માફિયા અતીક અહેમદ આજે ભલે જેલમાં હોય કે તેનો પુત્ર એન્કાઉન્ટરમાં માર્યો ગયો હોય, પણ એક સમય એવો હતો જ્યારે ઉત્તર પ્રદેશમાં અતીક ભયનો પર્યાય હતો. એવા કેટલાય લોકો છે જેમની જિંદગી આ માફિયાએ છિન્નભિન્ન કરી નાખી હોય. એવી જ એક મહિલા છે સૂરજકલી કુશવાહા ઉર્ફે જયશ્રી. જયશ્રીની ઉંમર 60 વર્ષ છે. તેનો પતિ વર્ષોથી ગાયબ છે. દીકરા પર ફાયરિંગ થઈ ચૂકી છે. ખુદ જયશ્રી પર પણ હુમલો થઈ ચૂક્યો છે છતાં તે 33 વર્ષથી માફિયા અતીક અહેમદ સામે લડી રહી છે.
યુપીના પ્રયાગરાજમાં ઘૂમનગંજ વિસ્તારના ઝલવામાં રહેતી જયશ્રીના પતિ બૃજમોહન કુશવાહા પાસે 12 વીઘાથી વધુ જમીન હતી. જેના પર ખેતી કરીને તેઓ પરિવારનું ભરણપોષણ કરતાં હતા. પરંતુ, એક દિવસ બધું જ બદલાઈ ગયું. જયશ્રીના પતિ ગાયબ થઈ ગયા. આ જમીન પર અતીકે કબજો જમાવી લીધો. જયશ્રી કહે છે કે, અતીકના અબ્બૂ ફિરોઝ પાસે લાલ રંગનું એક ટ્રેક્ટર હતું. આ ટ્રેક્ટરથી ખેડૂતોના ખેતરમાં ખેડાણ અને વાવણી થતી હતી અને બૃજમોહનના ખેતરમાં પણ આ ટ્રેક્ટર ચાલતું હતું. એવામાં આ જમીન જોઈને અતીકના મનમાં લાલચ જાગી. અતીક વતી લેખપાલ માનિકચંદ શ્રીવાસ્તવ નામનો માણસ જયશ્રી પાસે આવ્યો અને તેને કહ્યું કે તેમની જમીન શિવકોટી સહકારી આવાસ સમિતિના નામે નોંધાઈ ગઈ છે.
હકીકતમાં અતીકે શિવકોટી સહકારી સમિતિ બનાવીને જયશ્રીની બધી જમીન પોતાના નામે કરી નાખી હતી. એટલું જ નહીં, અતીકે આમાં બે લોકોને સચિવ બનાવ્યા અને આ જમીનને વેચવાનું શરુ કર્યું. જયશ્રી કહે છે કે, 1989માં એક દિવસ તેનો પતિ અચાનક ગાયબ થઈ ગયો. તેઓ ક્યાં ગયા કોઈને ખબર નથી. તેના થોડા દિવસ પછી જયશ્રીને ખબર પડી કે જેના પર તેમના કુટુંબનું ભરણપોષણ થતું હતું એ જમીન હવે તેમની નથી રહી. જયશ્રીએ પોતાની સાથે થયેલા અન્યાય માટે ગામના લોકોની મદદ માગી અને પોતાની જમીન પાછી લેવા માટે કોર્ટના પગથિયાં ચડ્યા. આ દરમિયાન તેમને ખ્યાલ આવી ચૂક્યો હતો કે આ જમીન હડપવાનો આખો ખેલ અતીક અહેમદનો હતો. પરંતુ જયશ્રીએ હાર ન માની.
જયશ્રીએ જણાવ્યું કે, “આ બધું બન્યું ત્યારે અતીક અહેમદ ધારાસભ્ય હતો. તેણે મને પોતાની ઓફિસમાં બોલાવી અને કહ્યું કે તારો પતિ મારા માટે બહુ ખાસ આદમી હતો. એ હવે નથી રહ્યો. એટલે તારા પરિવારની જવાબદારી હવે મારી છે. પોતાની જમીન મને આપી દો અને ઘરમાં રહો.” જ્યારે જયશ્રીએ અતીકની વાત ન માની ત્યારે અતીક ભડકી ગયો અને જયશ્રીને પણ પતિની જેમ ગાયબ કરી દેવાની ધમકી આપી હતી.
એ પછી જયશ્રીનો પરિવાર અતીકનો દુશ્મન બની ગયો. અતીકની ગેંગે ઘરમાં ઘૂસીને જયશ્રી સાથે મારપીટ કરી, તેમને સતત ધમકીઓ આપતા રહ્યા. જયશ્રીનું કહેવું છે કે તેના ભાઈ પ્રહલાદ કુશવાહાનું વીજ કરંટથી મૃત્યુ થયું એ માટે માફિયા અતીક અહેમદ જવાબદાર છે. છેલ્લા 30 વર્ષમાં તેમના પર 7 વખત હુમલો થઈ ચૂક્યો છે. 2016માં આવા જ એક હુમલામાં તેના દીકરાને ગોળી વાગી હતી. પરંતુ તેનો જીવ બચી ગયો.
જયશ્રી વર્ષો સુધી કોર્ટ અને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવતી રહી પણ અતીક સામે ક્યારેય સુનાવણી ન થઈ. 1991માં અતીક સામે પહેલી એફઆઈઆર થઈ, પણ 2001માં કેસ બંધ કરી નાખવામાં આવ્યો. 2005માં જયશ્રીને મોટી સફળતા મળી. સીલિંગ એક્ટથી મંજૂરી ન મળતાં શિવકોટી સહકારી આવાસ સમિતિનું નામકરણ રદ કરવામાં આવ્યું. એ પછી જમીન જયશ્રીના નામે થઈ ગઈ. વર્ષ 2007માં રાજ્યના રાજકારણમાં પરિવર્તન આવ્યું હતું. આ પછી અતીક વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી અને કાર્યવાહી શરૂ થઈ.
જયશ્રીના વકીલ કેકે મિશ્રાનું કહેવું છે કે આ મામલે કુલ 4 કેસ નોંધાયા છે. પરંતુ તમામ કેસમાં હજુ સુધી પોલીસ તપાસ પણ પૂર્ણ થઈ નથી. અતીક અને અશરફ સિવાય પોલીસે અન્ય કોઈ આરોપીઓ સામે ચાર્જશીટ પણ દાખલ નથી કરી. જયશ્રી અને તેના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને બે જવાન તહેનાત કર્યા છે. જોકે, જયશ્રીના દીકરાઓએ વર્ષ 2020માં લાયસન્સવાળા હથિયાર માટે અરજી કરી હતી, જે હજુ સુધી નથી મળ્યા.