એક તરફ દેશભરમાં ચૂંટણી પરિણામને લઈને ઉત્સુકતા જોવા મળી છે. તો બીજી તરફ AAP નેતા મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે (4 જૂન, 2024) દિલ્હી લિકર પોલિસી સાથે સંબંધિત ED અને CBI દ્વારા તપાસ કરવામાં આવી રહેલા કેસોમાં મનીષ સિસોદિયાની વચગાળાની જામીન અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ED અને CBI દ્વારા અંતિમ ચાર્જશીટ દાખલ કર્યા બાદ મનીષ સિસોદિયા તેમની જામીન અરજી પર વિચારણા માટે ફરીથી વિનંતી કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે AAP નેતા મનીષ સિસોદિયાને ઝટકો આપ્યો છે. કોર્ટે તેમની જામીન અરજી પર સુનાવણીનો ઇનકાર કરી દીધો છે. નોંધનીય છે કે, મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકાર આપીને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અહીંથી પણ તેમને નિરાશા જ મળી છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે કહ્યું કે, ED અને CBI ચાર્જશીટ દાખલ કરી દે, ત્યારબાદ સિસોદિયા ફરીથી જામીન માટે અરજી દાખલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ ED અને CBI તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતા રજૂ થયા હતા. તેમણે કહ્યું કે, એજન્સીઓ 3 જુલાઇ સુધીમાં ચાર્જશીટ દાખલ કરી દેશે.
સિસોદિયાના વકીલે જામીનની કરી હતી માંગણી
સુપ્રીમ કોર્ટેમાં સિસોદિયા તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીનની માંગણી કરતાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી નેતા 15 મહિનાથી કસ્ટડીમાં છે અને આ મામલે હજુ સુધી ટ્રાયલ પણ થયું નથી. જોકે, કોર્ટે એવું કહ્યું કે, સિસોદિયાની જામીન અરજી પર હમણાં કોઈપણ પ્રકારની સુનાવણી થઈ શકશે નહીં. પરંતુ કોર્ટે ચાર્જશીટ દાખલ થયા બાદ નવેસરથી જામીન અરજી કરવા માટેની સ્વતંત્રતા આપી છે. પણ કોર્ટે તે સ્પષ્ટ નથી કર્યું કે, જામીન માટે નવેસરથી અરજી કરવાની પ્રક્રિયા ટ્રાયલ કોર્ટમાં રહેશે કે પછી સુપ્રીમ કોર્ટમાં.
નોંધનીય છે કે, મનીષ સિસોદિયા 26 ફેબ્રુઆરી 2023થી કસ્ટડીમાં છે. સુપ્રીમ કોર્ટની બેન્ચ દિલ્હી હાઈકોર્ટના તાજેતરના આદેશ સામે તેમની અપીલ પર સુનાવણી કરી રહી હતી. દિલ્હી હાઈકોર્ટે 21 મેના રોજ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસના સંબંધમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નોંધાયેલા કેસોમાં આમ આદમી પાર્ટીના (AAP) નેતાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સિંગલ જજ જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ કહ્યું હતું કે, ફરિયાદ પક્ષે મની લોન્ડરિંગનો પ્રથમદર્શી કેસ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, સિસોદિયાનું વર્તન “લોકશાહી સિદ્ધાંતોનો ઘોર વિશ્વાસઘાત” છે, જ્યારે એમ પણ કહ્યું હતું કે ટ્રાયલમાં વિલંબ માટે CBI અને EDને જવાબદાર ઠેરવી શકાય નહીં.
આ કેસમાં આરોપ છે કે દિલ્હી સરકારના અધિકારીઓએ લાંચના બદલામાં કેટલાક વેપારીઓને દારૂના લાયસન્સ આપવા માટે મિલીભગત કરી હતી. આરોપીઓ પર કેટલાક દારૂ વેચનારાઓને ફાયદો પહોંચાડવા માટે એક્સાઇઝ પોલિસીમાં ફેરફાર કરવાનો આરોપ છે. તાજેતરમાં, ટ્રાયલ કોર્ટે CBI અને EDના બંને કેસમાં સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી, ત્યારબાદ આ અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં પણ અરજી ફગાવી દેવામાં આવી હતી, જ્યારે હવે સુપ્રીમ કોર્ટે પણ અરજી પર સુનાવણીનો ઇનકાર કરી દીધો છે.