ઈસ્લામિક આતંકવાદી સંગઠન હમાસે હુમલો કરી દીધા બાદ હવે ઇઝરાયેલે જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઇઝરાયેલ સેનાનાં વિમાનો ગાઝા પટ્ટી સ્થિત હમાસનાં ઠેકાણાંને નિશાન બનાવી રહ્યાં છે. બીજી તરફ, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક રાષ્ટ્રજોગ સંદેશ જારી કરીને આતંકવાદીઓને ચેતવણી આપી છે.
પીએમ નેતન્યાહુએ ઈઝરાયેલના નાગરિકોને સંબોધીને કહ્યું, “આપણે યુદ્ધની સ્થિતિ વચ્ચે ઉભા છીએ. કોઇ ઓપરેશન નહીં, યુદ્ધ. આ સવારે હમાસે ઇઝરાયેલ અને તેના નાગરિકો પર ઘાતકી હુમલો કરી દીધો હતો, જેની સામે આપણે સવારથી લડી રહ્યા છીએ. મેં સુરક્ષા અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. સૌથી પહેલાં જે આતંકવાદીઓ ઘૂસી આવ્યા છે તેમનો સફાયો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હાલ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.”
Prime Minister Netanyahu: Citizens of Israel – we are at war. pic.twitter.com/sfoFd5W2Ld
— Hananya Naftali (@HananyaNaftali) October 7, 2023
તેમણે ઉમેર્યું કે, “પૂરેપૂરી તાકાતથી દુશ્મનઓએ ક્યારેય વિચાર્યું ન હોય તેવી ભાષામાં આપવામાં આવશે. દુશ્મનોએ ભારે કિંમત ચૂકવવી પડશે. આપણે યુદ્ધનો સામનો કરી રહ્યા છીએ અને તેને જીતીશું પણ.” આ સાથે તેમણે ઈઝરાયેલના નાગરિકોને સેનાની સૂચનાઓનું પાલન કરવા માટે પણ અપીલ કરી હતી.
હમાસને જવાબ આપવા માટે ઇઝરાયેલની સેનાએ ‘ઑપરેશન સ્વોર્ડસ ઑફ આયરન’ લૉન્ચ કર્યું છે. મોટાપાયે લૉન્ચ કરવામાં આવેલા આ ઓપરેશન હેઠળ ઇઝરાયેલ સેના હમાસનાં ઠેકાણાંને નિશાન બનાવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સેના ગાઝા સ્થિત હમાસના આતંકીઓના કેમ્પો ઉડાવતી જોવા મળે છે.
⚔️Swords of Iron⚔️
— Israel Defense Forces (@IDF) October 7, 2023
The IDF is initiating a large-scale operation to defend Israeli civilians against the combined attack launched against Israel by Hamas this morning. pic.twitter.com/O2fuWjFvNb
બીજી તરફ, હમાસે ઇઝરાયેલ પર કરેલા હુમલામાં અત્યાર સુધીમાં કુલ 22 લોકોનાં મોત થયાં છે. ઈઝરાયેલના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, આ હુમલામાં ઘાયલ થયેલા કુલ 545 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 70 લોકોની સ્થિતિ ગંભીર છે. તેને જોતાં હજુ પણ મૃતકોનો આંકડો વધવાની સંભાવના છે.
આ પરિસ્થિતિમાં કોઇ વિપક્ષ નહીં, આતંકવાદ પર પ્રહાર કરે સરકાર, અમારું પૂરેપૂરું સમર્થન: ઈઝરાયેલના વિપક્ષ નેતાઓ
આતંકી હુમલા અને સેનાની કાર્યવાહી વચ્ચે ઇઝરાયેલની વિપક્ષી પાર્ટીઓના નેતાઓનાં નિવેદનો પણ સામે આવ્યાં છે. તમામ વિપક્ષી પાર્ટીના નેતાઓએ એક સંયુક્ત નિવેદન જારી કરીને આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો અને સેનાની કાર્યવાહીનું સમર્થન કર્યું હતું.
વિપક્ષી નેતાઓએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આવી પરિસ્થિતિમાં ઈઝરાયેલમાં કોઈ વિપક્ષ નહીં અને કોઇ વાદવિવાદ નહીં હોય. આતંકવાદ સામે આપણે સૌ એક છીએ અને તેની સામે પૂરેપૂરી શક્તિથી પ્રહાર કરવાની જરૂર છે.” નિવેદનમાં હમાસ અને તેની સાથે સક્રિય તમામ આતંકી સંગઠનો સામે સખ્તાઈથી કાર્યવાહી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આગળ જણાવ્યું કે, આતંકવાદ સામે વૈશ્વિક સમુદાય એક થાય તે જરૂરી છે. અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ સેનાની સૂચનાઓનો અમલ કરે અને પોતાનું ધ્યાન રાખે. સૌ સાથે મળીને આપણે આતંકવાદનો નાશ કરી શકીશું.”