અમેરિકાએ સીરિયામાં સક્રિય આતંકવાદી સંગઠન ISISના ટોચના આતંકવાદીને એક ડ્રોન હુમલામાં ઠાર કર્યો હોવાનો દાવો કર્યો છે. માર્યા ગયેલા ISIS આતંકવાદીનું નામ ઓસામા અલ-મુહાજિર છે. 9 જુલાઈ (રવિવાર)ના રોજ યુએસ સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઓપરેશન 7 જુલાઈ, 2023ના રોજ હાથ ધરવામાં આવ્યું હતું. આ એન્કાઉન્ટરના ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા છે. અમેરિકાએ રશિયાના ફાઈટર જેટ્સ પર તેના મિશનમાં અવરોધ ઉભો કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
મીડિયા અહેવાલો અનુસાર, શુક્રવારે (7 જુલાઈ) યુએસે રીપર ડ્રોન MQ-9 વડે આતંકવાદીઓની જાસૂસી માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન રસ્તામાં તેનો સામનો રશિયન ફાઈટર જેટ સાથે થયો હતો. આરોપ છે કે રશિયન જહાજોએ અમેરિકન ડ્રોનને લગભગ 2 કલાક સુધી હેરાન કર્યાં. બે કલાક પછી અમેરિકી ડ્રોનને એલેપ્પો વિસ્તારમાં ISIS આતંકવાદી ઓસામા અલ-મુહાજિર મળી આવ્યો હતો. તે બાઈક લઈને ક્યાંક ભાગી રહ્યો હતો. અમેરિકી ડ્રોને નિશાન તાંક્યું અને મુહાજિરને ઠાર કર્યો હતો.
U.S. airstrike targets ISIS leader in eastern Syriahttps://t.co/RtzKlBhXKE pic.twitter.com/A6IFnUGlXB
— U.S. Central Command (@CENTCOM) July 9, 2023
અમેરિકાએ જણાવ્યું કે ઠાર કરાયેલ આતંકવાદી અલ-મુહાજિર ઉત્તર-પશ્ચિમ તેમજ સીરિયાના પૂર્વ વિસ્તારમાં સક્રિય હતો. અમેરિકાએ એ પણ માહિતી આપી છે કે અલ-મુહાજિરની હત્યા દરમિયાન કોઈ સામાન્ય નાગરિકનું મોત થયું નથી કે કોઈને ઇજા પણ પહોંચી નથી. અમેરિકાએ પણ સત્તાવાર રીતે રશિયન સૈન્યની ટીકા કરીને તેમના વલણને બેજવાબદાર ગણાવ્યું હતું. સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડરે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહ્યું છે કે તેઓ સીરિયામાં ISISના આતંકવાદીઓને કોઈપણ કિંમતે હરાવશે.
અમેરિકાનું માનવું છે કે સીરિયા અને ઈરાકમાં ISISની આતંકી પ્રવૃતિઓ પહેલાં કરતાં ઘણી ઓછી થઈ ગઈ છે. જોકે, તે બાકીના આતંકવાદીઓને પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા માટે જોખમ માને છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઘણા આતંકવાદીઓ હજુ પણ હુમલાની યોજનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.