જુલાઈ, 2022માં પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન PFI દ્વારા માર્યા ગયેલા ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રવીણ નેત્તારૂના પરિવાર માટે ભારતીય જનતા પાર્ટીએ નવું ઘર બનાવડાવ્યું છે. ઉપરાંત, આ ઘરમાં પ્રવીણની એક મૂર્તિ પણ સ્થાપવામાં આવી છે.
રિપોર્ટ્સ અનુસાર, આ ઘરના નિર્માણમાં 60થી 70 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારે ગામમાં બનાવવામાં આવેલા આ ઘરમાં 27 એપ્રિલે ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ તેમજ ભાજપના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન ગણપતિ હોમ અને સત્યનારાયણ પૂજા યોજવામાં આવી હતી.
ભાજપ નેતા કપિલ મિશ્રાએ એક ટ્વિટ કરીને આ નવનિર્મિત ઘરની તસ્વીરો શૅર કરી હતી. સાથે તેમણે લખ્યું કે, ‘આ બહુ ભાવનાત્મક ક્ષણો છે. પ્રવીણ નેત્તારૂજીના પરિવાર પાસે હવે નવું ઘર છે. આ શક્ય બનાવનારા તમામનો આભાર.’
Very very emotional moment
— Kapil Mishra (@KapilMishra_IND) April 30, 2023
The family of Praveen Nettaru ji has a new home now
Thanks to everyone who supported the cause 🙏 https://t.co/aEtWfAOmNa pic.twitter.com/7MOdGazaPd
આ ઘરનું નિર્માણ 2800 સ્કવેર ફિટમાં કરવામાં આવ્યું છે. જેને નામ આપવામાં આવ્યું છે- પ્રવીણ. નવેમ્બર, 2022માં કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કતીલે આ ઘરનો શિલાન્યાસ કર્યો હતો. જાણવા મળ્યું છે કે, પ્રવીણની હત્યા થઇ તે સમયે તેઓ પરિવાર માટે નવું ઘર બનાવવા માટે વિચાર કરી રહ્યા હતા. હવે તેમનું અધૂરું સપનું આખરે પૂરું થયું છે.
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ પણ આજે પ્રવીણ નેત્તારૂના ઘરની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું, આજે મને શહીદ પ્રવીણ નેત્તારૂજીના નિવાસસ્થાન પર આવવાની તક મળી. જે રીતે SDPI અને PFIના લોકોએ આ દર્દનાક અને નિંદનીય ઘટનાને અંજામ આપ્યો હતો તે નિંદાને પાત્ર છે. અમારી સરકારે PFI અને SDPI પર પ્રતિબંધ મૂક્યો, ઉપરાંત નૃશંસ હત્યા કરનારાઓ સામે કેસ પણ દાખલ થયો અને NIA તેની તપાસ કરી રહી છે.”
#WATCH | Today I got the opportunity to visit the residence of BJP Yuva Morcha leader Praveen Nettaru who was killed by people belonging to SDPI and PFI. Our government has banned SDPI and PFI and has registered cases against the killers of Praveen. The BJP govt has done… pic.twitter.com/0dAIiezgV4
— ANI (@ANI) April 30, 2023
તેમણે ઉમેર્યું કે, “પ્રવીણ હવે આપણી વચ્ચે નથી એ આપણા માટે દુઃખનો વિષય છે અને જેની પૂર્તિ ક્યારેય થઇ શકે તેમ નથી. પરંતુ કર્ણાટકની રાજ્ય સરકાર અને કેન્દ્રની સરકાર સંવેદનશીલ સરકાર છે અને અમે જે કંઈ પણ કરી શકીએ તેમ છીએ તે કર્યું છે. જે લોકો આવી માનસિકતા સાથે કામ કરી રહ્યા છે તેમની સામેનું યુદ્ધ નિર્ણાયક રીતે લડીશું અને પ્રવીણને ન્યાય અપાવીશું. હું અહીં પ્રવીણને શ્રદ્ધાંજલિ આપવા માટે અને તેમના માતા-પિતાને એ જણાવવા માટે આવ્યો હતો કે પાર્ટી અને સરકાર તેમની સાથે છે અને પ્રવીણની શહાદત ક્યારેય એળે નહીં જાય.”
જુલાઈ 2022માં પ્રવીણ નેત્તારૂની હત્યા કરી નાંખવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે 26 જુલાઈ 2022ના રોજ કર્ણાટકના બેલ્લારેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતા પ્રવીણ નેતારૂની હત્યા કરી નાંખવામાં આવી હતી. હત્યા બાદ 27 જુલાઈના રોજ બેલ્લારેના પોલીસ મથકે આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને આમાં PFIની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયના નિર્દેશથી કેસની તપાસ નેશનલ એજન્સી NIAને સોંપવામાં આવી હતી. NIAએ કેસ હાથ પર લઇ 4 ઓગસ્ટે ફરી કેસ દાખલ કર્યો હતો અને પોતાની રીતે તપાસ શરૂ કરી હતી.