કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે (18 ઓગસ્ટ, 2023) કર્ણાટકના બેંગ્લોરમાં દેશની પહેલી 3D પ્રિન્ટેડ ટેક્નોલોજીથી નિર્મિત પોસ્ટ ઑફિસનું ઉદ્ઘાટન કર્યું હતું.
The spirit of Aatmanirbhar Bharat!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 18, 2023
🇮🇳India’s first 3D printed Post Office.
📍Cambridge Layout, Bengaluru pic.twitter.com/57FQFQZZ1b
કેન્દ્રીય મંત્રીએ પોતાના X (અગાઉનું ટ્વિટર) અકાઉન્ટ પરથી એક વિડીયો પણ શૅર કર્યો, જેમાં પોસ્ટ ઑફિસના બાંધકામથી માંડીને તેના ઉદ્ઘાટનની ઝલક આપવામાં આવી હતી. સાથે તેમણે ‘આત્મનિર્ભર ભારત’નો ઉલ્લેખ પણ કર્યો. ફોટો-વિડીયોમાં દેશની પહેલી 3D પ્રિન્ટેડ પોસ્ટ ઑફિસ આકર્ષક લાગે છે તેમજ અંદરનો ભાગ પણ ભવ્ય બનાવવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઉપલબ્ધિની નોંધ લીધી અને ટ્વિટ કર્યું હતું. વડાપ્રધાને X પર પોસ્ટ કરતાં લખ્યું, ‘બેંગ્લોર કેમ્બ્રિજ લે-આઉટ ખાતે બનેલી ભારતની પહેલી 3D પ્રિન્ટેડ પોસ્ટ ઑફિસ જોઈને દરેક ભારતીયને ગર્વ થશે. દેશની પ્રગતિ અને નાવીન્યનું પ્રમાણ આપતી આ પોસ્ટ ઑફિસ આત્મનિર્ભર ભારતની ભાવનાને પણ મૂર્તિમંત કરે છે. પોસ્ટ ઑફિસના નિર્માણમાં જેમણે પણ પરિશ્રમ કર્યો છે તેમને અભિનંદન.’
Every Indian would be proud to see India's first 3D printed Post Office at Cambridge Layout, Bengaluru. A testament to our nation's innovation and progress, it also embodies the spirit of a self-reliant India. Compliments to those who have worked hard in ensuring the Post… pic.twitter.com/Y4TrW4nEhZ
— Narendra Modi (@narendramodi) August 18, 2023
ઉદ્ઘાટન પ્રસંગે રેલ મંત્રીએ કહ્યું કે, “3D પ્રિન્ટેડ ટેક્નોલોજીના રૂપમાં આપણે નવા ભારતનું ચિત્ર જોઈ રહ્યા છે. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ભારત પોતાની 4G અને 5G ટેક્નોલોજી વિકસિત કરશે કે ભારત ટેલિકોમ ટેક્નોલોજી ક્ષેત્રે નિર્માણ અને ઉત્પાદન કરતો દેશ બનશે કે પછી વિશ્વ કક્ષાની ટ્રેન્સ પોતાના દેશમાં બનાવવામાં આવશે.”
શું છે 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજી
આ પોસ્ટ ઑફિસ માત્ર 43 દિવસમાં તૈયાર કરી દેવામાં આવી છે. ડેડલાઈન 45 દિવસની રાખવામાં આવી હતી, પરંતુ બે દિવસ પહેલાં જ તૈયાર થઇ ગઈ હતી. તેનું નિર્માણ જાણીતી કંપની લાર્સન એન્ડ ટબ્રો દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે IIT મદ્રાસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કુલ ખર્ચ 23 લાખનો આવ્યો હતો, જે પારંપરિક પદ્ધતિ કરતાં 30થી 40 ટકા જેટલો ઓછો છે. બીજું, પારંપરિક પદ્ધતિથી નિર્માણ કરવામાં વધુ સમય લાગે છે, જ્યારે આ ઇમારત માત્ર 43 દિવસમાં તૈયાર કરી દેવામાં આવી હતી.
3D પ્રિન્ટેડ ટેક્નોલોજી બાંધકામની સૌથી ત્વરિત અને ઝડપી પ્રક્રિયા છે. કોમ્પ્યુટરમાં તૈયાર કરવામાં આવેલ ડિઝાઇનની મદદથી લેયરિંગ મેથડ થકી ત્રિ-પરિમાણીય (three-dimensional) પદાર્થો બનાવવામાં આવે છે. આ એક ઓટોમેટેડ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી છે, જેમાં એક રોબોટિક પ્રિન્ટર તેને આપવામાં આવેલી ડિઝાઇન અનુસાર કોન્ક્રીટનાં લેયર બનાવે છે. આ માટે વિશેષ કોન્ક્રીટ મટિરિયલ વાપરવામાં આવે છે, જે બહુ ઝડપથી કઠ્ઠણ સ્વરૂપ ધારણ કરી લે છે.