મૂળ ગુજરાતના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે જ્યારે તેમની પત્નીનો બુરખા વગરનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો ત્યારે તે જોઇને ઈસ્લામિક કટ્ટરપંથીઓ તેમના પર ભડકી ઉઠ્યા હતા. ઇસ્લામી કટ્ટરપંથીઓએ તેમને ઇસ્લામ અને દીનના પાઠ ભણાવવાનું શરૂ કર્યું હતું. આ પહેલીવાર હતું જ્યારે ઈરફાન પઠાણે તેમની પત્નીનો ચહેરો ઢાંક્યા વગરનો ફોટો પોસ્ટ કર્યો હતો.
Infinite roles mastered by one soul – mood booster, comedian, troublemaker, and the constant companion, friend, and mother of my children. In this beautiful journey, I cherish you as my wife. Happy 8th my love ❤️ pic.twitter.com/qAUW8ndFAJ
— Irfan Pathan (@IrfanPathan) February 3, 2024
આ ફોટો ઈરફાન પઠાણે પોતાની 8મી નિકાહ વર્ષગાંઠ પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે પત્નીની પ્રશંસા કરીને સતત સહકાર આપવા બદલ પત્નીનો આભાર માન્યો અને વર્ષગાંઠની શુભકામનાઓ પાઠવી હતી.
પણ ઈરફાન પઠાણે તેની પત્ની સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો તે ઈસ્લામિક કટ્ટરપંથીઓને પસંદ પડ્યું નહિ. તેમની પત્ની સાથે પોસ્ટ કરાયેલ ફોટો જોઈને મોટી સંખ્યામાં કટ્ટરવાદીઓએ તેઓને ઈસ્લામ અને દીન વિશે શીખવવાનું અને તેમની પત્ની પર ટિપ્પણી કરવાનું શરૂ કર્યું.
એક યુઝરે લખ્યું, “મુસ્લિમ ખાતૂને હિજાબમાં રહેવું જોઈએ.”
બીજાએ સલાહ આપીને લખ્યું કે, “એક મુસ્લિમ હોવાના નાતે તેનો ફોટો જાહેરમાં પોસ્ટ કરશો નહીં.”
ત્યારબાદ એક યુઝરે તો બંને ભાઈઓની સરખામણી કરી નાખી અને તેમના ભાઈ યુસુફ પઠાણનો તેમની પત્ની સાથેનો ફોટો પોસ્ટ કર્યો. જેમાં યુસુફ પઠાણની પત્નીએ બુરખો પહેર્યો છે. તેમાં લખ્યું હતું, “એટલે જ તારો ભાઈ તારા કરતા સારો છે.”
એક યુઝરે તેમને પૂછ્યું કે, આટલા લાંબા સમય સુધી પરદામાં હતા, તો હવે બતાવવાની શું જરૂર હતી?
ઈરફાન પઠાણની પત્નીનું નામ સબા બેગ છે. જે પહેલાં એક મોડલ હતી. તેમનો ઉછેર સાઉદી અરેબિયામાં થયો છે. સબા બેગના નિકાહ 4 ફેબ્રુઆરી, 2016ના રોજ ઈરફાન પઠાણ સાથે થયા હતા. ઈરફાન સાથેના લગ્ન પછી સબાએ મોડલિંગના કરિયરને છોડી દીધું હતું.
અહેવાલો અનુસાર, વર્ષ 2014માં તેમની મુલાકાત ઈરફાન પઠાણ સાથે થઇ હતી. આ પછી બંને વચ્ચે નિકટતા વધવા લાગી, અને બંનેએ 2016માં નિકાહ કર્યા હતા. જ્યારે સબાએ ઈરફાન સાથે નિકાહ કર્યા ત્યારે તે માત્ર 21 વર્ષની હતી. તેની અને ઈરફાનની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે. ઈરફાન અને સબાને ડિસેમ્બર 2016માં ઈમરાન ખાન નામનો પુત્ર થયો હતો.
અત્યાર સુધી ઈરફાન પઠાણે તેમની પત્નીના એવા ફોટા પોસ્ટ કર્યા નથી જેમાં તેમનો ચહેરો દેખાતો હોય. આ પહેલાં પોસ્ટ કરાયેલા ફોટામાં તેમની પત્નીનો ચહેરો બુરખા અથવા તેના હાથથી ઢંકાયેલો રહેતો હતો. કટ્ટરપંથીઓ અનુસાર, ઇસ્લામમાં મહિલાઓને જાહેર સ્થળોએ તેમના ચહેરાને ઢાંકવાની સૂચના આપવામાં આવી છે. આ પહેલાં મોહમ્મદ શમીની પુત્રી દ્વારા સરસ્વતી પૂજા અને અભિનેત્રી સારા અલી ખાનના મહાદેવ મંદિરમાં જવાને લઈને પણ ઈસ્લામિક કટ્ટરપંથીઓએ હંગામો મચાવ્યો હતો.