કેરળને માત્ર કહેવા ખાતર ‘ભગવાનનો પોતાનો દેશ’ કહેવામાં આવતું નથી. અહીંના સૌથી જૂના મંદિરો આ હકીકતની સાક્ષી આપે છે. ઉપરાંત રાજ્યના હિંદુઓ પણ તેમની આસ્થા પ્રત્યે ખૂબ સભાન છે. સરકાર કોઈની પણ હોય, પરંતુ પરંપરા હંમેશા અનુસરવામાં આવે છે. તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટે મંગળવાર (નવેમ્બર 1, 2022) બપોરે ‘ભગવાન વિષ્ણુને સ્નાન’ કરવા માટે રનવે પરથી પસાર થતી શોભાયાત્રાને કારણે તેની ફ્લાઇટ સેવાઓ પાંચ કલાક માટે સ્થગિત કરી દીધી હતી.
#WATCH | Alpasi Arattu procession of Sree Padmanabhaswamy Temple passed through the Thiruvananthapuram airport today. To facilitate the movement of the procession the airport remained closed for 5 hours till 2100 hours#Kerala pic.twitter.com/mTN3FmpaZz
— ANI (@ANI) November 1, 2022
પ્રસિદ્ધ પદ્મનાભ સ્વામી મંદિરની વર્ષો જૂની પરંપરાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ દર વર્ષે બે વાર તેની ફ્લાઇટ્સનું શેડ્યૂલ કરે છે. આ મંદિરની શોભાયાત્રા અહીંના રનવે નજીકથી પસાર થાય છે. આલાપસી ઉત્સવ મંગળવારે મંદિર સુધી ‘આરત્તુ’ શોભાયાત્રા સાથે સમાપ્ત થયો. એરપોર્ટ સત્તાવાળાઓએ અગાઉ જણાવ્યું હતું કે સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી 5 કલાક માટે ફ્લાઈટ સેવાઓ બંધ રહેશે.
‘પંજાબ કેસરી’એ અહેવાલ આપ્યો હતો એ મુજબ એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને એર અરેબિયા સહિતની મુખ્ય એરલાઇન્સની ઓછામાં ઓછી 10 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી કારણ કે સેવાઓ સાંજે 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી બંધ રહેવાની હતી. આ પરંપરા ખાતર એરપોર્ટને બંધ કરવાની આ પ્રથા દાયકાઓથી ચાલી રહી છે અને ગયા વર્ષે અદાણી જૂથે કેરળના આ એરપોર્ટનું સંચાલન સંભાળ્યું તે પછી પણ પરંપરા જળવાઈ રહી છે.
અહીં એક નિવેદનમાં, એરપોર્ટ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, “શ્રી પદ્મનાભ સ્વામી મંદિરની સદીઓ જૂની પરંપરાના સરળ સંચાલન માટે અલાપસી અરાટ્ટુ શોભાયાત્રાના તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પરથી પસાર થવા માટે, ફ્લાઇટ સેવાઓ 1 નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યાથી નવ વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવશે.”
રનવેની બાજુમાં અરાત્તુ મંડપમ છે, જ્યાં મંદિરની મૂર્તિઓને ધાર્મિક વિધિ તરીકે શોભાયાત્રા દરમિયાન થોડા સમય માટે રાખવામાં આવે છે. મંદિરની પરંપરા મુજબ, મંદિરના દેવી-દેવતાઓની મૂર્તિઓને વર્ષમાં બે વાર એરપોર્ટની પાછળ આવેલા સમુદ્રમાં સ્નાન માટે લઈ જવામાં આવે છે. 1992માં એરપોર્ટ બન્યું તે પહેલાથી જ શોભાયાત્રા આ માર્ગ પરથી પસાર થઈ રહી છે.