અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રણૌત નિર્મિત ફિલ્મ ‘ઈમરજન્સી’ શુક્રવારે (6 સપ્ટેમ્બર) દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ કરવાનું નિર્માતાઓનું આયોજન હતું, પરંતુ સેન્સર બોર્ડ તરફથી મંજૂરી ન મળવાના કારણે ફિલ્મની રિલીઝ પાછળ ઠેલાઈ છે.
કંગના રણૌતે X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, ‘દુઃખ સાથે કહેવું પડે છે કે મારી નિર્દેશ ફિલ્મ ‘ઇમરજન્સી’ પાછળ ઠેલાય ગઈ છે. અમે હજુ પણ સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેશનની રાહ જોઈ રહ્યા છીએ. નવી રિલીઝ તારીખ જલ્દીથી જ જાહેર કરવામાં આવશે. તમારા સહકાર અને ધૈર્ય બદલ આભારી છું.”
With a heavy heart I announce that my directorial Emergency has been postponed, we are still waiting for the certification from censor board, new release date will be announced soon, thanks for your understanding and patience 🙏
— Kangana Ranaut (@KanganaTeam) September 6, 2024
આ ફિલ્મ 1975માં ઇન્દિરા ગાંધીની સરકારે લાગુ કરેલી કટોકટી પર આધારિત છે, જેમાં ઈન્દિરાની ભૂમિકા સ્વયં કંગનાએ ભજવી છે. ફિલ્મનું ટ્રેલર ઑગસ્ટમાં આવ્યું હતું, પરંતુ તે આવતાંની સાથે જ અમુક શીખ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. કંગનાની કંપનીનું કહેવું છે કે સેન્સર બોર્ડે સર્ટિફિકેટ મંજૂર પણ કરી દીધું હતું પરંતુ આ વિરોધના કારણે પીછેહઠ કરવામાં આવી છે. જ્યારે સેન્સર બોર્ડ હજુ પ્રક્રિયા ચાલી રહી હોવાનું રટણ કરી રહ્યું છે.
આ મામલો કોર્ટમાં પણ પહોંચી ચૂક્યો છે. અમુક શીખ સંગઠનોએ મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં અરજી કરીને ફિલ્મ પર ર્કોક લગાવવાની માંગ કરી હતી. જેની ઉપર હાઈકોર્ટે સેન્સર બોર્ડને જલ્દીથી નિર્ણય કરવા માટે નિર્દેશ આપ્યા છે.
બીજી તરફ, ફિલ્મની સહનિર્માતા કંપની ઝી સ્ટુડિયોઝ તાજેતરમાં બૉમ્બે હાઇકોર્ટ પહોંચી હતી અને તાત્કાલિક સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવે તે માટે બોર્ડને નિર્દેશ આપવાની માંગ કરી હતી. પરંતુ મામલો મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં લંબિત હોઈ બૉમ્બે હાઈકોર્ટે તાત્કાલિક કોઇ આદેશ આપ્યો નથી. કોર્ટે જોકે 18 સપ્ટેમ્બર સુધીમાં સેન્સર બોર્ડને આ મામલે નિર્ણય કરવા માટે કહ્યું હતું.
કોર્ટે દરમ્યાન અગત્યની ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ’માત્ર ચેરમેને હસ્તાક્ષર ન કર્યા હોય તેનો અર્થ એ નથી કે ફિલ્મ સર્ટીફાઈડ નથી. એ વિભાગીય કાર્યવાહી છે. તેઓ (સેન્સર બોર્ડ) એવું ન કહી શકે કે અમે ફિલ્મ જોઈ, સીલ પણ કરી દીધી પણ તમારો ચહેરો નથી ગમતો એટલે સર્ટિફાય નહીં કરીએ. આ એવું છે કે ખુલ્લી અદાલતમાં આદેશ પસાર કર્યા બાદ તે ટાઇપ થઈ ગયા પછી હસ્તાક્ષર કરવામાં આવે. અમે જો ખુલ્લી કોર્ટમાં કશુંક કહ્યું ન હોય તો તેની ઉપર હસ્તાક્ષર ન કરી શકીએ.
ઝી સ્ટુડિયોના વકીલે એમ પણ કહ્યું કે, સર્ટિફિકેટ મંજૂર થઈ ગયું છે, પણ આપવામાં આવી રહ્યું નથી, કારણ કે પંજાબ અને દેશના અન્ય કેટલાક ભાગોમાં થોડી અવ્યવસ્થા સર્જાઈ છે. હવે CBFC એક સેન્સર બોડી છે, રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જળવવાનું કામ તેમનું નથી. જેની ઉપર કોર્ટે પણ કહ્યું હતું કે, અમુક જૂથો ફિલ્મ જોયા વગર જ કઈ રીતે નક્કી કરી શકે કે તેમાં વાંધાજનક બાબતો છે. CBFC પાસે આ બધી બાબતો નક્કી કરવાનો કોઇ અધિકાર નથી. માત્ર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ હોય તેનાથી ફિલ્મ રિલીઝ થતી ન અટકાવી શકાય.