તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ સરકારના ભ્રષ્ટાચારની વાત કરી હતી. આ વાતને જાણે સાર્થક કરતા હોય તેમ કોંગ્રેસના ઉમેદવારના ભાઈના ઘરેથી IT રેઇડમાં ખરેખર પૈસાનું ઝાડ મળી આવ્યું હતું. ઇન્કમ ટેક્સ વિભાગે કર્ણાટકના મૈસૂરમાં સુબ્રમણ્ય રાયના ઘરે દરોડા પાડ્યા હતા, જે પુત્તૂર વિધાનસભા ક્ષેત્રથી કોંગ્રેસના ઉમેદવાર અશોક રાયના ભાઈ છે. IT અધિકારીઓને સુબ્રમણ્ય રાયના ઘરમાં એક આંબાના ઝાડમાંથી 1 કરોડ રૂપિયા મળી આવ્યા છે. આ કાર્યવાહીનો એક વિડીયો પણ સામે આવ્યો છે.
ઘટાદાર વૃક્ષમાં સંતાડીને રાખવામાં આવ્યા હતા એક કરોડ રૂપિયા
કર્ણાટકમાં કોંગ્રેસ ઉમેદવારના ભાઈના ઘરે મળી આવેલું પૈસાનું ઝાડ હાલ ચર્ચામાં છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે IT અધિકારીઓ આંબાની ડાળી પર રાખવામાં આવેલા બોક્સ વિશે પૂછપરછ કરી રહ્યા છે. જ્યારે આ બોક્સને ખોલવામાં આવ્યું તો તેમાંથી કડકડતી નોટો મળી આવી હતી. આ રકમ એક કરોડ જેટલી હોવાનું સામે આવ્યું હતું. પૈસાને ખૂબ જ ચાલાકીપૂર્વક ઘટાદાર વૃક્ષમાં છુપાવવામાં આવ્યા હતા. IT વિભાગને એવી જાણકારી મળી હતી કે પરિસરમાં આવા કેટલાય બોક્સ સંતાડીને રાખવામાં આવ્યા છે. સુબ્રમણ્ય રાયના ભાઈ જે પુત્તૂરથી ચૂંટણી લડી રહ્યા છે તે દક્ષિણ કન્નડ જિલ્લામાં આવેલું છે.
#WATCH: IT raid on #Congress candidate’s kin in Mysuru; Rs 1 crore hidden on a tree, seized https://t.co/jJfhT1ePFz #Karnataka #mysuru #viralvideo #KarnatakaAssemblyElection #news #viralnews #dailyupdates pic.twitter.com/Ptyvj21Dgn
— News9 (@News9Tweets) May 3, 2023
કોંગ્રેસ ઉમેદવારના ભાઈના ઘરે દરોડા હજુ ચાલુ છે
સુબ્રમણ્ય રાયના ઘરે હજુ દરોડા ચાલુ છે એટલે આ અંગે સંપૂર્ણ માહિતી હજુ સામે નથી આવી. એક કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા અને કયા હેતુ માટે તેનો ઉપયોગ થવાનો હતો એ પણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં 10 મે, 2023ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજવાની છે એટલે તપાસ એજન્સીઓ ગેરકાયદે નાણાંની હિલચાલ પર નજર રાખી રહ્યું છે. રાજ્યમાં મુખ્ય લડાઈ સત્તારૂઢ ભાજપ, વિપક્ષ કોંગ્રેસ અને સ્થાનિક પાર્ટી JDS (જનતા દળ સેક્યુલર) વચ્ચે થવાની છે.
રાજ્યમાં 309 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા
કર્ણાટકમાં ચૂંટણીને પગલે કોઈ ગેરરીતિઓ ન થાય એટલે તપાસ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. કમિશનના સોર્સ મુજબ, રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 309 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ગત મહિને બેંગલુરુમાં એક ઓટોમાંથી 1 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. આ મામલે બેંગલુરુ પોલીસે બે લોકોની ધરપકડ પણ કરી હતી. બંનેએ આ પૈસા કોઈ કંપનીના છે એવું જણાવ્યું હતું, પણ તેઓ દસ્તાવેજ બતાવી શક્યા ન હતા. તેના એક દિવસ પહેલા જ કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય હેઠળની PSU કંપની WAPCOS (વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી) લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર કુમાર ગુપ્તાના ઘરે દરોડા પડ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સીએ 20 કરોડ રૂપિયાથી વધુ રકમ રિકવર કરી હતી.