વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. તેના બીજા જ દિવસે આ ટ્રેન વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. કારણ એ છે કે આ ટ્રેનના પહેલા જ રન દરમિયાન અમુક કોંગ્રેસ સમર્થકોએ તેની ઉપર કેરળ કોંગ્રેસના સ્થાનિક સાંસદનાં પોસ્ટરો ચોંટાડી દીધાં હતાં.
#WATCH | Congress workers pasted posters of Palakkad MP VK Sreekandan on the windows of a wagon of Vande Bharat Express when the train reached Shoranur in Kerala's Palakkad yesterday. Railway Protection Force has registered a case, investigation underway pic.twitter.com/rgqocYIqid
— ANI (@ANI) April 26, 2023
ન્યૂઝ એજન્સી ANI દ્વારા શૅર કરવામાં આવેલા વિડીયોમાં વંદે ભારત એક્સપ્રેસના કોચની બારીઓ પર કોંગ્રેસ સાંસદ વીકે શ્રીકંદનનાં પોસ્ટરો લગાવવામાં આવતાં જોઈ શકાય છે. ટ્રેન તિરૂવનંતપુરમથી શોરનૂર જંકશન પહોંચી ત્યારે અહીં હાજર કોંગ્રેસ સમર્થકોએ કોંગ્રેસ સાંસદનાં પોસ્ટરો ચોંટાડી દીધાં હતાં અને તેમના સમર્થનમાં નારાબાજી પણ કરી હતી.
તિરૂવનંતપુરમથી કાસરગોડને જોડતી વંદે ભારત એક્સપ્રેસ 11 સ્ટેશનો પરથી પસાર થાય છે. જેમાં કોલ્લમ, કોટ્ટાયમ, એર્નાકુલમ ટાઉન, ત્રિશૂર, શોરનૂર, કોઝિકોડ, કન્નૂર અને કાસરગોડ સામેલ છે. ટ્રેનના પહેલા રન દરમિયાન શોરનૂર જંક્શન પર તેના સ્વાગત માટે કોંગ્રેસ નેતા શ્રીકંદન અને તેમના સમર્થકો હાજર હતા. દરમ્યાન આ ઘટના બની હતી.
અહેવાલોમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, અગાઉ ટ્રેનના મૂળ શિડ્યુલ મુજબ શોરનૂર જંકશન પર હોલ્ટ આપવામાં આવ્યો ન હતો, જેનો કોંગ્રેસ સાંસદ શ્રીકંદને વિરોધ કર્યો હતો અને રેલવે વિભાગને રજૂઆત કરી તેના પ્રથમ રન દરમિયાન લાલ ઝંડા ફરકાવીને વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. અનુમાન છે કે આ બાબતનો શ્રેય પોતાના નેતાને આપવા માટે કોંગ્રેસ સમર્થકોએ કેરળ રાજ્યની પહેલી વંદે ભારત એક્સપ્રેસ પર આ પોસ્ટરો ચોંટાડ્યાં હશે.
વિવાદને લઈને કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેમણે આવું કરવા માટે કોઈને પણ કહ્યું ન હતું અને કહ્યું કે, ઘટનાને એ રીતે દર્શાવવામાં આવી રહી છે જાણે કોઈએ રાજદ્રોહનો ગુનો કરી દીધો હોય.
ઘટના બાદ રેલવે પ્રોટેક્શન ફોર્સે મામલાનું સંજ્ઞાન લઈને કેસ દાખલ કરીને મામલાની તપાસ શરૂ કરી હતી. ઉપરાંત, તાત્કાલિક પોલીસકર્મીઓએ ટ્રેન પરથી કોંગ્રેસ નેતાનાં પોસ્ટરો હટાવી દીધાં હતાં. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસ્વીરો-વિડીયોમાં પણ RPFના જવાનો પોસ્ટરો હટાવતા જોવા મળે છે.
કેરળની પહેલી વંદે ભારત એક્સપ્રેસને મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન તિરૂવનંતપુરમથી કાસરગોડનું 586 કિલોમીટર અંતર 8 કલાક અને 5 મિનિટમાં કાપે છે અને રાજ્યોનાં મુખ્ય-મુખ્ય સ્ટેશનોને જોડે છે. દેશનાં અનેક રાજ્યોમાં અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડી રહી છે. ગુજરાતમાં પણ પાટનગર ગાંધીનગરથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના પાટનગર મુંબઈ સુધી વંદે ભારત એક્સપ્રેસ નિયમિત દોડે છે.