Saturday, November 23, 2024
More
    હોમપેજદુનિયાઆખરે ઈઝરાયેલમાં બની સંયુક્ત સરકાર, હમાસને ખતમ કરવા સાથે આવ્યાં સરકાર-વિપક્ષ: વૉર...

    આખરે ઈઝરાયેલમાં બની સંયુક્ત સરકાર, હમાસને ખતમ કરવા સાથે આવ્યાં સરકાર-વિપક્ષ: વૉર કેબિનેટની પણ રચના

    આ યુનિટી ગર્વમેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધના સમયે અસરકારક કામ કરવાનો છે. ખાસ કરીને સૈન્ય સ્તરે ત્વરિત અને અસરકારક નિર્ણયો લઇ શકાય તે માટે સરકાર અને વિપક્ષ સાથે મળીને કામ કરશે. 

    - Advertisement -

    આતંકવાદી સંગઠન હમાસ સામે યુદ્ધ જાહેર કર્યા બાદ ઈઝરાયેલમાં હવે એક ‘ઇમરજન્સી યુનિટી ગવર્મેન્ટ’ની રચના કરવામાં આવી છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને વિપક્ષી નેતા અને પૂર્વ રક્ષા મંત્રી બેની ગેન્ટ્ઝ વચ્ચે બેઠક મળી હતી, જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો. આ બાબતે પુષ્ટિ માટે ઇઝરાયેલ સરકારની રાહ જોવામાં આવી રહી છે પરંતુ ગેન્ટ્ઝની પાર્ટી નેશનલ યુનિટી પાર્ટીએ આધિકારીક નિવેદન જારી કરીને ઘોષણા કરી દીધી છે. 

    રિપોર્ટ્સ અનુસાર, નેતન્યાહુ અને ગેન્ટ્ઝ વચ્ચે તેલ અવીવ સ્થિત મીલીટરી હેડક્વાર્ટર્સમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં સાથે મળીને કામ કરવા માટે સહમતી બની. અગાઉ ચર્ચા ચાલતી હતી કે આ સંયુક્ત સરકારમાં પૂર્વ પીએમ યૈર લેપિડને પણ સામેલ કરવામાં આવશે. પરંતુ ટાઈમ્સ ઑફ ઇઝરાયેલના રિપોર્ટ અનુસાર, તેમને હાલ બાકાત રાખવામાં આવ્યા છે. આ સિવાય પૂર્વ રક્ષામંત્રી એવિગ્દોર લિબરમેને પણ સરકારમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું હતું કે સરકાર જો આશ્વાસન આપે કે તેઓ હમાસના સંપૂર્ણ નાશ માટે તૈયાર છે તો અમે પણ સરકારમાં સામેલ થઈશું. જોકે, હાલ તેમને પણ સામેલ કરવામાં આવ્યા નથી. 

    બનાવાઇ વૉર કેબિનેટ, યુદ્ધને લગતા નિર્ણયો કરશે

    આ યુનિટી ગર્વમેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધના સમયે અસરકારક કામ કરવાનો છે. ખાસ કરીને સૈન્ય સ્તરે ત્વરિત અને અસરકારક નિર્ણયો લઇ શકાય તે માટે સરકાર અને વિપક્ષ સાથે મળીને કામ કરશે. 

    - Advertisement -

    વિપક્ષી નેતા ગેન્ટ્ઝે આ સમય દરમિયાન એક ‘વૉર કેબિનેટ’ રચવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેના હાથમાં યુદ્ધને લગતા તમામ નિર્ણયો હશે. તેમણે કહ્યું કે, તેમાં વડાપ્રધાન અને મંત્રીઓ સાથે વિપક્ષના બે નેતાઓનો સમાવેશ કરવામાં આવે, જેમને સેનાનો સૌથી વધુ અનુભવ છે. ઉલ્લેખનીય છે કે ગેન્ટ્ઝ અને તેમની પાર્ટીના નેતા ગેદી આઇસનકોટ બંને ઇઝરાયેલ સેનાના પ્રમુખ રહી ચૂક્યા છે. જ્યારે ગેન્ટ્ઝ ભૂતકાળમાં રક્ષા મંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. 

    રિપોર્ટ્સ અનુસાર, પીએમ નેતન્યાહુએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે અને હમાસ સામે લડવા માટે એક વૉર કેબિનેટની રચના કરવાની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ કેબિનેટમાં ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ, રક્ષામંત્રી ગેલન્ટ અને વિપક્ષ નેતા ગેન્ટ્ઝને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે ગેન્ટ્ઝની પાર્ટીના ગેદી આઇસનકોટ અને મંત્રી રોન ડર્મર ઓબ્ઝર્વર તરીકે કામ કરશે. 

    સિક્યુરિટી કેબિનેટમાં હશે પાંચ વિપક્ષી પાર્ટીના સભ્યો

    આ સિવાય, સહમતી બન્યા અનુસાર યુદ્ધ ચાલે ત્યાં સુધી ઇઝરાયેલ સરકારની સિક્યુરિટી કેબિનેટમાં બેની ગેન્ટ્ઝની નેશનલ યુનિટી પાર્ટીના પાંચ સભ્યોને સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત, એ મુદ્દે પણ સહમતિ બની છે કે આ સિક્યુરિટી કેબિનેટ અને વૉર કેબિનેટનું સંપૂર્ણ ધ્યાન યુદ્ધ પર જ હશે અને આ દરમિયાન તે સિવાયના અન્ય કોઇ વિષયને લગતા ઠરાવો કે પ્રસ્તાવો પસાર કરવામાં નહીં આવે. 

    ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલ પર આતંકી સંગઠન હમાસે હુમલો કરી દીધા બાદ ઇઝરાયેલી સેનાએ એક વિશેષ ઑપરેશન લૉન્ચ કર્યું હતું. બીજી તરફ, સિક્યુરિટી કેબિનેટે આધિકારિક રીતે યુદ્ધનું પણ એલાન કરી દીધું હતું. ત્યારથી જ વિપક્ષી પાર્ટીના નેતાઓ મતભેદો ભૂલીને સરકાર સાથે આવ્યા છે. અવારનવાર આ નેતાઓએ સરકારને સમર્થન વ્યક્ત કરીને એક સંયુક્ત સરકારની રચના પર ભાર મૂક્યો હતો, જેથી અસરકારકતાથી કામ થઈ શકે. આખરે આપતકાલીન સરકાર બનાવી દેવામાં આવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં