ભારતીય નૌકાદળ દિવસેને દિવસે પોતાની શક્તિઓમાં વધારો કરી રહ્યું છે. નવા-નવા જહાજો નેવીમાં ઉમેરવામાં આવી રહ્યા છે. આવું જ એક જહાજ ‘INS સુરત’ પણ ભારતીય નૌકાદળની શાન બનવા જઈ રહ્યું છે. આ યુદ્ધજહાજનું નામ ગુજરાતના સુરત શહેરના નામ પર રાખવામાં આવ્યું છે. આ પ્રથમ જહાજ હશે જેને ગુજરાતના કોઈ શહેરનું નામ મળ્યું હોય. સોમવારે (6 નવેમ્બરે) રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત ખાતેથી આ યુદ્ધજહાજનું અનાવરણ કરવા જઈ રહ્યા છે. આ પ્રસંગે નૌકાદળના વડા એડમિરલ આર. હરિકુમાર તથા અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
ગુજરાત માટે ગર્વની ક્ષણ : ભારતીય નેવીમાં પહેલીવાર યુદ્ધ જહાજને સુરત નામ અપાશે, આજે ઉદઘાટન#INSSurat #surat #GujaratiNews #IndianNavy https://t.co/4a6iTC2pFu
— Zee 24 Kalak (@Zee24Kalak) November 6, 2023
સોમવાર (6 નવેમ્બર)ના રોજ ભારતીય નૌકાદળમાં એક નવું યુદ્ધજહાજ ઉમેરવામાં આવી રહ્યું છે. જેનું નામ ‘INS સુરત’ રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેનું અનાવરણ કરવા જઈ રહ્યા છે. ‘INS સુરત’ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ગત વર્ષે જહાજના નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારના જણાવ્યા અનુસાર હાલ 130 સરફેસ વોરશીપ તથા 67 વધારાના યુદ્ધજહાજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે.
શું છે INS સુરત?
INS સુરત એક ગાઇડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર યુદ્ધજહાજ છે. જેને બ્લૉક નિર્માણ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે, જેમાં બે અલગ-અલગ ક્ષેત્રોમાં નિર્માણ કરીને મુંબઈમાં તૈયાર કરવામાં આવ્યું હતું. ‘સુરત’ પ્રોજેક્ટ 15B વિધ્વસંક સિરીઝનું ચોથું જહાજ છે. INS સુરતનું નામ ગુજરાતના મુખ્ય શહેરોમાંના એક અને ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરત પરથી પાડવામાં આવ્યું છે. આ યુદ્ધજહાજની ડિઝાઇન નૌકાદળના DND દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જ્યારે તેમનું બાંધકામ MDL, મુંબઈ ખાતે થયું છે.
નોંધનીય છે કે 16મીથી 18મી સદી સુધી સુરત સમુદ્ર માર્ગે વ્યાપારનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું. સાથે જ સુરત જહાજોના નિર્માણમાં અગ્રેસર ગણાતું હતું. સુરતના નિર્મિત જહાજો 100થી વધુ વર્ષોની આવરદા ધરાવતા હતા. આ બધી બાબતોને ધ્યાને લઈને આ યુદ્ધજહાજનું નામ ‘INS સુરત’ રાખવામાં આવ્યું છે. જે ગુજરાત માટે ખૂબ ગૌરવની વાત છે.
2022માં કરાયું હતું લૉન્ચ
ઉલ્લેખનીય છે કે 17 મે, 2022ના રોજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે મુંબઈના મઝગાંવ ડૉકયાર્ડ ખાતેથી ભારતીય નૌકાદળના બે યુદ્ધજહાજ INS સુરત અને INS ઉદયગિરી લૉન્ચ કર્યા હતા. INS સુરત P15B શ્રેણીનું ગાઇડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે, જ્યારે INS ઉદયગિરિ P17A કલાસનું સ્ટીલ્થ ફ્રિગેટ છે. જેમાંના એક યુદ્ધજહાજ ‘INS સુરત’નું સોમવારે (6 નવેમ્બરે) ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ થવા જઈ રહ્યું છે.