વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના ઘર અને ઑફિસ સહિતના વિવિધ ઠેકાણાં ઉપર ગઈકાલે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. હવે આ મામલે એજન્સીએ વધુ એક કાર્યવાહી કરી છે. સીબીઆઈએ બુધવારે કાર્તિ ચિદમ્બરમના સીએની ધરપકડ કરી લીધી હતી.
એસ ભાસ્કર રામનની ધરપકડ વિઝા ભ્રષ્ટાચાર કેસમાં થઇ છે. સીબીઆઈની ટીમે કાર્તિ ચિદમ્બરમના સીએની પૂછપરછ કરી હતી અને જે બાદ મોડી રાત્રે તેમની ધરપકડ કરી લીધી હતી. સીબીઆઈના જણાવ્યા પ્રમાણે, આ કેસ 50 લાખની લાંચ લઈને 250 ચીની નાગરિકોના વિઝા બનાવવા સાથે સબંધિત છે.
CBI has arrested S Bhaskar Raman, a close associate of Congress leader Karti P Chidambaram in an ongoing visa corruption case following questioning late last night: CBI sources
— ANI (@ANI) May 18, 2022
સીબીઆઈએ આ કેસમાં કાર્તિ ચિદમ્બરમ, એસ ભાસ્કર રમન તેમજ પંજાબના મનસા સ્થિત તલવંડી એન્ડ બેલ ટૂલ્સ લિમિટેડના વિકાસને આરોપી બનાવ્યા છે. રિપોર્ટ અનુસાર, કાર્તિ ચિદમ્બરમ પર વેદાંતા સમૂહની કંપની તલવંડી સાબોના પંજાબ સ્થિત પાવર પ્લાન્ટમાં કામ કરવા માટે લાંચ લઈને 250થી વધુ ચીની નાગરિકોના વિઝા અપાવવામાં મદદ કરવાનો આરોપ લાગ્યો છે.
વેદાંતા સમૂહે પંજાબના મનસામાં 1980 મેગાવોટ થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કર્યું હતું. પરંતુ વિવિધ કારણોસર પ્રોજેક્ટમાં વિલંબ થતો રહ્યો અને આખરે કંપની એક અન્ય ચીની કંપનીને આઉટસોર્સ કરી દેવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર, સીબીઆઈએ એવો પણ આરોપ લગાવ્યો છે કે વીજ કંપનીના પ્રતિનિધિ મખારિયાએ તેમના નજીકના સાથી ભાસ્કર રમન મારફતે કાર્તિ ચિદમ્બરમનો સંપર્ક કર્યો હતો. અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે, મખારિયાએ કથિત રીતે કંપનીને ફાળવેલ પ્રોજેક્ટ વિઝાનો ફરીથી ઉપયોગ કરવાની મંજૂરી માંગતો પત્ર ગૃહ મંત્રાલયને મોકલ્યો હતો. જેને એક મહિનાની અંદર મંજૂરી પણ મળી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ભાસ્કર રમન મારફતે કથિત રીતે 50 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી, જે મનસા સ્થિત ખાનગી કંપનીએ ચૂકવ્યા હતા.
અગાઉ વર્ષ 2018 માં સીબીઆઈએ INX મીડિયા કેસમાં પણ ભાસ્કર રમનની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેમને ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે તેમને જામીન પર મુક્ત કર્યા હતા. મે 2018 માં એજન્સી દ્વારા કરવામાં આવેલ પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, કાર્તિ ચિદમ્બરમ દ્વારા નિયંત્રિત શેલ કંપનીએ કથિત રીતે તેમના ટ્રાવેલિંગ બિલ સહિતના ખર્ચ ભોગવ્યા હતા.
આ મામલે મે 2017 માં એફઆઈઆરઇ દાખલ કરવામાં આવી હતી. જેમાં સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે પી ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યારે INX મીડિયાને 305 કરોડના દેશી ભંડોળ માટે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ દ્વારા આપવામાં આવેલ મંજૂરીમાં અનિયમિતતા જોવા મળી હતી.
INX મીડિયાના માલિક અને સ્થાપક ઈન્દ્રાણી મુખર્જીએ આરોપ લગાવ્યો હતો કે મંજૂરીના બદલામાં કાર્તિ ચિદમ્બરમની એક કંપનીને ફાયદો થયો હતો. આ એફઆઈઆરના આધારે ઇડીએ મની લોન્ડરિંગ કેસ પણ દાખલ કર્યો હતો, જે મામલે પી ચિદમ્બરમ 100 દિવસ સુધી જેલમાં પણ રહી આવ્યા હતા. આ ઉપરાંત એરસેલ મૅક્સિમ કેસમાં પણ પિતા-પુત્રની આ જોડીને આરોપી બનાવવામાં આવી છે.