ઝારખંડના રાંચીના એક ગામની શાળામાં હિંદુ વિદ્યાર્થીનીઓને હથિયારો બતાવીને ધમકાવનાર ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે પોલીસ પાંચમાની શોધખોળ કરી રહી છે. જાણવા મળ્યું છે કે આ આરોપીઓએ ગુનો કબૂલ કરી લીધો છે.
રિપોર્ટ અનુસાર, હિંદુ વિદ્યાર્થીનીઓને ધમકાવનાર આરોપીઓની ઓળખ મુજમ્મિલ અન્સારી, ફિરદૌસ અન્સારી, જમીલ અન્સારી અને તૌફીક અન્સારી તરીકે થઇ છે. જ્યારે સુહેલ નામનો એક આરોપી હજુ પણ ફરાર છે, જેની ધરપકડ માટે હાલ પોલીસ શોધખોળ કરી રહી છે.
આ અંગે રાંચીના એસપી નૌશાદ આલમે જણાવ્યું હતું કે, રાંચીના ઓરમાંઝી વિસ્તારમાં આવેલ શાળાની વિદ્યાર્થીનીઓને ડરાવીને ધમકવનાર અને છેડતી કરનાર 4 યુવકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોલીસ પાંચમાને શોધી રહી છે.
Jharkhand | Four named accused arrested in connection with a case of threatening & eve-teasing of school girls in Ormanjhi area in rural Ranchi. SIT is investigating the case. Efforts underway to arrest the fifth accused: Naushad Alam, SP, Ranchi, Rural
— ANI (@ANI) September 11, 2022
પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આ આરોપીઓ શાળાની દીવાલ કૂદીને જતા હતા અને વિદ્યાર્થીનીઓની છેડતી કરતા હતા. જો તેમને રોકવામાં આવે તો ધમકી પણ આપતા હતા.
શાળાની વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરી હતી કે તેમને નજીકમાં અડ્ડો જમાવીને બેસતા કેટલાક યુવકો દ્વારા હેરાન કરવામાં આવે છે અને જેમાંથી કેટલાક મુસ્લિમ યુવકો એક દિવસ શાળામાં ઘૂસી ગયા હતા અને હથિયારો લહેરાવીને વિદ્યાર્થીનીઓને ધમકાવીને કહ્યું હતું કે, તેઓ તેમની સાથે મિત્રતા નહીં કરે તો ઉઠાવી લઇ જશે.
આ મામલો સામે આવ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ગામલોકોની ફરિયાદના આધારે પોલીસે એક એસઆઈટીની રચના કરીને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે શાળાના સીસીટીવી કેમેરાના ફોટેજ અને મોબાઈલ લોકેશનને આધારે આરોપીઓને ઝડપી લીધા હતા.
તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે આ આરોપીઓએ શાળાના ક્લાર્કને જાનથી મારવાની ધમકી પણ આપી હતી. આ મામલે ક્લાર્ક આશિષ મહતોએ ફરિયાદ લખાવીને જણાવ્યું હતું કે આરોપીઓએ તેમની સામે પિસ્તોલ પણ તાંકી દીધી હતી.
રિપોર્ટ અનુસાર, ઘણા સમયથી વિદ્યાર્થીનીઓને હેરાન કરવામાં આવ્યા બાદ ગત 5 સપ્ટેમ્બરે આરોપીઓએ શાળામાં લગાવવામાં આવેલ જનરેટરમાં નુકસાન કર્યું હતું અને પછી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ સામે હથિયારો ઉઠાવીને ધમકી આપી હતી તો કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે મારપીટ પણ કરી હતી. આ બાબતની જાણ ગામલોકોને થતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ડરી ગયેલી વિદ્યાર્થીનીઓએ આ બાબતની જાણ શિક્ષકો અને વાલીઓને કરી હતી. જે બાદ શાળા પરિસરમાં એક બેઠક પણ થઇ હતી. બેઠક બાદ સમગ્ર મામલે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓનું કહેવું હતું કે લગભગ એક અઠવાડિયાથી આદિવાસી અને અન્ય હિંદુ છોકરીઓને આ પ્રકારે ધમકીઓ આપવામાં આવી રહી છે.