ભારતીય નૌસેના ભારતીય સમુદ્ર ક્ષેત્રમાં સતત શક્તિ પ્રદર્શન કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી સેનાએ સમુદ્રી ચાંચિયાઓ સામે ઓપરેશન શરૂ કરી સમુદ્રને સુરક્ષિત કરવા માટેના પ્રયાસોમાં વધારો કર્યો છે. તેવામાં ફરી એકવાર ઇન્ડિયન નેવીએ પરાક્રમ બતાવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, નૌકાદળે એક ઈરાની જહાજને સમુદ્રી ચાંચિયાઓથી બચાવ્યું છે. આ સાથે જ 23 પાકિસ્તાની નાગરિકોને પણ બચાવી લેવામાં આવ્યા છે. આ ઓપરેશન લગભગ 12 કલાક કરતાં પણ સમય સુધી ચાલ્યું હતું.
ઇન્ડિયન નેવીએ આ ઓપેશન શુક્રવારે (29 માર્ચ) પાર પાડ્યું હતું. ભારતીય નૌકાદળે હિંદ મહાસાગરમાં એડનની ખાડી પાસે સમુદ્રી ચાંચિયાઓના હુમલાના જવાબ આપ્યો અને કલાકોના ઓપરેશન બાદ 23 પાકિસ્તાની નાગરિકોને ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ઈરાની ફિશિંગ જહાજ ‘AI Kanbar 786’ પર સવાર સમુદ્રી ચાંચિયાઓએ નેવી સામે આત્મસમર્પણ કરી દીધું હતું. નૌકાદળને 28 માર્ચની સાંજે ઈરાનના માછીમારી જહાજ ‘Al Kanbar 786’ પર ચાંચિયાઓ કરેલા હુમલાની માહિતી મળી હતી.
#INSSumedha intercepted FV Al-Kambar during early hours of #29Mar 24 & was joined subsequently by the guided missile frigate #INSTrishul.
— SpokespersonNavy (@indiannavy) March 29, 2024
After more than 12 hrs of intense coercive tactical measures as per the SOPs, the pirates on board the hijacked FV were forced to surrender.… https://t.co/2q3Ihgk1jn pic.twitter.com/E2gtTDHVKu
આ જાણકારી મળતાંની સાથે જે નૌકાદળે સમુદ્રી સુરક્ષા અભિયાનો માટે આરબ સાગરમાં તૈનાત 2 જહાજોને ઈરાની જહાજના બચાવ માટે રવાના કર્યા હતા. નૌસેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ઘટનાના સમયે જહાજ સોકોત્રાથી લગભગ 90 NM દક્ષિણ-પશ્ચિમમાં હતું અને તેના પર નવ સશસ્ત્ર ચાંચિયાઓ સવાર હતા. જે બાદ હાઈજેક થયેલા જહાજને INS સુમેધા દ્વારા અટકાવવામાં આવ્યું હતું. આ સાથે INS ત્રિશુલ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યું હતું. નોંધનીય છે કે, સોકોત્રા ટાપુ ઉત્તર-પશ્ચિમ હિંદ મહાસાગરમાં એડનની ખાડી પાસે સ્થિત છે.
નોંધવું જોઈએ કે, આ ઘટનાના થોડા દિવસ પહેલાં પણ સમુદ્રી ચાંચિયાઓ વિરુદ્ધના ઇન્ડિયન નેવીના એક ઑપરેશનને સફળતા મળી હતી. ભારતીય સમુદ્ર તટથી લગભગ 1,400 સમુદ્રી મિલ દૂર એક કોમર્શિયલ જહાજ પર સવાર 35 સોમાલી ચાંચિયાઓએ ઇન્ડિયન નેવીના માર્કોસ કમાન્ડો સામે સરેન્ડર કરી દીધું હતું. આ સાથે જ 17 ક્રૂ મેમ્બરોને ભારતીય નૌસેનાએ સફળતાપૂર્વક બચાવી લીધા હતા. અધિકારીઓએ આ વિશે જણાવ્યું હતું કે, મજબૂત પ્લાનિંગ સાથે ઇન્ડિયન નેવી મેદાને ઉતરી હતી અને આખું ઑપરેશન પાર પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ 23 માર્ચે નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે કહ્યું હતું કે, ભારતીય નૌકાદળ એક સુરક્ષિત હિંદ મહાસાગર ક્ષેત્રને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. છેલ્લા 100 દિવસમાં નૌકાદળ દ્વારા હાથ ધરવામાં આવેલા એન્ટી-પાયરસી ઑપરેશનને ટાંકીને તેમણે કહ્યું હતું કે, નેવીએ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એન્ટી-પાયરસી, મિસાઈલ વિરોધી અને ડ્રોન વિરોધી ઑપરેશન હાથ ધર્યાં છે. ઓપરેશન સંકલ્પ દ્વારા 45 ભારતીયો અને 65 વિદેશી નાગરિકો સહિત 110 લોકોના જીવ બચાવ્યા છે.