જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે UAPA હેઠળ પકડાયેલા એક ઇમામને જામીન આપતાં કહ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીના જનાજામાં જવું એ વ્યક્તિગત સ્વતંત્રતાનો મામલો છે અને તેને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ ગણી શકાય નહીં. કોર્ટે ઇમામને તેમજ નમાઝ આયોજિત કરનાર અન્ય લોકોને જામીન આપવાના ઈચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો.
જસ્ટિસ અલી મોહમ્મદ માગ્રે અને એમડી અકરમ ચૌધરીની ખંડપીઠે સુનાવણી દરમિયાન બંધારણના અનુચ્છેદ 21નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, માર્યા ગયેલા આતંકવાદીની અંતિક્રિયામાં મોટી સંખ્યામાં લોકોનું સામેલ થવું તેને રાષ્ટ્રવિરોધી ગતિવિધિ ગણી શકાય નહીં કારણ કે બંધારણનો અનુચ્છેદ 21 તેમને વ્યક્તિગત સ્વતંત્રતા આપે છે.
સરકારની અરજી રદ કરતાં ખંડપીઠે કહ્યું કે, મામલાની તપાસ દરમિયાન આરોપીઓ વિરુદ્ધ કંઈ પણ આપત્તિજનક મળ્યું નથી જેનાથી તેમને જમીન આપવાનો ઈનકાર કરી શકાય. જેના કારણે નીચલી કોર્ટનો આરોપીઓને જામીન આપવાનો નિર્ણય બિલકુલ યોગ્ય છે. જે બાદ જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે ઇમામને અને અન્ય લોકોને આપવામાં આવેલ જામીન યથાવત રાખ્યા હતા.
આ મામલો છ મહિના પહેલાંનો છે. જ્યાં અનંતનાગની એક UAPA કોર્ટે ફેબ્રુઆરી મહિનામાં બે જુદી-જુદી જામીન અરજીઓ પર સુનાવણી કરતાં આરોપીઓને જામીન આપ્યા હતા. નીચલી કોર્ટના આ નિર્ણયને સરકારે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જોકે હાઇકોર્ટે પણ તેમના જામીન બરકરાર રાખ્યા છે.
થોડા સમય પહેલાં હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકવાદીને ભારતીય સેનાએ ઠાર માર્યો હતો. ત્યારબાદ આતંકવાદીને દફન કરવા માટે આયોજિત જનાજામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ઘટના બાદ નમાઝ આયોજિત કરનારા ઇમામ સહિત કેટલાક લોકો સામે UAPA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું હતું કે મસ્જિદના ઈમામ જાવિદ અહમદ શાહ દ્વારા જનાજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન નમાજ પણ પઢવામાં આવી હતી. નમાઝ બાદ લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા અને આઝાદી સુધી સંઘર્ષ ચાલુ રાખવા માટેનું એલાન કરવામાં આવ્યો હતો.
આ કેસમાં ટ્રાયલ કોર્ટે મસ્જિદના ઈમામ અને અન્યને પૂરતા પુરાવાના અભાવે જામીન આપ્યા હતા. જામીન આપવાના નીચલી અદાલતના આદેશને યથાવત રાખતી વખતે હાઇકોર્ટે નોંધ્યું કે ટ્રાયલ કોર્ટે અરજીનો નિર્ણય કરતી વખતે આદેશમાં કરેલા તેનાં અવલોકનો યોગ્ય હતાં.
આ કેસમાં કુલગામના દેવસર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં UAPA હેઠળ મસ્જિદના ઈમામ સહિત 10 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું હતું કે આતંકી માર્યા ગયા બાદ તેના ગામના મોહમ્મદ યુસુફ ગનાઈએ લોકોને ઉશ્કેર્યા હતા. જેમાં ઈમામે ઉશ્કેરણીજનક ભાષણ પણ આપ્યું હતું.