ઈઝરાયેલ પર હુમલો કરનાર ઇસ્લામી આતંકવાદી સંગઠન હમાસના આતંકીઓ ક્રૂરતાની હદ વટાવતાં કૃત્યોને અંજામ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓ સેંકડો ઇઝરાયેલી નાગરિકોને મારી ચૂક્યા છે, જેમાં તેમણે પ્રાણીઓ અને નાનાં બાળકોને પણ છોડ્યાં નથી. તાજા અહેવાલો અનુસાર, આતંકવાદીઓએ ગાઝા પટ્ટી નજીકના ઈઝરાયેલના એક ગામમાં 40 જેટલાં બાળકોની હત્યા કરી નાખી હતી.
આ ઘટના ગાઝા પટ્ટી પાસે આવેલા ગામ કફર અજામાં બની હતી. આ ગામ હમાસના હુમલાથી સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રમાં આવેલું છે. અહીં આતંકવાદીઓ ઘૂસી આવ્યા હતા અને ઇઝરાયેલી નાગરિકોને તેમના ઘરમાં ઘૂસી જઈને માર્યા હતા. અહીં તેમણે બાળકોને પણ ન છોડ્યાં અને અમુકને ગોળી મારીને હત્યા કરી નાખી તો એક પત્રકારે દાવો કર્યો છે કે અમુક બાળકોનાં ગળાં પણ કાપી નાખ્યાં હતાં.
આ આતંકવાદીઓનો સફાયો કર્યા બાદ ઇઝરાયેલી સેના ગામમાં પહોંચી ત્યારે તેમને ઠેરઠેર માર્યા ગયેલા નાગરિકોના મૃતદેહો જ જોવા મળ્યા. તેની સાથે જ મીડિયાને પણ પ્રવેશ આપવામાં આવ્યો, જેમના કેમેરાથી આખી દુનિયાએ હમાસના આતંકીઓની ક્રૂરતા જોઈ.
40 babies murdered. pic.twitter.com/70rpzI8isP
— Israel ישראל 🇮🇱 (@Israel) October 10, 2023
I24ની એક પત્રકાર નોકોલે ઝેડેકે લાઈવ ટીવીમાં જણાવ્યું હતું કે, “અહીં અમુક સૈનિકો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે તેમને ઘણા મૃતદેહો મળ્યા છે, જેમાં બાળકો પણ સામેલ છે. અમુકનાં માથાં ધડથી અલગ કરી દેવામાં આવ્યાં છે. ઘરમાં ઊંઘેલા લોકોને તેમના બેડ પર જ ગોળી મારી દેવામાં આવી હતી.”
પત્રકાર નોકોલે ઝેડેકે, જેમણે સૌપ્રથમ અહેવાલ આપ્યા હતા, તેણે સ્પષ્ટતા જારી કરીને કહ્યું કે આ વિસ્તારમાં મૃત્યુનો ચોક્કસ આંકડો અજ્ઞાત છે. હત્યાકાંડના સ્થળે જમીન પરથી રિપોર્ટિંગ કરતી વખતે, તેણે કહ્યું કે તેને સૈનિકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે મૃતકોમાં 40થી વધુ બાળકો શામેલ હોઈ શકે છે. પરંતુ ચોક્કસ સંખ્યા હજુ સામે નથી છે.
જ્યારે ઉપલબ્ધ વિગતો દર્શાવે છે કે બાળકોની હત્યા કરવામાં આવી હોવાના દાવાઓ વિશ્વસનીય લાગે છે, છતાંય તે હજુ સુધી અસ્પષ્ટ છે કે શું હમાસે ખરેખર બાળકોને લાઇનમાં બેસાડી અને તેમના માથા કાપી નાખ્યા હતા. આ સંદર્ભમાં કેટલાક મીડિયા અહેવાલો અપ્રમાણિત હોઈ શકે છે.
આ ઘટનાને લઈને ઇઝરાયેલી મેજર જનરલ ઈટાઈ વેરુવે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, “તમે જુઓ….બાળકો, તેમનાં માતા-પિતા, તેમના બેડરૂમમાં જ આતંકવાદીઓએ તેમને મારી નાખ્યા. આ યુદ્ધ નથી, આ રણમેદાન નથી, આ નરસંહાર છે. આ આતંક છે.” તેમણે ઉમેર્યું, “આવું મેં જીવનમાં ક્યારેય જોયું નથી. આવું તો વડવાઓ પાસેથી યુરોપમાં થયેલા નરસંહારની વાતો સાંભળીને માત્ર કલ્પના જ કરી હતી, આવું આજના સમયમાં થઈ શકે નહીં.”
GRAPHIC WARNING⚠️ DEVASTATING: Corpses of Israeli Man, women and children who were burned alive by Hamas Palestinian terrorists. Hamas = ISIS. pic.twitter.com/1fyEjlqv0a
— Hananya Naftali (@HananyaNaftali) October 10, 2023
અન્ય પણ અમુક તસવીરો સામે આવી છે, જેમાં જીવતા સળગાવાયેલા ઇઝરાયેલી નાગરિકોના મૃતદેહો જોવા મળે છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. આતંકવાદીઓએ તેમને જીવતાં સળગાવી દીધાં હતાં. તેમના સળગી ગયેલા મૃતદેહોની તસવીરોએ આખા વૈશ્વિક સમુદાયને વિચલિત કર્યો છે.
ઇઝરાયેલ અને ગાઝા પટ્ટીનું સંચાલન કરતા આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે છેલ્લા ચારેક દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. 7 ઓક્ટોબરના રોજ હમાસે અચાનક ઇઝરાયેલ પર હુમલો કરી દીધો હતો અને અનેક નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા હતા. ત્યારબાદ ઈઝરાયેલે વળતો જવાબ આપવા માટે યુદ્ધનું એલાન કર્યું અને કાઉન્ટર ટેરર ઑપરેશન લૉન્ચ કરી દીધું હતું. જેના ભાગરૂપે ગાઝામાં અનેક આતંકીઓનાં ઠેકાણાં ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં હતાં. હાલ પણ ઇઝરાયેલની કાર્યવાહી સતત ચાલી રહી છે. સેનાનું કહેવું છે કે તેમણે ગાઝા બોર્ડર સીલ કરી દીધી છે અને હવે ઇઝરાયેલમાં જેટલા હમાસના આતંકવાદીઓ છુપાયેલા છે તેમને શોધી કાઢીને ખતમ કરવામાં આવશે. બીજી તરફ, ગાઝામાં ઈંધણ, પાણી, ભોજન, વીજળી તમામ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરથી ઇઝરાયેલની વાયુસેના સતત બૉમ્બમારો કરીને આતંકી ઠેકાણાં સાફ કરી રહી છે.