કર્ણાટક રાજ્યની કોંગ્રેસ સરકારે રાજ્યમાં સેલ્સ ટેક્સમાં વધારો ઝીંક્યો છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે. જાણવા મળ્યા અનુસાર, પેટ્રોલના ભાવમાં ₹3 પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ₹3.05 પ્રતિ લિટરનો વધારો જોવા મળશે. શુક્રવારે (15 જૂન) એક ગેઝેટ બહાર પાડીને આ બાબતની જાણકારી આપવામાં આવી. નવા ફેરફારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કર્ણાટકની રાજધાની બેંગલોરમાં હાલ પેટ્રોલનો ભાવ ₹99.84 જેટલો છે, જે વધીને ₹102.84 જેટલો થશે. જ્યારે ડીઝલનો નવો ભાવ ₹85.93 થશે, જે હાલ ₹88.95 છે. તમામ ભાવો પ્રતિ લિટરમાં લખવામાં આવ્યા છે.
પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશને જણાવ્યું કે, રાજ્ય સરકારે સેલ્સ ટેક્સમાં ફેરફાર કર્યો હોવાના કારણે આ ભાવ વધારો થશે. આ ટેક્સ રાજ્યની પેટ્રોલિયમ પ્રોડક્ટ પર લગાવવામાં આવે છે. નોટિફિકેશન અનુસાર, પેટ્રોલ પરનો સેલ્સ ટેક્સ 25.92%થી વધીને 29.84% પર પહોંચશે, જ્યારે ડીઝલ પરનો ટેક્સ 14.3%થી વધીને 18.4% પર જશે. આ સેલ્સ ટેક્સના વધારાની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળશે.
Petrol and diesel prices are likely to go up in Karnataka as the state govt revises sales tax by 29.84% and 18.44%.
— ANI (@ANI) June 15, 2024
According to the Petroleum Dealers Association, petrol and diesel prices are likely to go up by Rs 3 and Rs 3.05 approximately in Karnataka pic.twitter.com/rJDinVT6SK
સરકાર દ્વારા એવું કારણ જણાવવામાં આવ્યું છે કે નાના વિભાગ દ્વારા વધુ આવક મેળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તેના કારણે ટ્રાન્સપોર્ટેશનથી માંડીને અન્ય ઘણાં ક્ષેત્રો પર અસર પડી શકે છે.
નોંધવું જોઈએ કે આ ભાવવધારો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે કોંગ્રેસ પાર્ટી તાજેતરમાં જ નવી બનેલી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર કાયમ આર્થિક બાબતોને લઈને આરોપો લગાવતી રહે છે. પરંતુ જ્યારે પોતે જ્યાં શાસન કરે છે તે રાજ્યોની વાત આવે ત્યારે ભાવવધારો ઝીંકી દેવામાં આવે છે. અહીં નોંધવું જોઈએ કે ભૂતકાળમાં વૈશ્વિક સ્થિતિ અને કોરોના મહામારીના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવો ધારવા કરતાં વધુ ઝડપથી વધ્યા હતા ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ધરખમ ઘટાડો કરીને નાગરિકોને રાહત આપી હતી. ત્યારબાદ રાજ્યોને પણ VAT ઘટાડવા માટે અપીલ કરવામાં આવી હતી. પછીથી તમામ ભાજપશાસિત રાજ્યોએ VAT ઘટાડ્યો પણ કોંગ્રેસ સહિતના વિપક્ષોનું જ્યાં શાસન હતું ત્યાં કોઇ ફેરફાર કરવામાં ન આવ્યો.
વાચકોની જાણ માટે, ઈંધણના ભાવ પર કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે. જ્યારે દરેક રાજ્યની સરકાર VAT (વેલ્યૂ એડેડ ટેક્સ) પણ વસૂલતી હોય છે. આ VATનો દર રાજ્ય-રાજ્ય પ્રમાણે અલગ-અલગ હોય છે. એ જ કારણ છે કે રાજ્ય-રાજ્ય પ્રમાણે પેટ્રોલના ભાવ પણ અલગ હોય છે.