે તેઓ મીડિયામાં પોતાના અભિપ્રાય કે સંશોધન અહેવાલો વિશે કોઇ પણ ટિપ્પણી કરવાનું ટાળે. જો ભૂસ્ખલન પ્રભાવિત ક્ષેત્રમાં કોઇ પણ પ્રકારનો અભ્યાસ કે સંશોધન કરવા હશે તો પહેલાં કેરળ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી પાસેથી પૂર્વ મંજૂરી લેવી પડશે.
Emergency & censorship come naturally to communists.
— Tejasvi Surya (@Tejasvi_Surya) August 1, 2024
An atrocious order has been passed by Kerala Govt restraining Science & Tech institutions from field visits as well as sharing details & reports of disaster affected areas.
The state govt is frightened that such activities… pic.twitter.com/MhnZXpca03
આ આદેશનો પછીથી ખૂબ વિરોધ થયો. ભાજપ યુવા મોરચા પ્રમુખ અને સાંસદ તેજસ્વી સૂર્યાએ X પાર લખ્યું કે, ‘કોમ્યુનિસ્ટો માટે ઇમરજન્સી અને સેન્સરશિપ તદ્દન સ્વાભાવિક બાબત છે. કેરળ સરકારે વિજ્ઞાન અને ટેક્નોલોજી સંસ્થાઓ પર ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની સ્થળ મુલાકાત લેવા અને તેની જાણકારીઓ સાર્વજનિક કરવા પર લગાવતો એક આદેશ પસાર કર્યો છે.’ તેમણે આગળ કહ્યું કે, ‘રાજ્ય સરકારને ડર છે કે તેના કારણે એ બાબત છતી થઈ જશે કે વાયનાડ ભૂસ્ખલન એ કોમ્યુનિસ્ટ સરકારની જ બેદરકારીના કારણે બનેલી ઘટના છે, જેમણે અનેક એજન્સીઓ દ્વારા ભૂતકાળમાં પણ ચેતવણીઓ જારી કરવામાં આવ્યા છતાં કોઇ ધ્યાન આપ્યું ન હતું.’ આ સિવાય પણ અનેક નેતાઓએ આદેશ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા તેમજ વૈજ્ઞાનિક સમુદાયે પણ વાંધો ઉઠાવ્યો હતો.
આખરે વિરોધ બાદ કેરળ સીએમ પિનારાઈ વિજયને આદેશ પરત લઇ લેવા માટે સૂચના આપી હતી. તેમણે તેને ભ્રામક ગણાવીને મુખ્ય સચિવને નિર્દેશ આપીને સ્ટેટ રિલીફ કમિશનરનો આદેશ પરત લઇ લેવા માટે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની આવી કોઇ નીતિ નથી અને અધિકારીઓને હસ્તક્ષેપ કરીને તાત્કાલિક આદેશ પરત લઇ લેવા માટે જણાવવામાં આવ્યું છે.
પછીથી રાજ્ય સરકારના મુખ્ય સચિવે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, આદેશ વૈજ્ઞાનિકોને અભ્યાસ કરતા રોકવાનો ન હતો પરંતુ આશય એ હતો કે વૈજ્ઞાનિક સંસ્થા સાથે જોડાયેલા લોકો એવા અભિપ્રાય અને નિવેદનો ન આપે જેનું અવળું અર્થઘટન કરીને રાજ્યમાં ભ્રમ ફેલાવવામાં આવે.
વાયનાડ ભૂસ્ખલનની વાત કરવામાં આવે તો મૃત્યુઅંક 289 પર પહોંચી ચૂક્યો છે અને 200થી વધુ લોકોને નાની-મોટી ઈજા થઈ છે. હાલ ભારતીય સેના રેસ્ક્યુ ઑપરેશન ચલાવી રહી છે અને 1000થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 200 લોકો હજુ પણ ફસાયેલા હોવાની આશંકા છે, જેમને બચાવવા માટે કામગીરી ચાલી રહી છે.