કર્ણાટકના મેંગ્લોર સ્થિત એક શાળામાં વિદ્યાર્થીઓની રાખડી છોડાવીને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યા બાદ વિવાદ સર્જાયો છે. વાલીઓ અને હિંદુ સંગઠનોએ શાળાએ જઈને વિરોધ કર્યો હતો. આ શાળાનું નામ ઇન્ફેન્ટ મેરીઝ ઇંગ્લિશ મીડીયમ સ્કુલ હોવાનું જાણવા મળ્યું છે.
ગઈકાલે રક્ષાબંધનનો તહેવાર ગયો હોવાના કારણે આજે વિદ્યાર્થીઓ શાળાએ રાખડી બાંધીને ગયા હતા. જોકે, રિપોર્ટ અનુસાર, શાળાના કેટલાક શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે આ રાખડી છોડાવીને કચરાપેટીમાં ફેંકી દીધી હતી.
આ બાબતની જાણ વાલીઓને થતાં જ વાલીઓ અને ભાજપ કાર્યકરો તેમજ હિંદુ સંગઠનો શાળાએ પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ શાળા સંચાલકોની માફીની માંગ કરી હતી.
જોકે, વિરોધ બાદ શાળા સંચાલકોએ ફેરવી તોળ્યું હતું અને કહ્યું હતું કે, શિક્ષકો રાખડીને ફ્રેન્ડશિપ બેન્ડ સમજી ગયા હતા! રિપોર્ટ અનુસાર, શાળા તરફથી કહેવામાં આવ્યું કે, શાળામાં રાખડી પર પ્રતિબંધ જેવો કોઈ નિયમ નથી પરંતુ કેટલાક શિક્ષકો રાખડીને ફ્રેન્ડશિપ બેન્ડ સમજી ગયા હતા.
વિવાદ બાદ શાળાના આચાર્યે બેઠક કરી આ પ્રકારની ભૂલ ફરી ન થાય તેની બાહેંધરી આપી હતી અને કહ્યું હતું કે બાળકો શાળામાં રાખડી બાંધીને આવી શકશે. શાળાના કન્વીનર ફાધર સંતોષ લોબોએ જણાવ્યું હતું કે, “અમે તમામ સ્ટાફની એક મિટિંગ આયોજિત કરી હતી અને જેમાં જેમણે ભૂલ કરી હતી તેમણે માફી માંગી લીધી છે. સમાધાન થઇ ગયું છે.”
Mangaluru, Karnataka | Parents hold protest at Infant Merry English school after teachers remove rakhi from hands of students
— ANI (@ANI) August 12, 2022
We conducted a meeting of all staff. Those who did the mistake have apologized & issue has been resolved: Father Santosh Lobo, Convenor of the school pic.twitter.com/JAE4OUxcq2
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ક્રિશ્ચ્યન શાળાઓમાં હિંદુ બાળકોને તેમની પરંપરાઓ અનુસરવા બદલ અપમાનિત કરવામાં આવ્યાં હોવાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. ગુજરાતમાં પણ આવા કિસ્સાઓ બનતા રહ્યા છે.
આ વર્ષે માર્ચ મહિનામાં વાપીની એક શાળા આવા જ વિવાદમાં આવી હતી. વાપી ચાણોદની સેન્ટ મેરી સ્કૂલમાં બે બાળકોને એકબીજા સાથે ‘જય શ્રીરામ’ સંબોધન કરવા બદલ માફીપત્ર લખાવ્યું હતું. જોકે, આ મામલો વાલીઓની જાણમાં આવતાં વાલીઓએ હિંદુ સંગઠનો સાથે મળીને વિરોધ કર્યો હતો, જે બાદ શાળાએ માફી માંગી લેવી પડી હતી.
આ ઉપરાંત, વર્ષ 2018માં ભરૂચની એક કોન્વેન્ટ સ્કુલમાં ગૌરી વ્રત કરતી વિદ્યાર્થીનીઓ શાળાએ હાથમાં મહેંદી લગાવીને જતાં તેમને સજા કરવામાં આવી હતી. શાળાના આચાર્યે 40 વિદ્યાર્થીનીઓને લગભગ 4 કલાક સુધી વર્ગખંડની બહાર ઉભી રાખી મૂકી હતી. મામલો સામે આવતાં વાલીઓ, ભાજપ કાર્યકરો, હિંદુ સંગઠનોના કાર્યકરો શાળાએ પહોંચ્યા હતા અને વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ શાળા સંચાલકોએ માફી માંગી લેવી પડી હતી.