Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘અલ્લાહ ને જૂનાગઢ કા ડિમોલિશન કર દિયા…’: અતિવૃષ્ટિ વખતના વિડીયો સાથે સોશિયલ...

    ‘અલ્લાહ ને જૂનાગઢ કા ડિમોલિશન કર દિયા…’: અતિવૃષ્ટિ વખતના વિડીયો સાથે સોશિયલ મીડિયામાં શૅર કરી ભડકાઉ પોસ્ટ્સ, શાહરૂખ-રફીક સહિત ચારની ધરપકડ

    જાણીતાં હિંદુવાદી વક્તા કાજલ હિન્દુસ્તાનીએ આ પ્રકારના અમુક વિડીયો ટ્વિટર પર શૅર કરીને ગુજરાત પોલીસને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેના આધારે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકે FIR દાખલ કરવામાં આવી હતી.

    - Advertisement -

    તાજેતરમાં જૂનાગઢમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાયા બાદ સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ્સ શૅર કરવા બદલ ચાર મુસ્લિમ યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ચારેયે સોશિયલ મીડિયામાં પૂરના વિડીયો શૅર કરીને જૂનાગઢમાં દરગાહનું ડિમોલિશન કરવાના કારણે શહેર પર અલ્લાહે કહેર વરસાવ્યો હોવાની પોસ્ટ્સ કરી હતી.

    જાણીતાં હિંદુવાદી વક્તા કાજલ હિન્દુસ્તાનીએ આ પ્રકારના અમુક વિડીયો ટ્વિટર પર શૅર કરીને ગુજરાત પોલીસ પાસે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેના આધારે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકે મંગળવારે (25 જુલાઈ, 2023) FIR દાખલ કરવામાં આવી હતી. જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

    FIR સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની ફરિયાદના આધારે નોંધવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, તેઓ સોશિયલ મીડિયા પર વૉચ રાખી રહ્યા હતા ત્યારે કાજલ હિન્દુસ્તાની નામનાં યુઝરનું એક ટ્વિટ ધ્યાને આવ્યું હતું, જેમાં તેમણે ગુજરાત પોલીસ અને DGPને ટેગ કરીને હિન્દી ભાષામાં લખ્યું હતું કે, ‘ગુજરાતનું જૂનાગઢ જ્યાં એક તરફ પૂરનો સામનો કરી રહ્યું છે ત્યાં અમુક અસામાજિક તત્વો આ પ્રકારના વિડીયો પોસ્ટ કરી રહ્યા છે અને શહેરનું શાંતિપ્રિય વાતાવરણ બગાડવા અને અરાજકતા સર્જવાના પ્રયાસો કરી રહ્યા છે.’ તેમણે પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. 

    - Advertisement -

    કાજલ હિન્દુસ્તાનીએ આ સાથે વિડીયો પણ પોસ્ટ કર્યા હતા, જેમાં જોવા મળ્યું કે જૂનાગઢમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાતાં શહેરમાં પાણી ફરી વળવાનાં અને જનજીવનને માઠી અસર થઇ હોવાનાં દ્રશ્યો સાથે એડિટિંગ કરીને ‘અલ્લાહુ અકબર’ અને ‘શહીદ જંગ અલીશા પીર કા મજાર ડિમોલિશન, પૂરે જૂનાગઢ કા ડિમોલિશન’ જેવાં વાક્યો લખીને ભડકાઉ પોસ્ટ્સ કરવામાં આવી હતી. ટ્વિટમાં એક મોહમ્મદ પીરઝાદા નામના વ્યક્તિએ કરેલી ફેસબુક પોસ્ટનો સ્ક્રીનશોટ પણ મૂકવામાં આવ્યો હતો, જેમાં તેણે લખ્યું હતું કે- ‘જૂનાગઢ મેં અલી શા પીર કી દરગાહ કા ડિમોલિશન કિયા ગયા થા, આજ અલ્લાહ ને જૂનાગઢ કા હી ડિમોલિશન કર દિયા.’

    શેખ સાબિર નામના એક વ્યક્તિએ ‘જય હો જૂનાગઢ’ નામના ફેસબુક ગ્રુપમાં પોસ્ટ કરીને ભડકાઉ શબ્દો લખ્યા હતા. તેણે લખ્યું કે, ‘જૂનાગઢમાં અલીશા પીરની દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું અને થોડા જ દિવસોમાં આખું જૂનાગઢ સાફ.’ આ સાથે તેણે હિમાચલ પ્રદેશમાંથી મુસ્લિમોને ભગાડી મૂકવામાં આવ્યા હોવાના અને જામનગર અને દ્વારકામાં મજારો અને મસ્જિદોનું ડિમોલિશન કરવામાં આવતાં થોડા દિવસમાં ત્યાં બિપરજોય વાવાઝોડાએ તબાહી સર્જી હોવાના દાવા કર્યા. છેલ્લે લખ્યું કે, ‘આ બધું સંજોગો અનુસાર બન્યું હશે કે કુદરતનો ગેબી સંકેત હશે?’

    આ પ્રકારની ભડકાઉ પોસ્ટનું સંજ્ઞાન લઈને જૂનાગઢ પોલીસે FIR દાખલ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે, આ યુઝરોએ જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલના કારણે તારાજી સર્જાઈ હતી ત્યારે આવા સંવેદનશીલ માહોલનો લાભ લઈને પ્રશાસનની કાયદેસરની કાર્યવાહીનો વિરોધ કરવા અને તેમાં વિક્ષેપ પેદા કરવા માટે લોકોને ગેરમાર્ગે દોર્યા અને રાષ્ટ્રીય એકતા અને જાહેરશાંતિનો ભંગ કરવાના ઇરાદે વાંધાજનક પોસ્ટ્સ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. 

    પોલીસે આ તમામ સામે IPCની કલમ 153A (બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવું), 153B (રાષ્ટ્રીય એકતા વિરુદ્ધ વાત કરવી) અને 505(2) (વિવિધ સમુદાયો વચ્ચે શત્રુતા પેદા કરવાની ભાવના સાથે જુઠ્ઠાણું ફેલાવવું) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ આજે ચારની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમની ઓળખ શાહરૂખ, રફીક, મોહંમદમિયાં સૈયદ અને મોહમ્મદ સાબિર શેખ તરીકે થઇ છે. હાલ તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં