કર્ણાટકમાં નવી કોંગ્રેસની સરકાર આવતાં જ દિવંગત ભાજપ નેતા પ્રવીણ નેત્તારૂની પત્ની નૂતન કુમારીને નોકરીમાંથી છૂટાં કરવામાં આવ્યાં હતાં. નેત્તારૂની ગયા વર્ષે PFI સંગઠનના આતંકવાદીઓએ હત્યા કરી હતી. તેમની પત્નીની નોકરી આંચકી લીધા બાદ સિદ્ધારમૈયા સરકારની આકરી ટીકા કરવામાં આવી હતી. જોકે, વિરોધ સામે સરકારને ઝૂકવું પડ્યું છે ને નૂતન કુમારીને ‘માનવતાના’ ધોરણે નોકરી પરત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તત્કાલીન ભાજપ સરકાર દ્વારા પ્રવીણ નેત્તારૂની પત્ની નૂતન કુમારીને મેંગલુરુમાં ડેપ્યુટી કમિશનર ઓફિસના મુખ્યમંત્રીના રાહત ભંડોળ વિભાગમાં વરિષ્ઠ સહાયકનું પદ આપવામાં આવ્યું હતું. તેમને અચાનક શુક્રવાર (26 મે, 2023)થી નોકરીએ ન આવવા માટે કહી દેવામાં આવ્યું હતું. એ પછી ભાજપ નેતાઓએ સિદ્ધારમૈયા સરકાર પર નિશાન સાધ્યું હતું.
બાદમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, “નવી સરકાર બને ત્યારે પૂર્વ સરકાર દ્વારા નિમણૂક કરાયેલા કામચલાઉ સ્ટાફને નોકરીમાંથી છૂટા કરવા એ સામાન્ય પ્રક્રિયા છે. માત્ર પ્રવીણ નેત્તારૂની પત્ની જ નહીં, પણ 150 જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. સરકારનો આમાં કોઈ હસ્તક્ષેપ નથી.” સિદ્ધારમૈયાએ એવું કહ્યું હતું કે, “એક સ્પેશિયલ કેસ તરીકે નૂતનને માનવતાના ધોરણે ફરી નોકરી આપવામાં આવશે.”
PFIના આતંકવાદીઓએ કરી હતી નેત્તારૂની હત્યા
ઉલ્લેખનીય છે કે, 26 જુલાઈ 2022ના રોજ કર્ણાટકના બેલ્લારમાં ભાજપ નેતા પ્રવીણ નેત્તારૂની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી હતી. આની પાછળ આતંકી સંગઠન PFIનો હાથ હોવાનું સામે આવ્યું હતું. PFIએ 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક દેશ બનાવવાના પોતાના મિશન હેઠળ આ કૃત્ય કર્યું હતું, જેથી લોકોમાં ભય ફેલાય અને સાંપ્રદાયિક દુશ્મનાવટને પ્રોત્સાહન મળે.
NIAએ પ્રવીણ નેત્તારૂ હત્યા કેસ મામલે કોર્ટ સમક્ષ 69 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, PFIના અમુક કાર્યકરો તેમના નેતાઓના બોડીગાર્ડ તરીકે કામ કરતા હતા અને પછીથી તેઓ જ હિંદુ અને ભાજપ-RSS નેતાઓની હત્યા કરી નાખતા હતા.
પ્રવીણ નેત્તારૂની હત્યા બાદ સપ્ટેમ્બર 2022માં તેમની પત્ની નૂતન કુમારીને તત્કાલીન બસવરાજ બોમ્માઈ સરકારે મહિને 30 હજાર રૂપિયાના પગાર ધોરણે મુખ્યમંત્રી કાર્યાલયમાં નોકરી આપી હતી. જોકે, સિદ્ધારમૈયા સરકાર ચૂંટાતા જ તેમણે નૂતન કુમારીની નોકરી છીનવી લેવાનો નિર્ણય કર્યો હતો. જેનો વિરોધ થયા બાદ સરકારને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી છે.