કેરળમાં યુનિવર્સીટીઓની પરીક્ષાઓમાં છબરડા સામે આવ્યા છે. એક યુનિવર્સીટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રની જગ્યાએ આન્સર કી આપી દેવામાં આવી હતી તો અન્ય એક યુનિવર્સીટીની પરીક્ષામાં ગત વર્ષનું પ્રશ્નપત્ર બેઠું જ સામેલ કરી દેવામાં આવ્યું હતું. મામલો સામે આવ્યા બાદ કેરળના ગવર્નરે બંને યુનિવર્સીટીઓને ફટકાર લગાવીને રિપોર્ટ માગ્યો છે.
રિપોર્ટ અનુસાર, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને મંગળવારના રોજ કેરળ અને કુન્નુર યુનિવર્સીટીઓની પરીક્ષાઓમાં છબરડા અંગે રિપોર્ટ માગ્યો છે. રાજભવનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નિયમિત તપાસના ભાગરૂપે આ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. અહીં નોંધવું જોઈએ કે રાજ્યપાલ રાજ્યની યુનિવર્સીટીઓના કુલપતિ પણ હોય છે.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, યુનિવર્સીટીઓને લગતી બાબતોમાં રાજભવન હસ્તક્ષેપ કરતું જ હોય છે. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. નોંધવું જોઈએ કે એક દિવસ પહેલાં જ કુન્નુરમાં બીએ ફિલોસોફીની પરીક્ષામાં એક વર્ષ અગાઉનું પેપર શબ્દશઃ ફરીથી વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. જેના કારણે પરીક્ષા રદ કરવી પડી હતી. જે બાદ રાજ્યપાલે આ મામલે કડક વલણ દાખવ્યું છે.
Kerala Governor seeks reports from two universities over exam goof-ups
— ANI Digital (@ani_digital) April 26, 2022
Read @ANI Story | https://t.co/Lr55r4l8Sx#Kerala #Exams pic.twitter.com/RJ3hn0TBMQ
અહેવાલો અનુસાર, કુન્નુત યુનિવર્સીટી દ્વારા આયોજિત બીએ ફિલોસોફીની અન્ય ત્રણ પરીક્ષાઓ પણ આ જ કારણોસર રદ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત કેરળમાં પણ ફેબ્રુઆરીમાં પરીક્ષામાં ગડબડ સામે આવી હતી. જ્યાં બીએસસી ઈલેક્ટ્રોનિકની પૂરક પરીક્ષામાં પ્રશ્નપત્રની જગ્યાએ આન્સર કી આપી દેવામાં આવી હતી.
પરીક્ષાની ઉત્તરવહી ચકાસવા માટે પરીક્ષક પાસે પહોંચી અને તેમણે આન્સર કી, પ્રશ્નપત્ર અને ઉત્તરવહી માંગી ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે પરીક્ષા દરમિયાન એક પણ વિદ્યાર્થીએ પ્રશ્નપત્રની જગ્યાએ આન્સર કી આપી દેવામાં આવી હોવાની ફરિયાદ કરી ન હતી.
24 એપ્રિલના રોજ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કુન્નુર યુનિવર્સીટીની પરીક્ષામાં થયેલ ગડબડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કેરળમાં ભલે પ્રાથમિક શિક્ષણ ઉચ્ચ કક્ષાનું હોય પરંતુ ઉચ્ચ શિક્ષણ પ્રભાવિત થયું છે. તેમણે કહ્યું હતું, “આ સ્પષ્ટ રીતે અસમર્થતાની નિશાની છે. કોઈએ તો જવાબદારી લેવી પડશે. પ્રાથમિક શિક્ષણ આખા દેશમાં સર્વશ્રેષ્ઠ હોવા છતાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર નબળું પડી રહ્યું છે. આ ઘટનાની જવાબદારી લેવાવી જોઈએ.”
અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દિલ્હી અને કેરળના શિક્ષણ મોડેલની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે ચાલી હતી અને બંને સરકારો સામસામે આવી ગઈ હતી. ‘આપ’ ધારાસભ્ય આતિશી મારલેનાએ ટ્વીટ કરીને કેરળના અધિકારીઓએ દિલ્હીના શિક્ષણ મોડેલનો અભ્યાસ કરવા માટે દિલ્હીની સરકારી શાળાની મુલાકાત લીધી હોવાનો દાવો કર્યો હતો.
જે મામલે, કેરળ સરકારે આમ આદમી પાર્ટીના દાવાને નકારી કાઢ્યો હતો અને તેમના કોઈ પણ અધિકારી દિલ્હીના શિક્ષણ મોડેલના અભ્યાસ માટે ન ગયા હોવાની સ્પષ્ટતા કરી હતી. જે બાદ કેરળના શિક્ષણમંત્રીએ દાવો કરતા કહ્યું હતું કે દિલ્હીના અધિકારીઓએ કેરળ મોડેલનો અભ્યાસ કરવા માટે ગયા મહિને મુલાકાત લીધી હતી.
દિલ્હી અને કેરળ વચ્ચે પોતપોતાનાં રાજ્યોનાં શિક્ષણ મોડેલને શ્રેષ્ઠ બતાવવાની સ્પર્ધા ચાલે છે અને ગુજરાતમાં પણ આ રાજ્યોનાં શિક્ષણ મોડેલ લાગુ કરવા માટેના વાયદાઓ કરવામાં આવતા રહ્યા છે પરંતુ આ જ રાજ્યોમાં શિક્ષણ ક્ષેત્રે મોટા છબરડા થવાથી પ્રશ્નો પણ સર્જાઈ રહ્યા છે.